સાબાવાલા, જહાંગીર (જ. 1922, મુંબઈ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ બાદ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ સુધી કલા-અભ્યાસ કરી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ વધુ કલા-અભ્યાસ લંડનની હીથર્લી (Heltherly) સ્કૂલ ઑવ્ આર્ટમાં અને એ પછી પૅરિસની ‘અકાદમી જુલિયા’, ‘અકાદમી આન્દ્રે લ્હોતે’ તથા ‘અકાદમી દ લા ગ્રાન્દ શોમિર’માં કર્યો.
1951થી 2005 સુધીમાં સાબાવાલાએ પોતાનાં ચિત્રોનાં પચ્ચીસથી પણ વધુ વૈયક્તિક પ્રદર્શનો ભારત, યુરોપ અને અમેરિકામાં કર્યાં છે. સાબાવાલાએ વાસ્તવવાદી શૈલીનાં ચિત્રોથી શરૂ કરીને 1962થી ઘનવાદી શૈલી અપનાવી છે. ઘનવાદી શૈલીમાં એમણે માનવીઓ અને નિસર્ગનું નિરૂપણ કર્યું છે.
જહાંગીર સાબાવાલાએ આલેખેલું ઘનવાદી શૈલીનું એક નિસર્ગચિત્ર
1980માં સાબાવાલા ઉપર એક પુસ્તક પ્રકાશિત થયું છે : ‘ધ રિઝનિંગ વિઝન – ‘જહાંગીર સાબાવાલા પેઇન્ટરરલી યુનિવર્સ’. સાબાવાલાના જીવન અને કવન ઉપર એક ફિલ્મ પણ બની છે – ‘કલર્સ ઑવ્ ઍબ્સન્સ’. 1977માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ના ખિતાબથી સાબાવાલાનું સન્માન કરેલું.
અમિતાભ મડિયા