સામતાણી, ગુનો દયાલદાસ [જ. 13 જુલાઈ 1934, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાન); અ. 1997] : સિંધીના અદ્યતન વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના બીજા વાર્તાસંગ્રહ ‘અપરાજિતા’ (1970) બદલ 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.
તેમનો જન્મ શિક્ષિત અને સાહિત્યિક ભૂમિકા ધરાવતા પરિવારમાં થયો હતો. દેશના વિભાજન બાદ તેઓ મુંબઈ ગયા. ત્યાંથી અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર સાથે સ્નાતક અને ઇતિહાસ સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમનાં પિતા, ભાઈઓ અને બહેનો પુસ્તકપ્રેમી હોવાથી પુસ્તકોએ ગુનોની જીવનશૈલી અને સંવેદનશીલતા પર ઊંડો પ્રભાવ પાડ્યો.
યુવાનવયે તેઓ હૃષીકેશ (હરદ્વાર) આશ્રમમાં રહેવા ગયા અને ધાર્મિક સાહિત્યના અભ્યાસે તેમની ભાષા અને શૈલીનું ઘડતર કર્યું. પ્રારંભમાં તેમણે કાવ્યો રચ્યાં. પછી 1957થી તેઓ વાર્તાલેખન તરફ વળ્યા. 15 વર્ષની વયે તેમણે લખેલા વાર્તાસંગ્રહથી મોખરાના વાર્તાકારની ખ્યાતિ પામ્યા. તેમના ‘પ્રલય’ નામક પ્રથમ વાર્તાસંગ્રહે (1958) સાહિત્યિક વર્તુળમાં ખળભળાટ મચાવેલો. ‘વાપસ’ નવલકથા(1958)થી સિંધી નવલકથાકારોમાં તેમને અગ્ર સ્થાન મળ્યું. ત્યારબાદ તેમણે ‘અભિયાન’ (1966) અને ‘અપરાજિતા’ વાર્તાસંગ્રહો (1970) આપ્યા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘અપરાજિતા’માં તેમણે નવા વિચારો, નવી તકનીક અપનાવીને પ્રવર્તમાન વાર્તાપરિવેશને વળાંક આપ્યો. તેમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનને સાંકળીને નવી ભાત પાડી છે. માનવીય સંવેદનાનું હૃદયગત ચિત્રાંકન, ચિંતનશીલ આદર્શોન્મુખતા તથા પ્રબુદ્ધ પાત્રાલેખનને કારણે સિંધી કથાસાહિત્યમાં આ વાર્તાસંગ્રહ પ્રથમ પંક્તિનો લેખાય છે.
જયંત રેલવાણી