સાબાહ : મલયેશિયાનું બીજા ક્રમે આવતું મોટું રાજ્ય. તે પૂર્વ મલયેશિયામાં બૉર્નિયોના ઈશાન ભાગમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : તે 4°થી 8° ઉ. અ. અને 115° 30´થી 119° 30´ પૂ. રે. વચ્ચેનો 73,619 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાલાબાકની સામુદ્રધુની, ઈશાનમાં સુલુ સમુદ્ર, પૂર્વ તરફ સુલુ ટાપુઓ અને સેલિબિસ સમુદ્ર, દક્ષિણે કાલીમાન્તાનનો ઇન્ડોનેશિયાઈ પ્રદેશ  બૉર્નિયો, પશ્ચિમે સારાવાક તથા વાયવ્યમાં દક્ષિણ ચીની સમુદ્ર આવેલા છે. સાબાહ મુખ્યત્વે ગ્રામીણ વિભાગોથી બનેલું રાજ્ય છે. અહીંની મોટાભાગની વસ્તી નાનાં નાનાં ગામડાંઓમાં રહે છે. કોટા ક્ધિોબાલુ (જૂનું નામ : જેસ્સલટન) આ રાજ્યનું પાટનગર છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : સાબાહનું ભૂપૃષ્ઠ મુખ્યત્વે પહાડી છે. પૂર્વ અને ઈશાન તરફની કિનારારેખા શિખાઓની જેમ લંબાયેલી ખાંચાખૂંચીવાળી છે. સાબાહને ત્રણ સ્પષ્ટ વિભાગોમાં વહેંચી શકાય છે : (i) કિનારાના કળણ-પ્રદેશો, (ii) મેદાનો, (iii) પર્વતો અને ઊંચાણવાળા પ્રદેશો. લગભગ આખુંય સાબાહ પર્વતશ્રેણીઓ અને ઊંચાણવાળી ભૂમિથી છવાયેલું છે. પર્વતો અને ઉગ્ર ઢોળાવો 50 % જેટલો ભૂમિભાગ રોકે છે. સાબાહમાં વિશાળ જંગલ-વિસ્તારો પણ છે.

સારાવાક સીમાથી ઉત્તર તરફ ક્રૉકર હારમાળા પશ્ચિમ કિનારાને સમાંતર ચાલી જાય છે. માઉન્ટ કિનેબાલુ (4,098 મીટર) અહીંનું તેમજ આખાય અગ્નિ એશિયાનું સર્વોચ્ચ શિખર છે. અન્ય કેટલાંક શિખરો 2,000 મીટરથી વધુ ઊંચાઈવાળાં પણ છે. હારમાળાના પશ્ચિમ ભાગની તળેટીની ટેકરીઓ (foot hills) અસમતળ હોવાથી તે પછીના ત્યાંના કિનારા તરફની ભૂમિ છૂટા છૂટા વિભાગોમાં વહેંચાઈ ગઈ છે. હારમાળાની પૂર્વ તરફનાં મેદાનોની શ્રેણીમાં રાનાઉ, તંબુનાન, કેનિન્ગાઉ અને તેનોમ નગરો આવેલાં છે. માઉન્ટ કિનેબાલુની અગ્નિ ધાર પર 1,500 મીટરની ઊંચાઈ ધરાવતો પિનોસુક ઉચ્ચપ્રદેશ આવેલો છે. તે વચ્ચે વચ્ચે ઘસારાથી કોતરાયેલો છે તેમજ ઢાળવાળું મેદાની લક્ષણ ધરાવે છે.

મેદાનોની પૂર્વ તરફ 2600 મીટર ઊંચાઈવાળી ટ્રુસમદી તેમજ વિત્તિ હારમાળાઓ છે. આ બે હારમાળાઓ વચ્ચે સૂક નામનું મેદાન છે. મધ્યભાગમાં લબુક, કુઆમુત, સેગામા અને તાવાઉના નાના ઉચ્ચપ્રદેશો છે. કુઆમુત ઉચ્ચપ્રદેશીય વિભાગ (ઊંચાઈ 1,600 મીટર) રાજ્યની મોટામાં મોટી નદી કિનાબા તેંગનનો સ્રાવવિસ્તાર બની રહેલો છે. સેગામા અને તાવાઉના ઉચ્ચપ્રદેશો 1,300 મીટરની ઊંચાઈવાળા છે.

