સાના : યેમેનનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 23´ ઉ. અ. અને 44° 12´ પૂ. રે.. તે દેશના પશ્ચિમ ભાગમાં પહાડી વિસ્તારના ફળદ્રૂપ ભૂમિભાગમાં આવેલું છે. આ શહેર યેમેનનું આર્થિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક મથક છે.

અહીંની આબોહવા રણ-પ્રકારની છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 13.9° સે. અને 21.7° સે. જેટલાં રહે છે. ઊંચાણ-નીચાણ મુજબ તાપમાનની વધઘટ રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 508 મિમી. પડે છે.

સાના અંગ્રેજી 8ના અંકના આકારમાં ગોઠવાયેલું અને ઊંચા કોટથી ઘેરાયેલું છે. શહેરની મધ્યમાં સાત મજલાનો રિપબ્લિકન પૅલેસ તથા સરકારી કાર્યાલયોની ઇમારતો આવેલી છે. શહેરમાં આશરે પચાસ જેટલી મસ્જિદો છે.

સાના શહેરની શેરી

અહીંનાં મોટાભાગનાં મકાનો પાંચથી નવ માળનાં છે, તેમને બધાંને સફેદ પ્લાસ્ટરનું સુશોભન એવી રીતે કરેલું છે કે લાલ-કથ્થાઈ રંગની ઈંટની દીવાલો પર જાણે કે દોરીઓ બાંધી હોય ! શહેરના ઘણાખરા નિવાસીઓ હુન્નરકલાના કારીગરો છે, બીજા કેટલાક સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ છે, તો કેટલાક શ્રમિકો પણ છે. સાના પ્રાચીન શહેર છે. તેની વસ્તી 1999 મુજબ 12,31,000 છે.

ગિરીશભાઈ પંડ્યા