સામાજિક લાભ-વ્યય-વિશ્લેષણ (Social Cost Benefit Analysis)

January, 2008

સામાજિક લાભવ્યયવિશ્લેષણ (Social Cost Benefit Analysis) : કોઈ પણ આર્થિક અથવા બિનઆર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે તો તેનાથી સમાજને લાભ અથવા વ્યય તે બન્નેમાં શું વધારે થાય છે તે અંગેનું વિશ્લેષણ. સામાજિક લાભ-વ્યય-પૃથક્કરણમાં બે શબ્દો મુખ્ય છે : (1) ‘લાભ’, (2) ‘વ્યય’. સામાજિક લાભ-વ્યય- પૃથક્કરણનો હેતુ કોઈ પ્રવૃત્તિ કરતાં સમાજને લાભ કરતાં વ્યય વધારે કરવો પડે છે કે વ્યય કરતાં લાભ વધારે મળે છે તે જોવાનો હોય છે. મહદ્અંશે આ પૃથક્કરણ આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં થાય છે. અલબત્ત, આ અંગે જેમ જેમ નવી માહિતી મળતી જાય છે અને સમાજ પરત્વેની સભાનતા વધતી જાય છે તેમ તેમ બિનઆર્થિક પ્રવૃત્તિના પણ ઉદ્ભવતા સામાજિક લાભ અને વ્યયનું વિશ્લેષણ થવા માંડ્યું છે; તેથી સામાજિક વ્યય કરતાં જો લાભ વધારે મળે તો જ તે પ્રવૃત્તિઓ શરૂ કરવા અને જો શરૂ થઈ ગઈ હોય તો ચાલુ રાખવાના આગ્રહો વધતા જાય છે. આવા આગ્રહો રાખીને તેનો અમલ કરાવવાની સત્તા રાજ્ય પાસે છે; તેથી તે કાર્ય રાજ્યે કરવું જોઈએ તેવો મત બળવત્તર બનતો જાય છે. રાજ્યની વિભાવનામાં વહીવટીતંત્ર ઉપરાંત લોકપ્રતિનિધિ સભા; જેમ કે, સંસદ અને ન્યાયતંત્ર; જેમ કે, અદાલતોનો પણ સમાવેશ થાય છે. તેથી તેવા આગ્રહો રાખવામાં વહીવટીતંત્ર ઊણું પડે તો સમાજહિતચિંતકો લોકપ્રતિનિધિસભા અને અદાલતો દ્વારા આવા આગ્રહો સેવાય તે માટે પ્રયત્નો કરે છે. આ સંદર્ભે સામાજિક લાભ-વ્યય-વિશ્લેષણમાં સૌથી પહેલાં સામાજિક લાભની અને પછી સામાજિક વ્યયની વિભાવના સમજવાનો અહીં ઉપક્રમ છે.

સામાજિક લાભ : કોઈ પણ લાંબા કે ટૂંકા ગાળાની (આર્થિક) પ્રવૃત્તિ કરવાને પરિણામે સમાજને મળતા ફાયદાનું મૂલ્યાંકન સામાજિક લાભ કહેવાય છે. આર્થિક પ્રવૃત્તિ કરનારને મળતા ફાયદા ઉપરાંત સમાજને પણ ફાયદો થવાનો સંભવ છે. એટલે કે આવી પ્રવૃત્તિ કરનારને ફાયદો/નફો થાય છે; પરંતુ પ્રવૃત્તિ કરનારનો હેતુ સમાજને પણ ફાયદા મળે તેવો હોય અથવા ન પણ હોય છતાં ઉદાહરણ તરીકે કોઈ એક વિસ્તારમાં કારખાનું સ્થાપવાથી બેકારોને રોજી મળે તે એક સામાજિક ફાયદો છે. અલબત્ત, કારખાનું સ્થાપનારનો હેતુ રોજી આપવાનો ન હોય અને નફો કમાવાનો જ હોય. આમ સામાજિક ફાયદામાં કારખાનેદારને મળતા નફા ઉપરાંત લોકોને મળતી રોજીનો પણ સમાવેશ થાય છે. વળી કારખાનું સ્થાપનાર નફો કરે અને કરવેરા ભરે એટલે સરકારની મહેસૂલી આવક પણ વધે છે, જે સરકાર લોકકલ્યાણ માટે વાપરી શકે છે.