પેગાલાઉ અને તેનોમ નદીઓ મેદાનોમાં વહે છે. પેગાલન અને તોમાની નદીઓ તેનોમ ખાતે ભેગી થઈને પદાસ નદી બનાવે છે. અન્ય નદીઓમાં લબુક અને લિવાગુનો સમાવેશ થાય છે.

સાબાહ રાજ્ય

આબોહવા : સાબાહની આબોહવા ગરમ ભેજવાળી વિષુવવૃત્તીય પ્રકારની છે. અન્ય અયનવૃત્તીય વિસ્તારોની જેમ અહીં ઋતુઓ દરમિયાનના તાપમાનના ગાળાની સરખામણીએ દિવસ-રાત્રિ દરમિયાનનો તાપમાન-ગાળો ઘણો ઊંચો રહે છે. અહીંનાં સરેરાશ તાપમાન પણ ઊંચાં રહે છે. સમુદ્રકાંઠા નજીકનું તાપમાન પણ 25° સે.થી 31° સે.ની વચ્ચે બદલાતું રહે છે. ઊંચાણવાળા પ્રદેશોમાં સરેરાશ તાપમાન 20° સે. જેટલાં નીચાં જાય છે.

અર્થતંત્ર : સાબાહનું અર્થતંત્ર મુખ્યત્વે તો ખાણપેદાશો અને સખત લાકડાંની પેદાશો પર નિર્ભર છે. ખેતી અહીં ઓછું મહત્ત્વ ધરાવે છે અને ઉત્પાદકીય માલસામાન અહીં ઓછા પ્રમાણમાં થાય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં સાબાહ મલયેશિયામાં ત્રીજા ક્રમે આવે છે. કુદરતી વાયુની મદદથી વીજઉત્પાદન લેવાય છે, જે લૅબુઅન ટાપુ પરના લોહઉદ્યોગને તથા મિથેનોલ એકમને ઇંધન પૂરું પાડે છે. તાંબાના ઉત્પાદનમાં પણ તે દેશમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે. રાજ્યની નિકાસનો આશરે 40 % જેટલો હિસ્સો તાંબાની ખાણોમાંથી મળી રહે છે. લાકડાંના ઉદ્યોગમાંથી મળતો નિકાસી ફાળો 25થી 30 % જેટલો છે. સાબાહની મુખ્ય કૃષિપેદાશોમાં કોકો, પામતેલ, રબર, કોપરાં અને શણનો સમાવેશ થાય છે. પામતેલ અને કોકોમાંથી મળતો નિકાસી ફાળો 12 % જેટલો છે. માછલાં પણ અહીંની અગત્યની પેદાશ ગણાય છે. ઔદ્યોગિક વસાહતોમાં તૈયાર થતી ઉત્પાદકીય ચીજોમાં લોખંડની ઢાળેલી પાટો, મિથેનોલ, લાટીઓમાં આકાર આપેલાં લાકડાંનો સમાવેશ થાય છે. ઉપભોગની ચીજવસ્તુઓ ક્ધિોબાલુ, સેંદાકાન અને તાવાઉમાં તૈયાર થાય છે.

પ્રવાસન : સાબાહમાં ગોમૅન્તાંગની ગુફાઓ અને માઉન્ટ ક્ધિોબાલુ એ બે સ્થળો ખૂબ જાણીતાં અને જોવાલાયક છે. ગુફાઓ સેંદાકાનની દક્ષિણે આવેલી છે, જ્યાં પક્ષીઓના માળાઓનું દ્રવ્ય ચીની લોકો માટે ખાદ્યપદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય છે. વર્ષમાં બે વાર તે મેળવાય છે. ક્ધિોબાલુ રાષ્ટ્રીય ઉદ્યાન લોકપ્રિય પ્રવાસી-વિહારધામ તરીકે જાણીતો છે. કેડાઝાન જાતિસમૂહ આ પર્વતને પવિત્ર માને છે, મૃતાત્માઓના સ્થાનક તરીકે તેને બિરદાવે છે. આ ઉદ્યાનમાં ઑર્ચિડની 800 જાતિઓ અને પક્ષીઓની 300 જાતિઓ જળવાયેલી છે. દુનિયામાં મોટામાં મોટા કદનું ‘રૅફલસિયા’ નામનું ફૂલ અહીં થાય છે.

