સાન ફ્રાન્સિસ્કો : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યનું ખૂબ જ રમણીય શહેર તથા સંસ્કૃતિ, નાણા અને ઉદ્યોગોનું પ્રધાન મથક. ભૌગોલિક સ્થાન : તે 37° 46´ ઉ. અ. અને 122° 25´ પ. રે.ની આજુબાજુનો 215 ચો.કિમી. જળજથ્થા સહિતનો 334 ચો.કિમી. જેટલો શહેર વિસ્તાર 3287 ચો.કિમી. જેટલો મહાનગરીય વિસ્તાર અને 20,616 ચો.કિમી. જેટલો બૃહદ મહાનગરીય વિસ્તાર આવરી લે છે. ઝૂલતા રજ્જુ-માર્ગો, અજાયબ ચાઇનાટાઉન અને અસંખ્ય ટેકરીઓ આ શહેરને વધુ મોહક બનાવે છે. શહેરમાં પથરાયેલાં દૃશ્યોનું સૌંદર્ય તેમજ અનુકૂળ આબોહવાએ તેને ‘અમેરિકાના મનપસંદ શહેર’ તરીકે પ્રતિષ્ઠા અપાવી છે. આ શહેરથી આકર્ષાઈને દર વર્ષે અહીં 20 લાખથી પણ વધુ પ્રવાસીઓ આવે છે.
સાન ફ્રાન્સિસ્કો યુ.એસ.ના પૅસિફિક કાંઠા પર આવેલું લૉસ ઍન્જેલ્સ અને સાન ડિયેગો પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર છે. સાન ફ્રાન્સિસ્કો યુ.એસ.ના ભૂમિભાગ પરનું ‘એશિયન શહેર’ કહેવાય છે, કારણ કે તેમાં એશિયનોની વસ્તી વધુ છે. આ શહેરમાં આશરે 1,40,000 જેટલા ચીની, જાપાની, ફિલિપીન, કોરિયન અને વિયેતનામી વંશોમાંથી ઊતરી આવેલી પ્રજા વસે છે.
સાન ફ્રાન્સિસ્કો
લગભગ આખુંય સાન ફ્રાન્સિસ્કો શહેર 40થી વધુ ટેકરીઓ પર કે ટેકરીઓની આજુબાજુ પથરાયેલું છે. શહેરનો મધ્ય વિસ્તાર નૉબ ટેકરી તેમજ રશિયન ટેકરી પર આવેલો છે. સંભવત: દુનિયાના વધુમાં વધુ ઢાળ ધરાવતા માર્ગો અહીં આવેલા છે. આ ટેકરીઓની ઊંચાઈ 115 મીટર જેટલી છે. તેના ઢાળવાળા રજ્જુમાર્ગો પર ચડતી કે ઊતરતી ગાડીઓ કે અન્ય વાહનોને બંને બાજુના અંતિમ છેડાઓ પર અટકી જવું પડે છે.
સાન ફ્રાન્સિસ્કો શહેર લગભગ બધી જ બાજુએ ઝળહળતા નીલરંગી જળરાશિથી ઘેરાયેલું છે. એ કારણે આ શહેર અદભુત અને ભવ્ય ભાસે છે. પૅસિફિક મહાસાગર તેની પશ્ચિમે તથા સાન ફ્રાન્સિસ્કો ઉપસાગર તેની પૂર્વ તરફ આવેલો છે. ઉત્તર તરફ આવેલી ગોલ્ડન ગેટ નામની 1.5 કિમી. પહોળાઈની સામુદ્રધુની આ બંને જળરાશિઓને સાંકળે છે, તેથી આ શહેર ક્યારેક ગોલ્ડન ગેટને પડખે આવેલા શહેર અથવા ઉપસાગર પરના શહેર તરીકે પણ ઓળખાય છે.
