સાન હોઝ (San Josē) : (1) કોસ્ટારિકાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 9° 56´ અને 84° 05´ પ. રે.. દેશની મધ્યમાં આવેલા ખીણ પ્રદેશમાં તે આવેલું છે. તે રાષ્ટ્રનું વાણિજ્ય-મથક છે તથા સ્થાનિક કૃષિપેદાશોનું બજાર ધરાવે છે. દેશની મુખ્ય પેદાશોમાં પીણાં, રસાયણો, પ્રક્રમિત ખાદ્યપેદાશો તેમજ કાપડનો સમાવેશ થાય છે.

તે પૂર્વ તરફ કૅરિબિયન સમુદ્ર અને પશ્ચિમ તરફ પૅસિફિક મહાસાગર પરનાં બંēદરો સાથે રેલમાર્ગ દ્વારા જોડાયેલું છે. અલ કોકો (El Coco) આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આ શહેરને તેની સેવાઓનો લાભ આપે છે.

સ્પૅનિશ વસાહતીઓએ 1751માં આ સ્થળની સ્થાપના કરેલી. 1960ના દાયકાનાં છેલ્લાં વર્ષોમાં તથા 1970ના દાયકાની શરૂઆતમાં અહીંની સરકારે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને ઓછી કિંમતનાં મકાનોમાં વસાવ્યા છે. વસ્તી : 3,46,600 (2000).

સાન હોઝ (San Josē) : (2) યુનાઇટેડ સ્ટેટ્સના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું મુખ્ય ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 37° 20´ ઉ. અ. અને 121° 53´ પ. રે.. આ શહેર સાન ફ્રાન્સિસ્કોથી દક્ષિણ તરફ આશરે 80 કિમી.ને અંતરે સાન્ટા ક્લૅરા ખીણમાં આવેલું છે. તે દેશનું અવકાશી યાનોનું નિર્માણ કરતું મથક પણ છે.

અહીંના વીજાણુ-ઉદ્યોગની પેદાશોમાં કમ્પ્યૂટરો અને સંબંધિત સાધનોપુુરજાઓનો સમાવેશ થાય છે. આ શહેરથી વાયવ્ય તરફ પાલો આલ્તો સુધીનો વિસ્તાર સિલિકોન વેલી નામથી ઓળખાય છે, કારણ કે કમ્પ્યૂટરો અને કમ્પ્યૂટર સંબંધિત ઉદ્યોગો ત્યાં સ્થપાયેલા છે. તેમાં સિલિકોનની પતરીઓનો ઉપયોગ થાય છે. વસ્તી 8,67,675 (1999).

ગિરીશભાઈ પંડ્યા