વસ્તી : 2000 મુજબ આ રાજ્યની કુલ વસ્તી 28,94,900 જેટલી છે. રાજ્યમાં 30 જેટલા જુદા જુદા જાતિસમૂહો વસે છે, તે પૈકી મોટામાં મોટો જાતિસમૂહ કડાઝાન (Kadazans) 30 % જેટલી વસ્તી ધરાવે છે. બજાઉ અને મુરુત જાતિસમૂહો પણ મુખ્ય છે. નાના નાના જાતિસમૂહોમાં બિસાયાહ, ઓરાંગ, સુંગેઈ, કેદાયન, ઈદાહન, રંગુસ, તિદાંગ, સુલુક અને બ્રુનેઈનો સમાવેશ થાય છે. ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાંથી આવેલા આશરે 2.5 લાખ જેટલા કાયમી પરદેશી નિવાસીઓ પણ છે.

મલય અને ઇંગ્લિશ અહીંની સત્તાવાર ભાષાઓ છે. અહીંના મોટાભાગના લોકો સુન્ની મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. કડાઝાન જાતિસમૂહના લોકો ખ્રિસ્તીઓ છે. અહીં વધતા જતા મુસ્લિમ વર્ચસથી રાજ્યમાં કાયમી અશાંતિનું વાતાવરણ રહે છે. અહીંનો દરેક જાતિસમૂહ જુદા જુદા જિલ્લાઓમાં રહે છે. તેમને પ્રત્યેકને પોતાનો ધર્મ, પોતાની ભાષા અને પોતાનો પહેરવેશ છે. પશ્ચિમ કિનારા પરના સ્થાનિક લોકો તેમની ખેતપેદાશો, હસ્તકારીગરીની ચીજો, પરંપરાગત પોશાકો, સૌંદર્ય-પ્રસાધનો – અલંકારો અને ખાદ્યચીજો બજારમાં વેચે છે. પાટનગર કિનેબાલુ ઉપરાંત સેંદાકાન, તાવાઉ અને લહતદાતુ અહીંનાં મુખ્ય શહેરો છે.

વહીવટી વ્યવસ્થા : અહીં ગવર્નર રાજ્યના બંધારણીય વડા ગણાય છે. વહીવટી સરળતા માટે રાજ્યને પાંચ વિભાગોમાં તથા 29 જેટલા જિલ્લાઓમાં વહેંચેલું છે. રાજ્યનો વહીવટ મુખ્યમંત્રી, પ્રધાનમંડળ અને વિધાનસભાને હસ્તક રહે છે.

કિનેબાલુ રાષ્ટ્રીય ઉદ્યાન, સાબાહ

ઇતિહાસ : 1704માં સાબાહના પૂર્વ કિનારાનો ભાગ બ્રુનેઈએ સુલુના સુલતાનને વંશવારસે ગાદીનો અધિકાર ચાલુ રહે તે માટે આપી દીધેલો. ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં પશ્ચિમના દેશોના ઘણા સાહસિક સફરીઓ સાબાહની સફર કરતા રહેલા. જૉસેફ વિલિયમ ટોરી નામના એક અમેરિકી વેપારીએ બ્રુનેઈ પાસેથી આ પ્રદેશના મોટાભાગનો પરવાનો મેળવી લીધેલો. પછીથી આ પરવાનો ગુસ્તાવસ દ ઓવરબેક નામના ઑસ્ટ્રિયન બેરૉનને હસ્તાંતરણ કરી આપેલો, જે બીજી વાર આલ્ફ્રેડ ડેન્ટ નામના અંગ્રેજ ધંધાદારીને હસ્તક ગયેલો. ડેન્ટે બ્રુનેઈ અને સુલુના સુલતાનો સાથે સંધિના હસ્તાક્ષર કર્યા અને સમગ્ર સાહાબ પ્રદેશનો કબજો મેળવી લીધો. 1881માં ઉત્તર બૉર્નિયાના આ પ્રદેશનો વહીવટ કરવા એક બ્રિટિશ ચાર્ટર્ડ કંપનીને તેની સોંપણી કરી. 1941માં આ પ્રદેશ જાપાનીઓના કાબૂમાં ગયો. 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી આ પ્રદેશ બ્રિટનને હસ્તક ગયો. 1963માં તે મલયેશિયાના એક ભાગ તરીકે સ્વતંત્ર થયો.

ગિરીશભાઈ પંડ્યા