સાન ફ્રાન્સિસ્કો શહેરને પોતાનો સમૃદ્ધ ઇતિહાસ છે. સ્પૅનિશ વસાહતીઓએ 1776માં તેની સ્થાપના કરેલી. 1848માં આ સ્થળની પૂર્વમાં સુવર્ણ-નિક્ષેપો શોધી કાઢવામાં આવ્યા, પરિણામે 1849માં ત્યાં સુવર્ણ-ધસારો (Gold rush) થયેલો. આ જ કારણે તે એક વ્યસ્ત ખાણપેદાશી મથક તરીકે ઝડપથી ઊભરી આવ્યું. 19મી સદીના ઉત્તરાર્ધ કાળમાં તે પશ્ચિમ યુ.એસ.નું નાણાકીય તેમજ ઔદ્યોગિક પાટનગર ગણાતું રહ્યું. 1906માં અહીં ઉદભવેલા ભયંકર ભૂકંપ તેમજ તેમાંથી ભભૂકેલી આગથી મોટાભાગનું શહેર ખેદાનમેદાન થઈ ગયેલું; પરંતુ અહીંના નિવાસીઓએ શહેરનું પુનર્નિર્માણ કર્યું. 1945માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યુનાઇટેડ નૅશન્સ (UN) સંસ્થાએ આકાર લીધો.
ભૂમિમાળખું આબોહવા : યુ.એસ.ના મુખ્ય ભૂમિભાગથી સાન ફ્રાન્સિસ્કોના અખાત દ્વારા અલગ પડી જતા દ્વીપકલ્પના ઉત્તર છેડે સાન ફ્રાન્સિસ્કો શહેર વસેલું છે. મુખ્ય શહેર વિભાગ 334 ચો.કિમી.(215 ચો.કિમી. જળભાગ સહિત)નો વિસ્તાર આવરી લે છે, તેમાં સાન ફ્રાન્સિસ્કોનો આખોય પરગણા-વિભાગ આવી જાય છે. સાન ફ્રાન્સિસ્કો નામ હેઠળ પૅસિફિક મહાસાગર તેમજ અખાતમાં આવેલા ટાપુઓનો પણ સમાવેશ થઈ જાય છે. ખૂબ જ જાણીતો બનેલો અલકૅત્રાઝનો ટાપુ અખાતમાં આવેલો છે. આ ટાપુ 1934થી 1963ના ગાળા દરમિયાન ભયાનક ગુનેગારો માટેની પ્રખ્યાત સમવાયી જેલનું સ્થળ બની રહેલો. આજે આ જેલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેલી છે.
નૉબ હિલ સિવિક સેન્ટરથી ઈશાનમાં આવેલી છે, તેની પૂર્વમાં ચાઇનાટાઉનનો ધંધાકીય વિભાગ છે, આ ચાઇનાટાઉનના ગીચ વિસ્તારમાં ચીની વંશના આશરે 30,000 લોકો વસે છે. એશિયા બહાર વસતા ચીની સમાજ પૈકી સંભવત: આ મોટામાં મોટો વિસ્તાર ગણાય છે. અહીંની રંગબેરંગી દુકાનો, રેસ્તૂરા તેમજ ચીની શૈલીની અન્ય ઇમારતોએ ચાઇનાટાઉનના ગ્રાન્ટ માર્ગની સિકલ બદલી નાખી છે.
મધ્ય સાન ફ્રાન્સિસ્કોના ઉત્તર ભાગમાં રશિયન હિલ આવેલી છે. તેમાં લોમ્બાર્ડ શેરીના એક ભાગરૂપ દુનિયાભરમાં વધુમાં વધુ વાંકી-ચૂકી શેરી પણ છે. તેના એક વિભાગમાં આઠ જેટલા ઉગ્ર વળાંકો છે.
એમ્બારકૅડેરોના ઉત્તર છેડે માછીમારોનો વિભાગ છે, તે એક સમયે રંગબેરંગી મત્સ્યનૌકાઓનું વિશાળ સ્થળ હતું. આ વિભાગમાં મુખ્યત્વે તો ઘણાં દરિયાઈ ખોરાકનાં રેસ્તૂરા જોવા મળે છે.
