સામવેદ : જગતભરના પ્રાચીન વૈદિક સાહિત્યના પ્રધાન ચાર વેદોમાંનો એક વેદગ્રંથ. ‘ભગવદગીતા’માં સામવેદને ભગવાન કૃષ્ણે સ્વમુખે શ્રેષ્ઠ વેદ અને પોતાની વિભૂતિ તરીકે ગણાવ્યો છે. પરિણામે ‘બૃહદ્દેવતા’ મુજબ જે સામને જાણે છે તે જ જગતનું તત્ત્વ કે રહસ્ય જાણે છે. ખુદ ઋગ્વેદમાં જ કહ્યું છે કે જે જ્ઞાની છે તેને સામ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં, સામવેદ ચારે વેદોમાં શ્રેષ્ઠ છે અને તે સૂર્ય પાસેથી મળ્યો છે.

સામવેદની સંહિતાઓ એક હજાર હતી એમ ‘મહાભાષ્ય’કાર પતંજલિ વગેરેએ નિર્દેશો કર્યા છે; પરંતુ ગૌતમી, લાંગલિયા, કાલ્વલી, શાટ્યાયની, શૈલાલી, ભાલ્વલી, શાંડિલ્યા, સાત્યમુગ્રીયા એટલી સંહિતાના ફક્ત નામનિર્દેશો મળે છે, જ્યારે ત્રણ જ સંહિતાઓ હાલ ઉપલબ્ધ છે. તેમાં જૈમિનીય શાખાની સંહિતા કેરળ અને કર્ણાટક વગેરે દક્ષિણ ભારતના પ્રદેશોમાં પ્રચલિત છે. જ્યારે રાણાયણીય શાખાની મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણના પ્રદેશોમાં પ્રચલિત છે. જ્યારે ગુજરાતમાં કૌથુમીય કે કૌથુમ શાખાની સંહિતા પ્રચલિત છે. ગુજરાતના શ્રીમાળી બ્રાહ્મણોમાં વિશેષ પ્રચલિત આ શાખા સૌથી મહત્ત્વની છે.

સામવેદમાં સંહિતાના બે વિભાગો છે : (1) આર્ચિકસંહિતા અને (2) ગાનસંહિતા. ઋગ્વેદની જે ઋચાઓ સામવેદમાં ગાન માટે લેવામાં આવી છે તે બધી ઋચાઓ એકત્ર કરવામાં આવી છે. તેને ઋચાની એટલે આર્ચિકસંહિતા કહેવામાં આવી છે અને તેના બે વિભાગો છે : (1) પૂર્વાર્ચિક કે જેમાં એક એક ઋચા કે જેને એકર્ચ કહે છે તે સંગ્રહાઈ છે; જ્યારે (2) ઉત્તરાર્ચિક વિભાગમાં ત્રણ ત્રણ ઋચાઓ કે જેને તૃચ્ કહે છે તે એકમમાં એકત્ર કરાઈ છે.

ગાનસંહિતામાં ઋગ્વેદની ઋચા કે જે સામના યોનિમંત્રો કહેવાય છે તે છંદોબદ્ધ ઋચાઓને સંગીતનાં ગીતોમાં ગાવામાં આવી છે અને તેને ‘સામાનિ’ એવા નામે ઓળખવામાં આવી છે. કદાચ ભારતીય સંગીતના સાત સ્વરોમાંના પહેલો, વચલો અને અંતિમ ત્રણને ભેગા કરી આ શબ્દ પ્રચલિત થયો હોય એવી કલ્પના કરી શકાય. ઉપનિષદના ઋષિઓ સામન્ શબ્દને સા એટલે ઋચા અને अम એટલે સંગીતના સ્વરો એ બંને ભેગા મળી સંગીતના સ્વરોમાં ગાયેલી ઋચાને સામન્ નામ આપ્યું છે. આ ગાનસંહિતા ચાર વિભાગોમાં વહેંચાયેલી : (1) ગ્રામગેયગાન કે પ્રકૃતિગાન કે વેયગાન. (2) આરણ્યગેયગાન એ બંને ગાનસંહિતાઓ પૂર્વાર્ચિકસંહિતાના વિભાગો છે. (3) ઊહગાન અને (4) ઊહ્યગાન એ બંને ગાનસંહિતાઓ ઉત્તરાર્ચિકસંહિતાના વિભાગો છે. આમ ગાનસંહિતાના કુલ ચાર વિભાગો છે. વાસ્તવમાં આર્ચિકસંહિતામાં ઋગ્વેદની જ ઋચાઓ છે તેથી સામસંહિતા ખરેખર તો ગાનસંહિતાને જ કહેવી જોઈએ, છતાં બંને સંહિતાઓ સામવેદમાં આવે છે.

