સાન સાલ્વાડોર : મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 13° 45´ ઉ. અ. અને 89° 15´ પ. રે.. અલ સાલ્વાડોરનું તે મોટામાં મોટું શહેર વેપાર-વાણિજ્યનું મથક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે પૅસિફિક મહાસાગરના કાંઠાથી માત્ર 40 કિમી.ને અંતરે આવેલું છે.

રાષ્ટ્રીય નાટ્યશાળા, સાન સાલ્વાડોર

અહીંથી ઉત્પન્ન થતી મુખ્ય પેદાશોમાં રસાયણો, રાચરચીલું, ખાદ્યપેદાશો અને કાપડનો સમાવેશ થાય છે. અહીંના ધોરી માર્ગો તેને અલ સાલ્વાડોરનાં સ્થળો સાથે જોડે છે. પાન અમેરિકન ધોરી માર્ગ સાન સાલ્વાડોરને મધ્ય અમેરિકા, મેક્સિકો અને યુ.એસ.નાં શહેરો સાથે જોડે છે. અલ સાલ્વાડોરના પાટનગર સાન સાલ્વાડોરમાં રાષ્ટ્રીય નાટ્યશાળાની ઇમારત આકર્ષક છે. સાન સાલ્વાડોર ખાતે હવાઈ મથક પણ છે.

આજે જે સાન સાલ્વાડોર તરીકે ઓળખાય છે તે 1525માં ત્યાંથી 40 કિમી. ઉત્તર તરફના સ્થળે સ્થપાયેલું. 1854માં સાન સાલ્વાડોર ભૂકંપથી ધરાશાયી થઈ ગયેલું, પરંતુ તેનું પુનર્નિર્માણ કરવામાં આવેલું; 1986માં આવેલા ભૂકંપથી 1,000 લોકોનાં મોત થયેલાં અને માલમિલકતને ઘણું નુકસાન થયેલું. છેલ્લે 2000ના ભૂકંપે પણ સાન સાલ્વાડોરને નુકસાન પહોંચાડેલું. 1980ના દાયકામાં અલ સાલ્વાડોરના બળવાખોરો અને સરકારી દળો વચ્ચે હિંસાત્મક સંઘર્ષ થયેલો; તેથી દેશભરમાંથી હજારો ગ્રામીણો અહીં આવ્યા અને સાન સાલ્વાડોરમાં બહારના ભાગોમાં ઝૂંપડપટ્ટીઓમાં આવીને વસ્યા છે. સાન સાલ્વાડોરની વસ્તી 4,22,600 (1992) છે.

ગિરીશભાઈ પંડ્યા