સામાજિક વ્યય : કોઈ પણ લાંબા કે ટૂંકા ગાળાની (આર્થિક) પ્રવૃત્તિ કરવાના પરિણામે સમાજને થતા નુકસાનનું મૂલ્યાંકન એટલે સામાજિક વ્યય. અલબત્ત, એવી શક્યતા ખરી કે પ્રવૃત્તિ કરનારનો હેતુ એવું નુકસાન થાય તે ન પણ હોય. સમાજને થતા નુકસાનમાં પ્રવૃત્તિ કરનારને થતા નુકસાનનો પણ સમાવેશ થાય છે; ઉદાહરણ તરીકે, કોઈ એક વિસ્તારમાં કારખાનું સ્થાપવાથી હવાના થતા પ્રદૂષણને કારણે માંદા પડી જતા લોકોને સાજા થવા માટે જે ખર્ચ કરવો પડે તે સામાજિક વ્યયનો ભાગ બને છે. અલબત્ત, કારખાનું સ્થાપનારનો હેતુ લોકોને માંદા પાડવાનો ન પણ હોય અને તે તો ફક્ત કારખાનું સ્થાપવામાં થતા ખર્ચની જ ગણતરી કરતો હોય. સામાજિક વ્યયમાં માંદા પડી જતા લોકોને થતા ખર્ચ ઉપરાંત કારખાનું સ્થાપનારને સ્થાપના કરતાં અને તેને ચલાવતાં થતા ખર્ચનો સમાવેશ થાય છે. લોકોને થતો ખર્ચ તેમને ભરપાઈ થાય તે માટે સરકાર કારખાનેદાર પાસેથી વસૂલ કરેલા કરવેરામાંથી દવાખાનાં ચલાવે છે.

સામાજિક લાભ અને વ્યયની આ વિભાવનાઓને અલગ અલગ તપાસવાથી કોઈ ચોક્કસ પ્રવૃત્તિ શરૂ કરવી કે નહિ તેનું માર્ગદર્શન મળતું નથી. બંનેની તુલના થવી જોઈએ. તુલનાને પરિણામે જો સામાજિક લાભ કરતાં વ્યયની ઓછી ગણતરી થાય તો તે પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. પ્રવૃત્તિઓ શરૂ થયા બાદ નિયત સમયાંતરે તે પ્રવૃત્તિઓનું સામાજિક લાભ-વ્યયની દૃષ્ટિએ વિશ્લેષણ થવું જોઈએ. વિશ્લેષણના અંતે જો વ્યય કરતાં લાભ મળવાનો ચાલુ રહેતો હોય તો તે પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ. આમ, સામાજિક લાભ-વ્યય-વિશ્લેષણ મુખ્યત્વે આર્થિક અને અન્ય પ્રવૃત્તિઓ પણ શરૂ કરવી કે નહિ અને ચાલુ રાખવી કે નહિ તે અંગેનું માર્ગદર્શન આપતી તકનીક છે. જેમ જેમ વૈજ્ઞાનિક સંશોધનો થતાં જાય છે તેમ તેમ લાભ અને વ્યયની ગણતરીમાં ફેરફારો આવે છે. વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધોને પણ નવેસરથી વિચારવા માટે રોજેરોજ નવા મુદ્દા ઊભા થાય છે. તેથી સામાજિક લાભ-વ્યય-વિશ્લેષણ માત્ર ભૌતિક ધોરણે જ નહિ, પરંતુ ભાવાત્મક અને સામાજિક ષ્ટિએ પણ વિચારવામાં આવે છે.

સામાજિક લાભ-વ્યય-વિશ્લેષણના માપદંડો બદલાતા રહે છે તેથી એક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે લાભ અને વ્યયને જાણવાના હેતુથી એમનું મૂલ્યાંકન કરનાર સામાજિક લાભ-વ્યય-વિશ્લેષણનું પણ સતત મૂલ્યાંકન કરવું પડે છે. આ વિશ્લેષણ ફૂટપટ્ટીના જેવો નિશ્ચિત માપદંડ નથી; આથી આ વિશ્લેષણ કરનારાઓએ અભ્યાસ તળેની પ્રવૃત્તિઓની તકનીકી, વહીવટી અને માનવીય બાબતો અંગેની છેલ્લી પરિસ્થિતિથી માહિતગાર રહેવું પડે છે. વળી, વિશ્લેષણમાં જે નવી વિભાવનાઓ અને મુદ્દાઓ ઉમેરાય છે તેનાથી પણ તેમણે માહિતગાર રહેવું પડે છે. આ શરતનું પાલન થાય તો જ સામાજિક લાભ-વ્યય સાચું માર્ગદર્શન આપી શકે છે.

અશ્વિની કાપડિયા