સામાજિક મનોવિજ્ઞાન : વ્યક્તિના સામાજિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. તેને ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’ પણ કહે છે. વ્યક્તિના સામાજિક વર્તનને જ કેન્દ્રમાં રાખનારા એક વિશિષ્ટ વિજ્ઞાન તરીકે સામાજિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ એ વીસમી સદીની જ ઘટના છે. ખાસ કરીને મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના અભ્યાસોમાં કોઈ કડી ખૂટતી અનુભવાતી ગઈ, તેમાંથી તેમના સમન્વયની ભૂમિકા રચાઈ. આ વિજ્ઞાનોના વિદ્વાનો દ્વારા આવા સમન્વયના થયેલા પ્રયત્નોના ફળ રૂપે ઈ. સ. 1908માં સૌપ્રથમ ‘સામાજિક મનોવિજ્ઞાન’ શીર્ષક હેઠળ બે પુસ્તકો પ્રકાશિત થયાં. તેમાંના એકના લેખક હતા મનોવૈજ્ઞાનિક વિલિયમ મૅક્ડૂગલ અને બીજાના લેખક ઍડવર્ડ એલ્સવર્થ રોસ નામના એક સમાજશાસ્ત્રી હતા. ત્યારબાદ સામાજિક મનોવિજ્ઞાનના વિકાસમાં પણ આ વિદ્વાનોનો ફાળો જ મુખ્ય છે. આ હકીકતને અનુલક્ષીને જ સામાન્ય મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રને સામાજિક મનોવિજ્ઞાનના જન્મદાતા (parent) વિજ્ઞાનો તરીકે ઓળખવામાં આવે છે.
સામાજિક મનોવિજ્ઞાન વ્યક્તિના સામાજિક વર્તનનું વિજ્ઞાન છે. તેમાં અભ્યાસ/વિશ્લેષણ માટેનો એકમ વ્યક્તિનું સામાજિક વર્તન હોય છે. આ વિજ્ઞાનમાં વ્યક્તિ(ઓ)નાં સામાજિક વર્તનોમાં તેનાં માનસિક પરિબળો અને પ્રક્રિયાઓ (પ્રેરણા, પ્રત્યક્ષીકરણ, સ્મરણ, વલણો, અભિસંધાન વગેરે) તેમજ સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિ (સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક ધોરણો, દરજ્જાઓ-ભૂમિકાઓ, સામાજિક સંસ્થાઓ, સામાજિક સમૂહ વગેરે માનવ-સહજીવનની વિવિધ પેદાશો તથા તેમના સંદર્ભો) કેવી રીતે, કેટલે અંશે કાર્યકારણ રૂપે વણાયેલાં હોય છે તે અંગેનું શાસ્ત્રીય અભ્યાસ દ્વારા તારવેલું જ્ઞાન નિરૂપાય છે. આ દૃષ્ટિએ, સામાજિક મનોવિજ્ઞાનના વિષયવસ્તુમાં મુખ્યત્વે પ્રેરણા અને જૈવિક તથા સામાજિક પ્રેરકો, સામાજિક વલણો, પૂર્વગ્રહો અને લક્ષણ-ચિત્રો(stereotypes)નાં ઘડતર અને પરિવર્તન, સામાજિક આંતરક્રિયાઓ અને તેનાં સ્વરૂપો, ધોરણ-અનુરૂપતા અને ધોરણ-ભંગ, વ્યક્તિમત્તા અને સામાજિકીકરણ, સંદર્ભ-સમૂહો, નેતૃત્વ, વ્યક્તિનાં ટોળાંકીય વર્તનો, પ્રત્યાયન(communication)નાં માધ્યમો/સાધનો, પ્રચાર અને સામાજિક વર્તન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.
સામાજિક મનોવિજ્ઞાન તાજેતરમાં જ વિકસીને એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયું છે. તે મુખ્યત્વે અનુભવાશ્રિત વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રયુક્તિઓ વડે જ પ્રસ્તુત સૈદ્ધાંતિક તેમજ વ્યાવહારિક જ્ઞાનના સંપાદન અને પરીક્ષણનો અભિગમ ધરાવે છે. આ અભિગમ અપનાવી થયેલા અભ્યાસોમાંથી તેની જરૂરી પરિભાષા પણ ક્રમશ: વિકસતી ગઈ છે. વળી, તે એક વાર્તનિક તેમજ સામાજિક વિજ્ઞાન છે અને સામાન્ય મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા સામાજિક/સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્ર (social/cultural anthropology) જેવા વાર્તનિક અને/અથવા સામાજિક વિજ્ઞાનો સાથે તેનો જ્ઞાન, પદ્ધતિ તથા પરિભાષા અંગે આદાનપ્રદાનનો સંબંધ પણ વિકસવા પામ્યો છે.
વળી, સંબંધિત આધુનિક વિદ્વાનોમાં એ પણ લગભગ સર્વસ્વીકૃત થયું છે કે દરેક માનવ-વ્યક્તિ પોતાના સામાજિક જગતમાં જ જન્મી તેમાં જીવન જીવતી હોય છે. પરિણામે, સામાજિક સાંસ્કૃતિક અસરો વિનાની કોઈ બિનસામાજિક (asocial) વ્યક્તિ કે તેવું કોઈ વર્તન અભ્યાસ માટે કોઈ મનોવૈજ્ઞાનિકને પણ ભાગ્યે જ સુલભ બની શકે. આમ, સામાજિક સંદર્ભોની દૃષ્ટિએ સામાજિક મનોવિજ્ઞાનનું અભ્યાસક્ષેત્ર ઘણું વિશાળ ફલક ધરાવે છે અને તેમાં અભ્યાસ માટે ઘણો અવકાશ રહેલો છે. આ હકીકતને અનુલક્ષીને મુખ્યત્વે સમાજશાસ્ત્ર સાથેનો તેનો સ્વાભાવિક અને અનિવાર્ય ગાઢ સંબંધ સર્વમાન્ય છે.
હસમુખ હ. પટેલ