સાન ફ્રાન્સિસ્કોનો અખાત

January, 2008

સાન ફ્રાન્સિસ્કોનો અખાત : પૅસિફિક મહાસાગર કાંઠા પર યુ.એસ.ના પશ્ચિમ કૅલિફૉર્નિયાની ભૂમિને વીંધીને પથરાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : 37° 43´ ઉ. અ. અને 122° 17´ પ. રે.. પૅસિફિક મહાસાગર સાથે ગોલ્ડન ગેટ સામુદ્રધુની દ્વારા જોડાયેલો આ અખાત વાસ્તવમાં દરિયાકાંઠાને સમાંતર એક નદીખીણનો ડૂબી ગયેલો ભાગ છે. તેની ઉપરનો ગોલ્ડન ગેટ પુલ બંને બાજુની ભૂમિને જોડે છે. આ અખાતની લંબાઈ 97 કિમી. અને સ્થાનભેદે તેની પહોળાઈ 5 કિમી.થી 19 કિમી. જેટલી છે. તેનું બારું (harbour) દુનિયાભરનાં શ્રેષ્ઠ બારાં પૈકીનું એક ગણાય છે. આ અખાતમાં ટ્રેઝર, યેર્બા બ્યુએના, ઍન્જલ અને આલ્કેત્રાજ નામના ટાપુઓ આવેલા છે. તેના ઉપર પૂર્વ-પશ્ચિમ કાંઠાઓને જોડતા ઘણા પુલો આવેલા છે. અખાતની આજુબાજુ સાન ફ્રાન્સિસ્કો, ઓકલૅન્ડ તથા પાસપાસે આવેલાં મહાનગરીય મથકોનો પટ્ટો આવેલાં છે, આ બધાં મથકો અખાતથી અન્યોન્ય સંકળાયેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા