સામંતરાય, વીરેન્દ્રકુમાર (જ. 11 જુલાઈ 1946, પલાસરી, જિ. ખુરદા, ઓરિસા) : ઊડિયા બાલસાહિત્ય-લેખક. તેઓ બી.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનકાર્ય કરી સેવાનિવૃત્ત થયા. 1971થી બાળકોના માસિક ‘તુકુખુસી’ના સંપાદક રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં 72 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પિલાન્કા ઉત્કલમણિ’ (1976); ‘ભારતજ્યોતિ ગ્રંથમાલા’ 10 ભાગમાં (તમામ ચરિત્રો); ‘સપના રૈજા’ (1977); ‘રાજરા સ્વપ્ન’ (1988); ‘સુનારા છબી કથી’ (1986) તેમના લોકપ્રિય બાલવાર્તાસંગ્રહો છે. ‘હસરા ઝરણા હસરા નઈ’ (1984) તેમનો હાસ્યકથાસંગ્રહ છે; જ્યારે ‘પિલાન્કા વિશ્વકોશ’ ગ્રંથ-1 (1995) બાલવિશ્વકોશ છે.
ઊડિયા સાહિત્યમાં ચરિત્રો અને બાલસાહિત્યક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને 1977માં રાજ્ય ઍવૉર્ડ; 1985માં શિશુ સાહિત્ય પરિષદ ઍવૉર્ડ; 1987માં કુઆન્તરા ઍવૉર્ડ; 1991માં નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ચિલ્ડ્રન્સ ઍવૉર્ડ; 1994માં ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ વગેરે આપવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા