સામંત, મોહન (જ. 1926, મુંબઈ) : પ્રતિભાવાન ચિત્ર-કલાકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના તેજસ્વી સ્કૉલર તરીકે તેમણે 1951માં કલાનો ડિપ્લોમા મેળવ્યો. તૈલરંગો, રેતી, સ્પેકલ (speckle) (એક પ્રકારનો સિમેન્ટ) અને ગુંદર વગેરે જેવા વિવિધ પદાર્થો વડે તેઓ તેમનાં ચિત્રોનું સર્જન કરે છે. એમનાં ચિત્રો રંગના થર પર ઊપસતી ઘન રેખાઓ, અક્ષરાલેખનો, કોરેલાં સંજ્ઞાલેખનો વડે અલગ તરી આવે છે.

મોહન સામંત

ડિપ્લોમા મેળવ્યાનાં 3 વર્ષ પછી તેમણે મુંબઈના ગવર્નરનું પારિતોષિક મેળવ્યું. 1954માં કોલકાતા આર્ટ સોસાયટી તરફથી તેમને સુવર્ણચંદ્રક મળ્યો. તેમની કલાની કદર રૂપે બીજે જ વર્ષે લલિત કલા અકાદમીએ તેમને ઍવૉર્ડ આપ્યો. 1956-57ના વર્ષનો ચિત્રકલાક્ષેત્રે સુવર્ણચંદ્રક બૉમ્બે આર્ટ સોસાયટી દ્વારા આપવામાં આવ્યો. શરૂઆતથી જ આવાં માનચંદ્રક મેળવનારી તેમની કલાપ્રતિભાની તે વખતના જાણીતા કલાસામયિક ‘માર્ગ’માં ડૉ. મુલ્કરાજ આનંદે સહર્ષ નોંધ લીધી, જેથી કલાક્ષેત્રે તેમની આગવી શક્તિ પ્રસ્થાપિત થઈ.

1957-58માં ઇટાલીની સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમયની શિષ્યવૃત્તિ મળી. ત્યારથી તેમનો આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રવેશ થયો. ત્યારબાદ એશિયા સોસાયટીની ગ્રાન્ટ પર તેઓ અમેરિકા ગયા. અમેરિકામાં આયોવા, મિશિગન, બકનેલ અને પૅન્સિલ્વેનિયા યુનિવર્સિટીઓ તેમજ એન આર્બર અને બ્રૂકલિનની કૉલેજોમાં તેમણે કલા પર વ્યાખ્યાનો આપ્યાં. આ સ્થળો ઉપરાંત છેક વેનિસ, ટોકિયો, સાઓ પાઉલો તથા રોમ, ઝુરિક, લંડન, પૅરિસ અને મ્યૂનિક વગેરે સ્થળોએ તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાયાં. પરિણામે વિદેશમાં પ્રતિષ્ઠા પામ્યા. તત્કાલીન વિખ્યાત સામયિક ‘ટાઇમ’ના કલા-વિભાગમાં તેમનાં બે રંગીન ચિત્રો સાથે એમનો પરિચય પ્રકટ કરાયો. આવી ખ્યાતિ મેળવનાર તેઓ પ્રથમ હિંદી ચિત્રકાર હતા. વળી આન્તોનિયો ટૅપિઝ જેવા પીઢ સ્પૅનિશ કલાકાર સાથે તેમની સરખામણી થવા લાગી. તેમની કૃતિઓ ન્યૂયૉર્કના ‘મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ’માં અને પીટ્સબર્ગના ‘કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ’માં પણ સ્થાન પામી. ‘મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ’નાં હજારો ચિત્રો પૈકી 153 અગ્રગણ્ય ચિત્રોમાં આલ્ફ્રેડ એચ બારે (જુનિયર) સામંતનું ‘ગ્રીન સ્ક્વેર’ પસંદ કરેલું. આમ તેમને ત્યાંના મૂલ્યવાન કૅટલૉગમાં વાન ગોઘ, હૉનેર રુસ્સો જેવા વિખ્યાત કલાકારો સાથે સ્થાન મેળવ્યાનું ગૌરવ પ્રાપ્ત થયું.

‘ધ સન ચૅરિયેટ’ (સૂર્યરથ) નામની એમની કૃતિ કૅનેડાના ફ્રેડરિક્શનમાં યોજાયેલા ‘ડન ઇન્ટરનૅશનલ એક્ઝિબિશન’માં અને લંડનની વિખ્યાત ટેઇટ ગૅલેરીમાં પ્રદર્શિત થઈ હતી; જ્યાં પિકાસો, રેનાટો, ગટ્ટસો, ઝ્યાં ડ્યુબક્ફેટ, સાલ્વાડોર ડાલી, માર્ક છાગાલ જેવા નામી કલાકારોની કૃતિઓ રજૂ થઈ હતી. પરિણામે ત્યાં તેમને ‘અબ્સ્ટ્રેક્ટ એક્સ્પ્રેશનિસ્ટ’ તરીકે પ્રતિષ્ઠા મળી. 1961, 1962 અને 1963માં તેમની કૃતિઓ ધ વર્લ્ડ હાઉસ ગૅલેરીઝમાં પ્રદર્શિત કરાઈ હતી.

6 વર્ષનો વિદેશ પ્રવાસ ખેડી સ્વદેશ પાછા ફર્યા, ત્યારે તેમની પાસે તેમનું પોતાનું કોઈ ચિત્ર નહોતું. સંગીતના જાણકાર હોઈ તેઓ દિવસનો પ્રારંભ સારંગીવાદનથી કરે છે.

બળદેવભાઈ કનીજિયા