અખાતની ધાર પર સાન ફ્રાન્સિસ્કોનું બંદર પથરાયેલું છે. તે દુનિયાનાં મોટાં ગણાતાં કુદરતી બારાં પૈકીનું એક છે. ઉપસાગરનો વિસ્તાર આશરે 1,170 ચો.કિમી. જેટલો છે. કાંઠાની ધારને સમાંતર પહોળો એમ્બારકૅડેરો માર્ગ ચાલ્યો જાય છે.
અખાત વિસ્તારના અન્ય ભાગોને સાન ફ્રાન્સિસ્કો સાથે સાંકળતા બે ભવ્ય પુલો આવેલા છે. 13 કિમી. લંબાઈનો સાન ફ્રાન્સિસ્કો-ઑકલૅન્ડ-બે પુલ અખાત પરથી પસાર થાય છે. બીજો ગોલ્ડન ગેટ પુલ શહેર અને તેનાં ઉત્તર તરફનાં પરાંને જોડે છે. તેનો મુખ્ય ભાગ 1,280 મીટર લંબાઈનો છે. તે દુનિયાના લાંબામાં લાંબા ગાળા ધરાવે છે.
સાન ફ્રાન્સિસ્કોની આબોહવા આદર્શ આબોહવાના નમૂનારૂપ ગણાય છે અર્થાત્ તે ભૂમધ્ય પ્રકારની આબોહવા ધરાવે છે. અહીંનાં મહત્તમ કે લઘુતમ તાપમાન ભાગ્યે જ 27° સે.થી ઉપર કે 1° સે.થી નીચે જાય છે. જોકે શહેરના પશ્ચિમ ભાગમાં ઘણી વાર ધુમ્મસ છવાય છે ખરું. મહાસાગરનાં ઠંડાં જળ ઉપર જ્યારે ગરમ હવાના પ્રવાહો વહે છે ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ક્વચિત્ ધુમાડિયું ધુમ્મસ પણ જોવા મળે છે. અહીં સરેરાશ વાર્ષિક વર્ષાપ્રમાણ (વરસાદ, દ્રવીભૂત હિમ અને ભેજના અન્ય પ્રકારો) લગભગ 560 મિમી. જેટલું છે. વરસાદ શિયાળા દરમિયાન પડે છે.
લોકો : 1999 મુજબ સાન ફ્રાન્સિસ્કોની વસ્તી આ પ્રમાણે છે : શહેર : 7,46,777; મહાનગર : 37 લાખ.
સાન ફ્રાન્સિસ્કો ઉપસાગર પર આવેલું સાન ફ્રાન્સિસ્કો શહેર
વસ્તીનો આશરે 60 % ભાગ ગોરા લોકોનો છે. એશિયાઈ અને પૅસિફિક ટાપુવાસીઓની વસ્તી આશરે 25 % જેટલી છે, જ્યારે બાકીની 15 % વસ્તી અશ્વેતોની છે.
સાન ફ્રાન્સિસ્કોની ગોરી પ્રજા અનેક જાતિ-વંશોમાંથી ઊતરી આવેલી છે, તે પૈકી મોટો ભાગ ઇંગ્લિશ, જર્મન, આયરિશ, ઇટાલિયન અને રશિયન વંશનો છે; આ ઉપરાંત તેમાં મેક્સિન-અમેરિકી લોકોનો પણ સમાવેશ થાય છે.
અશ્વેત પ્રજામાં એક જ જાતિના વંશજોનો સમૂહ છે. સાન ફ્રાન્સિસ્કોમાં આશરે 86,000 જેટલા અશ્વેતો છે. તેઓ અહીં 1939-1945ના બીજા વિશ્વયુદ્ધ વખતે આવીને વસ્યા છે. વિકસતા જતા જહાજવાડામાં નોકરીઓની ખોજમાં એ વખતે દક્ષિણમાંથી આવેલા હજારો અશ્વેતોનો સમાવેશ થાય છે.
