સામંત, દત્તા (જ. 1950, મુંબઈ; અ. 16 જાન્યુઆરી 1997, મુંબઈ) : મુંબઈની કાપડ-મિલોના શ્રમિકોના અપક્ષ નેતા. તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા. નગરના ઘાટકોપર વિસ્તારમાં વ્યાવસાયિક કાર્યક્ષેત્ર હોવાથી તેમણે મજૂર-ચળવળનું સંચાલન કર્યું. સમગ્ર શિક્ષણ મુંબઈમાં લીધું અને વૈદ્યકીય ક્ષેત્રની પદવી મેળવ્યા બાદ ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. શોષિત વર્ગના હમદર્દ હોવાથી તેમણે મજૂર-ચળવળમાં ઝંપલાવ્યું અને છેક સુધી અપક્ષ રહ્યા. 194982ના ગાળામાં નગરની કાપડ-મિલોના શ્રમિકોના વેતનદરોમાં કોઈ સુધારો થયો ન હતો; એટલું જ નહિ, પરંતુ શ્રમ-સમસ્યાઓના નિરાકરણ માટે આ ગાળામાં બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ કરવામાં આવેલા પ્રયાસો નિષ્ફળ નીવડતાં દત્તા સામંતે નાછૂટકે, અનિચ્છાએ પ્રત્યક્ષ પગલાંઓનો માર્ગ અપનાવ્યો અને તેમના માર્ગદર્શન હેઠળ 18 નવેમ્બર, 1982ના રોજ મુંબઈની 65 મિલોના શ્રમિકોએ ઐતિહાસિક હડતાળ પાડી, જેમાં અઢી લાખ શ્રમિકોએ ભાગ લીધો અને જે સતત બે વર્ષ સુધી ચાલી હતી.
દત્તા સામંત
તે પૂર્વે શિવસેનાના સર્વોચ્ચ નેતા બાળાસાહેબ ઠાકરેની રાહબરી હેઠળ 1981માં નગરની કાપડ-મિલોના કામદારોએ એક દિવસની પ્રતીક હડતાળ પાડી હતી, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ઉપર્યુક્ત હડતાળ ટાણે ઠાકરેએ એવી ધમકી આપી હતી કે મિલમાલિકો શ્રમિકોને માસિક રૂપિયા 200નો વધારો માન્ય ન કરે તો 15 નવેમ્બર, 1981થી શ્રમિકો અનિશ્ચિત હડતાળ પર ઊતરશે. આ જ અરસામાં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી અબ્દુલ રહેમાન અંતુલેએ કાપડ મિલોમાં કામ કરતા દરેક શ્રમિકને માસિક રૂપિયા 1,500ના વધારાની ખાતરી ઉચ્ચારી હતી, જેનો અમલ કરાવવામાં અંતુલે નિષ્ફળ નીવડતાં તેમણે મુખ્યમંત્રીપદનું રાજીનામું આપ્યું હતું. તે અરસામાં બુટાસિંગ કેન્દ્ર સરકારમાં શ્રમમંત્રી હતા, જેમણે માસિક રૂપિયા 150-200ના વેતનધારાનું જાહેરમાં સૂચન કર્યું હતું. આ સૂચનનો પણ અમલ થયો ન હતો. તેની સામે રાજ્યના નવા મુખ્યમંત્રી બાબાસાહેબ ભોસલેએ શ્રમિકદીઠ માસિક રૂપિયા 30ની વચગાળાની રાહત અને રૂપિયા 650ની આગોતરી ચુકવણી(advance payment)ની શરતે દરખાસ્ત મૂકી કે શ્રમિકોએ દત્તા સામંતની નેતાગીરીનો બહિષ્કાર કરવો. શ્રમિકોએ આ શરત ફગાવી દીધી હતી. દત્તા સામંતની બે મુખ્ય માગણીઓ હતી : (1) શ્રમિકદીઠ માસિક રૂપિયા 150થી 200નો વધારો આપવો (2) બૉમ્બે ઇન્ડસ્ટ્રિયલ રેગ્યુલેશન (BIR) ઍક્ટમાં ઉલ્લેખિત જે કલમ હેઠળ માત્ર માન્યતાપ્રાપ્ત મંડળ જ શ્રમિકો વતી તેમની માગણીઓના અનુસંધાનમાં સરકાર અને માલિકો સાથે વાટાઘાટો કરી શકશે તે કલમ રદ કરવી. દરમિયાન પુરોગામી લોકદળ(PLD)ના શરદ પવાર અને જ્યૉર્જ ફર્નાન્ડિઝે શ્રમિકદીઠ માસિક રૂપિયા 42નો વધારો સૂચવ્યો. આમાંથી કોઈ પણ દરખાસ્તને અધિકૃત યુનિયન તરીકેની માન્યતા ધરાવતા કૉંગ્રેસપ્રેરિત રાષ્ટ્રીય મિલ મજદૂર યુનિયને સમર્થન આપ્યું ન હતું. તેમની એકમાત્ર વ્યૂહરચના ‘સામંત હઠાવો’ એ હતી. 8 જુલાઈ 1982ના રોજ શ્રમિકોની માગણીઓના સમર્થનમાં 8,000 જેટલી મહિલાઓએ મોરચો કાઢ્યો હતો. 16 જુલાઈ, 1982ના રોજ શ્રમિકોનાં 1,800 બાળકોએ પોતાના મોરચાનું આયોજન કર્યું હતું. તે ઉપરાંત કમાટીપુરા વિસ્તારના 700 જેટલા શ્રમિક પરિવારોએ રાત્રીના સમયમાં ઘંટનાદ કર્યો હતો. 16 સપ્ટેમ્બર, 1982ના રોજ દત્તા સામંતના નેતૃત્વ હેઠળ દોઢ લાખ શ્રમિકોએ રાજ્યવિધાનસભા આગળ દેખાવો કર્યા હતા. આ બધાંની માલિકો પર, કેન્દ્ર સરકાર પર, કૉંગ્રેસ પક્ષ પર અને રાજ્ય સરકાર પર કોઈ અસર થઈ ન હતી. તે બધાંનો એકમાત્ર ઉદ્દેશ એ હતો કે દત્તા સામંતનું નેતૃત્વ છિન્નભિન્ન કરવું. બે વર્ષ સતત ચાલેલી આ હડતાળને કારણે મોટાભાગના શ્રમિક પરિવારો આર્થિક રીતે તદ્દન પાયમાલ થઈ ગયા હતા. છેવટે હડતાળ પર ઊતરેલા દોઢ લાખ શ્રમિકોમાંથી લગભગ એક લાખ શ્રમિકોએ શરણાગતિ સ્વીકારી, હવે પછી હડતાળ ન પાડવાનું લેખિત વચન આપ્યું અને એ રીતે ભારતના ઇતિહાસમાં પડેલી આ અભૂતપૂર્વ હડતાળનો અનૌપચારિક અંત આવ્યો હતો (આજની તારીખ સુધી ઔપચારિક રીતે આ હડતાળ પાછી ખેંચવામાં આવેલી નથી આ બાબત વિશેષ નોંધપાત્ર છે.) તેમ છતાં ત્યારબાદ યોજવામાં આવેલી લોકસભાની ચૂંટણીમાં દત્તા સામંત મુંબઈના શ્રમવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા. 16 જાન્યુઆરી, 1997ના રોજ છોટા રાજન ગુનેગાર ટોળકીના ચાર બંદૂક ધારીઓએ દત્તા સામંતની તેમના નિવાસસ્થળ પાસે હત્યા કરી હતી. આ હત્યારાટોળકીનો મુખ્ય સૂત્રધાર વિજયકુમાર રામપ્રસાદ ચૌધરી હતો, જેની ધરપકડ બાદ તેના પર ખટલો ચાલતો હતો અને તે દરમિયાન 9 સપ્ટેમ્બર, 2006ના રોજ તે જેલ તોડીને ભાગી ગયો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે