સાન સાલ્વાડોર ટાપુ (1) : વેસ્ટ ઇંડિઝના બહામામાં આવેલો ટાપુ. તે ‘વૉટલિંગ’ નામથી પણ જાણીતો છે. ભૌગોલિક સ્થાન : 24° 02´ ઉ. અ. અને 74° 28´ પ. રે.. વિસ્તાર : 163 ચો.કિમી. નવી દુનિયાની સફરે ઊપડેલા કોલંબસે સર્વપ્રથમ ઉતરાણ અહીં કરેલું (12 ઑક્ટોબર, 1492). આ ટાપુની લંબાઈ આશરે 21 કિમી. અને પહોળાઈ 8 કિમી. જેટલી છે. પ્રખ્યાત ચાંચિયા(વૉટલિંગ)ની યાદમાં તે વૉટલિંગ ટાપુ તરીકે પણ ઓળખાતો રહ્યો છે. આ ટાપુ નજીક ચાંચિયાની એકાંત ખાડી આવેલી છે. વસ્તી 465 (1990).

ગાલાપાગોસ ટાપુજૂથના સાન સાલ્વાડોર ટાપુ નજીકની ચાંચિયાની ખાડી

સાન સાલ્વાડોર ટાપુ (2) : પૂર્વ પૅસિફિક મહાસાગરમાં આવેલા ગાલાપાગોસ ટાપુજૂથ પૈકીનો એક ટાપુ. તે જેમ્સ ટાપુ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 0° 14´ દ. અ. અને 90° 45´ પ. રે.. તે ઇક્વેડોરની પશ્ચિમે આશરે 965 કિમી. અંતરે આવેલો છે. અહીં બે જ્વાળામુખીઓ આવેલા છે, તે પૈકીનો મોટો જ્વાળામુખી 520 મીટર ઊંચો છે અને ટાપુના કુલ વિસ્તાર 526 ચોકિમી. પૈકીનો મોટો ભાગ આવરી લે છે. ઇંગ્લૅન્ડમાં આવેલા યૉર્કના ડ્યૂક જેમ્સ બીજાની યાદમાં તેનું મૂળ નામ ‘જેમ્સ ટાપુ’ હતું, જે ‘યૉર્ક’ અને ‘સાન્ટિયાગો’ તરીકે પણ ઓળખાતું રહેલું. તે પછીથી તેનું અધિકૃત ઇક્વેડોરીય નામ ‘સાન સાલ્વાડોર ટાપુ’ પાડવામાં આવેલું છે. આ ટાપુ ચાંચિયાઓના ખાદ્યભંડાર તરીકે ઉપયોગમાં લેવાતો હતો. 19મી સદી દરમિયાન ચાર્લ્સ ડાર્વિને તેમજ હરમાન મેલવિલે (અમેરિકી નવલકથાકાર) તેની મુલાકાત લીધેલી. સુરખાબ(ફ્લેમિંગો)ની વસાહત માટે આ ટાપુ જાણીતો છે. આ ટાપુ પર હંગામી ધોરણે વસ્તી રહ્યાં કરી છે.

ગિરીશભાઈ પંડ્યા