ચીની વંશના આશરે 82,000 લોકો આ શહેરમાં વસે છે. એક જ જાતિજૂથથી બનેલી, સંખ્યામાં બીજા ક્રમે ગણાતી આ ચીની પ્રજા અહીં વસે છે. 1849ના સુવર્ણ-ધસારા વખતે ખાણોમાં કામ કરવા આ ચીની લોકો આવીને વસેલા.
કેબલ કાર
યુ.એસ.નાં બીજાં શહેરોની જેમ અહીં સાન ફ્રાન્સિસ્કોમાં ગરીબી, ગુના અને ઝૂંપડપટ્ટીની સમસ્યાઓ ઉદભવેલી છે. ગરીબ લોકોમાં એશિયાઈ, અશ્વેતો, વૃદ્ધ શ્વેત લોકો અને સ્પૅનિશભાષીઓનો સમાવેશ થાય છે. તેમાં મોટાભાગના લોકો પૂરતા પ્રમાણમાં શિક્ષિત નથી અથવા તો તેમનામાં નોકરી કરવા માટેની પૂરતી કુશળતા નથી. આ પરિસ્થિતિને કારણે શહેરમાં ગુનાઓનું પ્રમાણ ફાલ્યું છે.
કેટલાક નિવાસીઓને રહેવા માટે સારાં મકાનો મળતાં નથી; જોકે ગરીબો માટે નવા શહેરી આયોજન દ્વારા આધુનિક, ઓછી કિંમતના આવાસો અને ધાબાંની સુવિધાવાળાં મકાનો પૂરાં પાડવામાં આવી રહ્યાં છે; તેમ છતાં બાકીના ઘણા ગરીબ શહેરી નિવાસીઓ હજી નીચાં જીવનધોરણવાળાં ઘરોમાં વસે છે.
અર્થતંત્ર : સાન ફ્રાન્સિસ્કો ઘણા લાંબા સમયથી યુ.એસ.નું આગળ પડતું નાણાકીય મથક રહ્યું છે. વળી તે વાણિજ્ય, ઉદ્યોગ તેમજ પ્રવાસનનું પણ મુખ્ય કેન્દ્ર બની રહેલું છે. 19મી સદીમાં આ શહેર પૅસિફિક કાંઠા પરનું ખૂબ જ વ્યસ્ત અને ધીકતું બંદર હતું; પરંતુ વીસમી સદીની શરૂઆતમાં અહીંના ઉપસાગર કાંઠા પર બીજાં બંદરો પણ ઝડપથી વિકસ્યાં. આજે સાન ફ્રાન્સિસ્કોના બંદરેથી વાર્ષિક માત્ર 25 લાખ મેટ્રિક ટનના માલસામાનની હેરફેર થાય છે, જે નજીકનાં બીજાં બંદરો કરતાં ઘણી ઓછી ગણાય.
સાન ફ્રાન્સિસ્કોની વસ્તીના 20 % લોકો છૂટક અને જથ્થાબંધ વેપારી કામકાજમાં રોકાયેલા છે. તે પૈકી ઘણાખરા તો પ્રવાસનના વ્યવસાયની પેઢીઓ પર સેવા આપે છે. અહીં દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓની અવરજવર રહે છે.
સાન ફ્રાન્સિસ્કોમાં આશરે 1,600 જેટલા ઉત્પાદન એકમો આવેલા છે. આ પૈકી મુખ્ય ઔદ્યોગિક પ્રવૃત્તિ ખાદ્યપ્રક્રમણના એકમોની છે. અન્ય ઉદ્યોગોમાં કાપડ અને ધાતુપેદાશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ શહેર પુસ્તક તેમજ અન્ય પ્રકાશનોમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે.
સાન ફ્રાન્સિસ્કો ઔદ્યોગિક પેઢીઓ માટેનું મહત્વનું વહીવટી કેન્દ્ર પણ છે. યુ.એસ.ના 100થી વધુ મોટાં નિગમોનાં મુખ્ય કાર્યાલયો આ શહેરમાં કે તેની આજુબાજુમાં આવેલાં છે. શહેરમાં રેલ-રજ્જુમાર્ગો આવેલા છે, તેનું સંચાલન રસ્તાના નીચેના ભાગોમાંથી કરવામાં આવે છે. આ રજ્જુ-રેલમાળખું દેશના ઇતિહાસમાં આગળ પડતું સ્થાન ધરાવે છે, તેમાં રેલપાટાના ત્રણ માર્ગો ગોઠવેલા છે, જે 16 કિમી.ના અંતરને આવરી લે છે.
ઇતિહાસ : જ્યાં આજે સાન ફ્રાન્સિસ્કો આવેલું છે, ત્યાં યુરોપિયનો આવ્યા તેના ઘણા લાંબા સમય પહેલાંથી કોસ્ટાનોઅન ઇન્ડિયનો વસતા હતા. અહીંના પૅસિફિક કાંઠે ઘણી વાર અઠવાડિયાંઓ સુધી લાગલગાટ ધુમ્મસ પથરાતું હોય છે. સંભવિત છે કે આ ધુમ્મસને કારણે શરૂઆતના યુરોપિયન નૌકાસફરીઓને અહીંનો ગોલ્ડન ગેટનો માર્ગ – સાન ફ્રાન્સિસ્કોનું પ્રવેશદ્વાર – શોધવામાં અવરોધો નડ્યા હશે.
છેવટે 1769માં ભૂમિમાર્ગે ફરતા ફરતા સાન ફ્રાન્સિસ્કોના સ્થળે આવવામાં યુરોપિયનોને સફળતા મળી. 1848માં, આજના સૅક્રેમેન્ટોના સ્થળે સુવર્ણક્ષેત્ર હોવાની જાણ થઈ. 1849માં સુવર્ણ-ધસારો થયો. સેંકડો જહાજોમાં હજારો સુવર્ણખોજકારો આવ્યા, સાન ફ્રાન્સિસ્કોના બારામાં તેમજ નજીકમાં લોકોની પુષ્કળ ભીડ જામી ગઈ. દુનિયાભરમાંથી સાન ફ્રાન્સિસ્કોના આ સુવર્ણક્ષેત્રમાં, પોતપોતાનાં નસીબ અજમાવવા લોકોનો ધસારો થવા પામેલો.
કૅલિફૉર્નિયામાં થયેલી આ સુવર્ણખોજને પગલે પગલે ત્યાંના આખાય પશ્ચિમ વિભાગમાં ખાણ-કસબાઓ વિકસ્યા. સાન ફ્રાન્સિસ્કો નાણાધિરાણનું કેન્દ્ર બની રહ્યું.
1906ના એપ્રિલની 18મી તારીખે સવારે 5:13 કલાકે થયેલા પ્રચંડ ભૂકંપથી સાન ફ્રાન્સિસ્કો ખળભળી ઊઠ્યું. યુ.એસ.ના ભૂકંપ-ઇતિહાસમાં આ હોનારતે પુષ્કળ તારાજી વેરેલી. ઓછામાં ઓછા 3,000 લોકો મરણ પામેલા તથા આશરે 2,50,000 લોકોએ તેમનાં ઘર ગુમાવેલાં. શહેરની 28,000થી વધુ ઇમારતો ખંડિયેર બની ગયેલી. મિલકતોને થયેલા નુકસાનનો અંદાજ 50 કરોડ ડૉલરને વટાવી ગયેલો.
સાન ફ્રાન્સિસ્કોના નિવાસીઓએ શહેરને ફરીથી ઊભું કર્યું. 1914માં પનામા નહેર ખુલ્લી મૂકવાનો યશ સાન ફ્રાન્સિસ્કોને મળ્યો. ન્યૂયૉર્ક શહેરનાં વહાણોને દક્ષિણ અમેરિકા ફરીને જવાને બદલે પનામા નહેર મારફતે જવાનો લાભ મળવો શરૂ થયો. વીસમી સદીની શરૂઆતમાં લૉસ ઍન્જેલ્સે અને ઓકલૅન્ડે તેમનાં બંદરોની સુવિધાઓને વધારી, તેને કારણે કૅલિફૉર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોની ઉત્પાદનની, જહાજી હેરફેર તેમજ મુખ્ય વાણિજ્યમથકની પરિસ્થિતિ કથળી. તેમ છતાં આ શહેરની વસ્તી ધીમે ધીમે વધતી ગઈ. 1930 સુધીમાં વસ્તીનો આંક 6,34,394 સુધી પહોંચ્યો. 1936માં અને 1937માં અનુક્રમે સાન ફ્રાન્સિસ્કો-ઓકલૅન્ડ-બે બ્રિજ તથા ગોલ્ડન ગેટ બ્રિજ ખુલ્લા મુકાયા.
સાન ફ્રાન્સિસ્કો મહાનગર
1950ના દશકામાં શહેર-વિસ્તૃતિની વધતી જતી સમસ્યાઓથી 1960ના દસકામાં શહેરના નવીનીકરણ માટે આયોજન કરવાનું વિચારાયું. જુદા જુદા ભાગોમાં જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટીઓ હતી ત્યાં ધાબાવાળાં અદ્યતન આવાસો અને ફ્લૅટનાં બાંધકામ થયાં. કાર્યાલયો માટે ગગનચુંબી ઇમારતો તૈયાર કરાઈ. આ સાથે ગોલ્ડન ગેટવે નામનું નિવાસી અને વાણિજ્યસંકુલ પણ ઊભું કરવામાં આવ્યું. 1970ના દસકામાં પણ ઇમારતોનું બાંધકામ ચાલુ રહ્યું. 1972માં ટ્રાન્સઅમેરિકા પિરામિડ ખુલ્લો મુકાયો. એ જ વર્ષે બે ‘એરિયા રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ પણ કાર્યરત થઈ. 1974માં ટ્રાન્સ-બે ટ્યૂબ ખુલ્લી મુકાઈ. ભૂકંપ સામે ટકી શકે એવી ઇમારતો જ બાંધવી એવો શહેર બાંધકામ ધારો લાગુ પાડવામાં આવ્યો.
1980ના દાયકા સુધીમાં, શહેર-વિસ્તૃતિ માટેની ઇમારતોના બાંધકામ-પ્રકાર વિશે લોકચર્ચા ચાલી. ગગનચુંબી ઇમારતોથી શહેરનું સૌંદર્ય ઘટે છે એવા જનમત સામે નોકરીઓની જગાના સંકેન્દ્રણ માટે તેમજ શહેરી અર્થતંત્ર જાળવી રાખવા તે જરૂરી છે એવી ચર્ચાવિચારણા પણ લોકોમાં ચાલી. 1985માં ‘ધ ડાઉનટાઉન પ્લાન’ નામનો વટહુકમ પસાર થયો; તેમાં ઘણી હયાત ઇમારતોને જાળવી રાખીને નવાં બાંધકામોનું કદ મર્યાદિત રાખવું તેમજ નવાં બાંધકામોમાં ખુલ્લી જગા પણ રાખવી એમ ઠરાવાયું.
1989માં ઑક્ટોબરની 17મી તારીખે 1906ના ભૂકંપ કરતાં પ્રમાણમાં ઓછો વિનાશકારી ભૂકંપ થયો. તેમાં શહેરના જૂના વિસ્તારોને વધુ નુકસાન થયું. ભૂકંપનો સામનો કરી શકે એ રીતે બંધાયેલી નવી ઇમારતો ટકી શકી અને તેમાં ઓછું નુકસાન થયું. શહેરના માત્ર ગણ્યાગાંઠ્યા લોકો જ મૃત્યુ પામ્યા; પરંતુ ઓકલૅન્ડમાં અખાતની આરપારના વિસ્તારમાં વિશેષ તારાજી થઈ તથા ત્યાં મૃત્યુઆંક પણ વધુ રહ્યો હતો.
ગિરીશભાઈ પંડ્યા