સામગ્રી-વ્યવસ્થાપન (materials management)

January, 2008

સામગ્રી-વ્યવસ્થાપન (materials management) : ઉત્પાદન માટે ખરીદેલા માલસામાન/સામગ્રીનું પાકો માલ તૈયાર થાય ત્યાં સુધી કરવામાં આવતું વ્યવસ્થાપન. સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ પાકા માલ સિવાયની જંગમ ચીજોનું વ્યવસ્થાપન થાય છે. ‘નિર્ણયો લેવા અને તેનો અમલ કરવો’ તે વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર છે તેથી સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ પાકા માલ સિવાયની બધી જંગમ ચીજો અંગે નિર્ણયો લેવા અને તેઓનો અમલ કરવામાં આવે છે. સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ મહદ્અંશે સામગ્રીની પ્રાપ્તિ, સંગ્રહ, જાળવણી અને હેરફેર અંગેના નિર્ણયો લેવામાં આવે છે અને તેનો અમલ થાય છે.

સામગ્રીની નાના જથ્થામાં પ્રાપ્તિ કરવાથી વાહનખર્ચ, વહીવટી ખર્ચ અને વહીવટી કામ વધે છે; તેથી ઊલટું મોટા જથ્થામાં પ્રાપ્તિ કરવાથી ખરીદકિંમતની અનુકૂળ શરતો અને એકસરખી ગુણવત્તાના લીધે એકમદીઠ પડતર ઘટે છે; પરંતુ તેની સામે સંગ્રહખર્ચ અને જાળવણીખર્ચ વધે છે. માલ બગડી જવાની શક્યતા રહે છે, નવો માલ ખરીદવાના લાભ ગુમાવવા પડે છે અને ફરતી મૂડી (circulating capital) મોટા પ્રમાણમાં રોકાઈ જાય છે. સામગ્રી-વ્યવસ્થાપનમાં કાચા અને અર્ધ-તૈયાર માલ અંગેના નિર્ણયો અને તેના અમલનો સમાવેશ થાય છે; પરંતુ પાકા માલ અંગેના નિર્ણયો અને તેના અમલનો સમાવેશ થતો નથી. પાકો માલ બજારક્રિયાનો એક ભાગ છે તેથી એને બજારક્રિયા-વ્યવસ્થાપન હેઠળ આવરી લેવામાં આવે છે. સ્થાવર મિલકતોનું સંચાલન મહદ્અંશે તેની જાળવણીનું હોય છે પણ તે સામગ્રી-વ્યવસ્થાપનનો ભાગ બનતું નથી.

ધંધાકીય એકમ જંગમ પદાર્થોને એના ઉપયોગ કે રૂપાંતર માટે પ્રાપ્ત કરે છે. આ પદાર્થોની પ્રાપ્તિથી માંડી હેરફેર સુધીની પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવા અને તેનો અમલ કરવા સુધી સામગ્રી-વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર વિસ્તરેલું છે. જરૂરી સમયે અને જરૂરી સ્થળે જરૂરી જથ્થામાં સામગ્રી મળી રહે અને તે જ્યારે રૂપાંતરમાં કે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે એનાં રૂપ, રંગ, ગંધ, ગુણવત્તા ટકી રહે તે સામગ્રી-વ્યવસ્થાપને જોવાનું છે. સામગ્રીનાં ઉપયોગ અને રૂપાંતર સતત ચાલતાં હોય છે, પણ પ્રાપ્તિસ્થાનોથી એ સતત મળતી નથી. એક વાર તે સતત મળતી હોય તોપણ તેને સતત મેળવતા રહેવાનું ધંધાદારીને પરવડતું નથી. સામગ્રીને સમયાંતરે મેળવવામાં આવે છે. આથી, એનાં સંગ્રહ અને જાળવણી કરવાં પડે છે. જ્યાં સામગ્રીનો સંગ્રહ હોય ત્યાંથી ઉપયોગ / રૂપાંતરના સ્થળે પહોંચાડવા માટે એની હેરફેર કરવી પડે છે.

પાકા માલની પડતરમાં 60 %થી 65 %નો ભારાંક સામગ્રીનો હોય છે. ધંધાદારીની કાર્યશીલ મૂડી મોટા પ્રમાણમાં સામગ્રીમાં રોકાતી હોય છે. એની જાળવણીનો ખર્ચ ગણનાપાત્ર હોય છે. આથી સામગ્રી-વ્યવસ્થાપનમાં ઊંચી કાર્યક્ષમતા જાળવવી અનિવાર્ય થઈ પડે છે. કાર્યક્ષમ સામગ્રી-વ્યવસ્થાપન કુદરતી ઘટ (natural deficit) જેવા અનિવાર્ય બગાડ સિવાયના બગાડને દૂર કરે છે, જે પડતર ઘટાડવામાં ઘણું મદદગાર થાય છે. પરિણામે મહત્તમ નફો અને કર્મચારીઓને વધારે વળતર જેવાં લક્ષ્યાંકો સરળતાથી સિદ્ધ થાય છે.

સૂર્યકાન્ત શાહ