ઉપલબ્ધ ત્રણ શાખાઓમાં કૌથુમ શાખા ખૂબ જાણીતી છે. આ શાખાની અવાન્તર શાખા તાંડ્ય શાખાનો ઉલ્લેખ શંકરાચાર્યે બ્રહ્મસૂત્રો પરના પોતાના ‘શારીરક’ નામના ભાષ્યમાં કર્યો છે, આ શાખાનો બ્રાહ્મણગ્રંથ ‘તાંડ્યમહાબ્રાહ્મણ’ છે અને ‘છાંદોગ્ય’ આ શાખાનું જાણીતું અને મોટું ઉપનિષદ છે.

કૌથુમ શાખાની સંહિતા જેવી જ રાણાયણીય શાખાની સામવેદની સંહિતા છે. બંને સંહિતામાં નગણ્ય તફાવત છે. કૌથુમના हाउ શબ્દને બદલે हावु એમ રાણાયણીય શાખામાં ઉચ્ચારાય છે. કૌથુમના राइને બદલે અહીં रायि ઉચ્ચાર કરવામાં આવે છે. એની એક અવાન્તર શાખા સાત્યમુગ્રિ કે શાટ્યમુગ્રીયમાં एનો ઉચ્ચાર હ્રસ્વ ओ એવો કરવામાં આવે છે. આમ ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ આ શાખાનો ઉચ્ચારભેદ અભ્યસનીય જણાય છે.

ત્રીજી જૈમિનીય શાખાની સંહિતા કૌથુમ શાખાની સંહિતાથી મંત્રસંખ્યા, ગાનસંખ્યા અને પાઠભેદોની બાબતમાં જુદી પડે છે. જૈમિનીય શાખામાં કૌથુમ શાખા કરતાં ઋચાઓ ઓછી છે પરંતુ ગાનસંખ્યા વધારે છે. કૌથુમ શાખામાં પૂર્વાર્ચિકમાં 650 અને ઉત્તરાર્ચિકમાં 1,225 ઋચાઓ મળી કુલ 1,875 ઋચાઓની આર્ચિકસંહિતા બનેલી છે. જ્યારે જૈમિનીય શાખામાં પૂર્વાર્ચિકની 652, ઉત્તરાર્ચિકની 1,041 મળી કુલ 1,693 ઋચાઓની આર્ચિકસંહિતા બનેલી છે. જ્યારે ગાનસંહિતામાં કૌથુમ શાખામાં ગ્રામગેયનાં 1,197; આરણ્યગેયનાં 294; ઊહગાનનાં 1,026 અને ઊહ્યગાનનાં 205 મળી કુલ 2,722 ગાનો રહેલાં છે; જ્યારે જૈમિનીય શાખામાં ગ્રામગેયનાં 1,232; આરણ્યગેયનાં 291; ઊહગાનનાં 1,802 અને ઊહ્યગાનનાં 356 મળી કુલ 3,681 ગાનોની ગાનસંહિતા બનેલી છે. સાથે સાથે અનેક સ્થળે પાઠભેદો જોવા મળે છે. કૌથુમ શાખાની આર્ચિકસંહિતાની 1,875 ઋચાઓમાં 1,504 ઋગ્વેદમાંથી લીધેલી છે; 267 ઋચાઓ પુનરુક્ત થાય છે તથા 104 ઋચાઓ નવીન છે; જે ઋગ્વેદમાં નથી. જૈમિનીય શાખાની આર્ચિકસંહિતામાં રહેલી કેટલીક ઋચાઓ કૌથુમ શાખાની આર્ચિકસંહિતામાં નથી. જૈમિનીય શાખાનો બ્રાહ્મણગ્રંથ ‘જૈમિનીયબ્રાહ્મણ’ છે તથા તેની અવાન્તર શાખા તલવકારનું ‘કેન ઉપનિષદ’ ઘણું જાણીતું છે.

સામવેદ ઉદ્ગાતાનો વેદ છે. શ્રૌતયજ્ઞમાં ઇન્દ્ર વગેરે દેવો તેમને અર્પણ કરાયેલો સોમરસ પી રહ્યા હોય તે સમયે ઉદ્ગાતા કર્ણમધુર સામગાન કરે છે તેથી દેવો જ નહિ, યજમાનો પણ ખુશ થાય છે. સોમને લગતી ઋગ્વેદના આઠમા અને નવમા મંડળની ઘણી ઋચાઓ પર સામવેદમાં ગાનો આપવામાં આવ્યાં છે. પ્રત્યેક ગાન યજ્ઞમાં કયા વિધિમાં ગાવું તે ‘તાંડ્યમહાબ્રાહ્મણ’માં બતાવવામાં આવ્યું છે.

સામવેદસંહિતા અનેક સ્થળેથી એકલી આર્ચિકસંહિતા અથવા આર્ચિકસંહિતા સાથે ગાનસંહિતા બંને સાથેની પ્રકાશિત થયેલી છે. સર્વપ્રથમ લંડનથી સ્ટીવન્સન દ્વારા રાણાયણીય આર્ચિકસંહિતા અંગ્રેજી અનુવાદ સાથે 1842માં પ્રગટ થયેલી. એ પછી બર્લિનથી બેન્ફે દ્વારા 1848માં પ્રગટ થઈ હતી. બ્રેસ્લોથી ડૉ. કેલેન્ડે 1907માં જૈમિનીય શાખાની સંહિતા પ્રગટ કરેલી. કોલકાતાથી રૉયલ એશિયાટિક સોસાયટી દ્વારા સત્યવ્રત સામશ્રમીએ સામવેદની આર્ચિકસંહિતા પદપાઠ અને સાયણભાષ્ય સાથે અને ગાનસંહિતા સ્તોભપાઠ સાથે પ્રકાશિત કરી છે, તે સામવેદનું ઉત્તમ સંસ્કરણ છે. એ પછી 1936માં કોલકાતાથી નરેશચંદ્ર અને ભવભૂતિ ભટ્ટાચાર્યે આર્ચિકસંહિતા અને ગાનસંહિતા બંને પ્રકાશિત કરી છે અને તેમાં સાયણભાષ્ય પણ આપ્યું છે. ગુજરાતી વિદ્વાન મોતીલાલ ઘોડાએ જૂનાગઢથી 1933માં ફક્ત આર્ચિકસંહિતા ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ કરી છે. લાહોરથી ડૉ. રઘુવીરે જૈમિનીયસામસંહિતા કૌથુમની તુલના સાથે 1938માં પ્રગટ કરી છે. અજમેરથી 1926માં વૈદિક યંત્રાલયના અનેક પંડિતોએ સામવેદની આર્ચિકસંહિતા પ્રકાશિત કરી છે. અજમેરથી 1938માં પંડિત જયદેવે આર્ચિકસંહિતા હિંદી અનુવાદ અને સમજૂતી સાથે પ્રગટ કરી છે. ગુજરાતના અમદાવાદમાંથી જ સ્વામી ભગવદાચાર્યે આર્ચિકસંહિતા સંસ્કૃતમાં ‘સામસંસ્કારભાષ્ય’ અને હિંદીમાં અનુવાદ સાથે 1957માં પ્રકાશિત કરેલી છે. વારાણસીથી 1967માં પંડિત રામનાથ દીક્ષિતે ઊહગાન અને ઊહ્યગાન એ ગાનસંહિતા અને ઉત્તરાર્ચિકસંહિતા બંને સાથે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી પ્રકાશિત કર્યાં છે. અપ્પય્ય દીક્ષિતના આ વિદ્વાન વંશજ પંડિત રામનાથ દીક્ષિતે જૈમિનીય સામગાનસંહિતાનો પૂર્વાર્ચિક ગાનસંહિતા સાથે વારાણસીમાંથી સરસ્વતી ભવન ગ્રંથમાળા, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી પ્રકાશિત કર્યો છે. આ ક્ષેત્રે શ્રીપાદ દામોદર સાતવળેકરે 1940માં ઔંધ, મહારાષ્ટ્રના સ્વાધ્યાય મંડળ દ્વારા આર્ચિકસંહિતા પ્રગટ કરીને ઘણું મોટું કામ કર્યું છે. એ પછી 1942માં નારાયણસ્વામી દીક્ષિત પાસે તૈયાર કરાવી સ્વાધ્યાય મંડળ, ઔંધમાંથી કૌથુમ શાખાની બંને પૂર્વાર્ચિકની ગાનસંહિતાઓને પ્રકાશિત કરી છે. ઊહગાન અને ઊહ્યગાનની બંને સંહિતાઓને 1956માં સ્વાધ્યાય મંડળ, આનંદાશ્રમ, પારડી(સૂરત)માંથી પ્રકાશિત કરી છે. આ પ્રકાશન અતિમહત્ત્વનું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી