સાબાટિની ગૅબ્રિયેલા

January, 2008

સાબાટિની, ગૅબ્રિયેલા (જ. 16 મે 1970, બ્યૂનોસ આઇરસ, આર્જેન્ટિના) : લૉન ટેનિસમાં મહિલાઓના વર્ગમાં ગ્રાન્ડ સ્લૅમ એકલ ખિતાબ હાંસલ કરનાર આર્જેન્ટિનાની વર્ષ 2006 સુધીની એકમાત્ર મહિલા ખેલાડી તથા 1966 પછીના ચાર દાયકામાં દક્ષિણ અમેરિકામાંથી પણ આ સિદ્ધિ હાંસલ કરનાર એકમાત્ર મહિલા ટેનિસ- ખેલાડી. માત્ર છ વર્ષની ઉંમરે તેણે ટેનિસ રમવાની શરૂઆત કરી અને માત્ર આઠ વર્ષની ઉંમરે તેણે તેની ટેનિસ-કારકિર્દીની પ્રથમ સ્પર્ધામાં વિજય હાંસલ કરેલો. માત્ર તેર વર્ષની ઉંમરે 1983માં મિયામી (ફ્લોરિડા) ખાતેની ઑરેન્જ બૉલ ટેનિસ-સ્પર્ધા જીતીને તેણે સૌથી નાની ઉંમરે આ સ્પર્ધા જીતવાનો વિક્રમ નોંધાવ્યો હતો.

ગૅબ્રિયેલા સાબાટિની

ઑરેન્જ બૉલ ટેનિસ-સ્પર્ધા વિશ્વસ્તરની બિનઅધિકૃત (unofficial) જુનિયર ચૅમ્પિયનશિપ સ્પર્ધા ગણવામાં આવે છે. ફ્રેન્ચ ઓપન ગર્લ્સ સિંગલ્સ ખિતાબ સહિત તેમણે વર્ષ 1984 સુધીમાં વિશ્વસ્તરના 6 મુખ્ય જુનિયર ખિતાબ (titles) જીત્યા હતા, જેને કારણે 1984માં તે વિશ્વસ્તરની જુનિયર વર્ગની સર્વોચ્ચ ક્રમની ખેલાડી બની હતી. વર્ષ 1985માં માત્ર પંદર વર્ષની નાનામાં નાની ઉંમરે તે ફ્રેન્ચ ઓપનની મહિલા-વર્ગની ઉપાન્ત્ય સ્પર્ધા (semi-final) સુધી પહોંચી હતી. તે જ વર્ષના અંતમાં તેણે ટોકિયો ખાતે રમાયેલી પ્રથમ કક્ષાની એક એકલ સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. વર્ષ 1988માં તે યુ.એસ. ઓપનની અંતિમ સ્પર્ધા (final) સુધી પહોંચી હતી; પરંતુ અંતિમ ઝુંબેશમાં તે જર્મનીની સ્ટેફી ગ્રાફ સામે ટકી શકી ન હતી. તે જ વર્ષે દક્ષિણ કોરિયાના પાટનગર સોલ ખાતે આયોજિત ઑલિમ્પિક રમતોત્સવ માટે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા સારુ તેની પસંદગી થઈ હતી અને ઉદ્ઘાટન-સમારંભમાં આર્જેન્ટિનાના ખેલાડીઓના કૂચનું નેતૃત્વ કરવાનું બહુમાન તેને મળ્યું હતું. તેણે ઑલિમ્પિક રમતોત્સવમાં ટેનિસની મહિલાવર્ગની એકલ સ્પર્ધામાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. ઇંગ્લૅન્ડમાં દર વર્ષે રમાતી બહુપ્રતિષ્ઠિત વિમ્બલડન ટેનિસ-સ્પર્ધાની 1988ની મહિલા-વર્ગની ડબલ્સ રમતમાં સ્ટેફી ગ્રાફ સાથે તેણે અંતિમ રાઉન્ડમાં વિજય મેળવ્યો હતો. સાથોસાથ વર્ષ 1988માં જ તેણે ડબ્લ્યૂ. ટી. એ. (WTA) ચૅમ્પિયનશિપ હાંસલ કરી હતી. વર્ષ 1990માં યુ.એસ. ઓપનની અંતિમ સ્પર્ધામાં સ્ટેફી ગ્રાફને હરાવી તેણે વિજય હાંસલ કર્યો હતો. આ તેની કારકિર્દીનો એકમાત્ર ગ્રાન્ડ સ્લૅમ વિજય હતો. તે જ વર્ષે ટૂર ચૅમ્પિયનશિપની સ્પર્ધાની ઉપાન્ત્ય સ્પર્ધામાં તેણે ફરી સ્ટેફી ગ્રાફને પરાજય આપ્યો હતો, પરંતુ અંતિમ સ્પર્ધા(final)માં તે મૉનિકા સેલેસ સામે પરાજિત થઈ હતી. વર્ષ 1991ના પ્રથમ છ માસમાં તેણે પ્રથમ કક્ષાની પાંચ જુદી જુદી સ્પર્ધાઓમાં વિજય હાંસલ કર્યા હતા, જ્યારે તે વર્ષની મહિલા-વર્ગની વિમ્બલ્ડન એકલ સ્પર્ધામાં તે અંતિમ સ્પર્ધા (final) સુધી પહોંચી ખરી, પરંતુ સ્ટેફી ગ્રાફ સામે તે જીતી શકી ન હતી. તે વર્ષના મહિલા-વર્ગના ખેલાડીઓની વૈશ્ર્વિક રૅન્કિંગમાં તેણે ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો, જે તેની અંગત કારકિર્દીનો સર્વોચ્ચ ક્રમ હતો. (સ્ટેફી ગ્રાફનો પહેલો ક્રમ અને મૉનિકા સેલેસનો બીજો ક્રમ હતો, જોકે આ ત્રણેય વચ્ચે ખૂબ જ ઓછા ગુણોનો તફાવત હતો.) વર્ષ 1992માં તેણે ફરી વૈશ્ર્વિક સ્તરની પાંચ જુદી જુદી સ્પર્ધાઓમાં વિજય મેળવ્યો હતો. વર્ષ 1994માં સાબાટિની ડબ્લ્યૂ. ટી. એ. ટૂર ચૅમ્પિયનશિપ જીતી ગઈ હતી. વર્ષ 1995માં ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે રમાયેલી એક સ્પર્ધામાં લિન્ડસે ડેવનપૉર્ટ જેવી સશક્ત મહિલા ખેલાડીને પરાજય આપી તેણે અંતિમ વિજય હાંસલ કર્યો હતો, જે તેની ટેનિસ-કારકિર્દીનો અંતિમ એકલ ખિતાબ સાબિત થયો હતો. વર્ષ 1996માં તેણે ટેનિસની રમતમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે પહેલાં તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન પ્રથમ કક્ષાની 27 એકલ સ્પર્ધાઓમાં તથા 12 ડબલ્સ સ્પર્ધાઓમાં ઝળહળતો વિજય હાંસલ કર્યો હતો.

જુલાઈ, 2006માં સ્ટેફી ગ્રાફની ખાસ ઉપસ્થિતિમાં અમેરિકાના રોડ્ઝ આઇલૅન્ડ(Rhodes Island)ના ન્યૂપૉર્ટ ખાતેના ઇન્ટરનૅશનલ ટેનિસ હૉલ ઑવ્ ફેમમાં આર્જેન્ટિનાની આ બાહોશ અને કુશળ ખેલાડીના નામે એક તકતી (plaque) સમારંભપૂર્વક પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ બહુમાન મેળવનાર તે એકમાત્ર મહિલા-ખેલાડી છે.

વર્ષ 1989માં અને તે પછી અન્ય અનેક વાર તેણે તેનું બ્રાન્ડ નામ ‘ગૅબ્રિયેલા સાબાટિની પરફ્યુમ્સ’ ધરાવતાં સુગંધી અત્તરો આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ માટે મૂક્યાં છે. 1994માં ‘ધ ગ્રેટ અમેરિકન ડૉલ કમ્પની’એ  ટેનિસનો પોશાક પરિધાન કરેલી એક સાબાટિની જેવી જ અત્યંત દેખાવડી ઢીંગલી બજારમાં મૂકી હતી.

1994માં ગૅબ્રિયેલા સાબાટિનીએ ‘માય સ્ટોરી’ શીર્ષક હેઠળ પોતાની આત્મકથા લખી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે