સાન ડિયેગો : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલું મહાનગર. ભૌગોલિક સ્થાન : 32° 42´ ઉ. અ. અને 117° 09´ પ. રે.. તે યુ.એસ.માં આવેલાં નૌકામથક તેમજ અવકાશીયાન મથકો (aerospace centres) પૈકીનું મહત્વનું સ્થળ છે. આ મહાનગર યુ.એસ. અને મેક્સિકો વચ્ચેની સીમા પર, દેશના નૈર્ઋત્ય ખૂણે આવેલું છે.
સાન ડિયેગો
દુનિયાભરમાં આવેલાં ઊંડા જળનાં શ્રેષ્ઠ કક્ષાનાં કુદરતી બારાં પૈકી સાન ડિયેગોના બારાનો ક્રમ પણ આવે છે. સાન ડિયેગો અખાત પર આવેલું આ બારું મહાસાગરમાં જતાં-આવતાં જહાજો, યુનાઇટેડ સ્ટેટ્સનાં નૌકાસૈન્યનાં જહાજો તેમજ મોટા કદની (ટ્યુના) માછલીઓ ભરેલાં વહાણો માટે ઉપયોગમાં લેવાય છે. સાન ડિયેગો વિસ્તારમાં અવકાશી યાનોનું નિર્માણ થતું હોવાથી આ શહેર મહત્ત્વના ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ખ્યાતિ પામ્યું છે.
સાન ડિયેગો આજે યુનાઇટેડ સ્ટેટ્સમાં અતિ ઝડપથી વિકસતું જતું મોટું શહેર છે. પૅસિફિક કાંઠા પરનાં યુ.એસ.નાં બધાં શહેરો પૈકી માત્ર લૉસ ઍન્જૅલ્સને બાદ કરતાં તે બીજા ક્રમે આવતું મોટું શહેર છે. વળી તે આ વિસ્તારનું મહત્ત્વનું પ્રવાસી મથક પણ બની રહેલું છે. અહીંનું પ્રાણી-સંગ્રહાલય જોવા દર વર્ષે આશરે 30 લાખ પ્રવાસીઓની અવરજવર રહે છે.
સાન ડિયેગોને ક્યારેક કૅલિફૉર્નિયાના જન્મદાતા તરીકે પણ ઓળખાવાય છે. 1769માં સ્પેનના સૈનિકોએ અહીં આવીને સર્વપ્રથમ લશ્કરી કિલ્લો બાંધ્યો ત્યારથી આ સ્થળ વસેલું છે. અહીંના ઉત્તમ કક્ષાના બારાને નિહાળીને જ સ્પેનવાસીઓએ આ સ્થળ પસંદ કરેલું. તે જ વર્ષે ફ્રાન્સિસ્કિયન પાદરી જુનિપેરો સેરાએ આ કિલ્લામાં કૅલિફૉર્નિયાનું સર્વપ્રથમ ધર્મપ્રસારમથક (mission) સ્થાપેલું. અહીંના સ્થળે વસેલી વસાહતને સ્પેનના સંત સાન ડિયેગો દ અલ્કલની યાદમાં સાન ડિયેગો નામ અપાયેલું છે.
આ શહેર 1,020 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, તેમાં 181 ચોકિમી. જેટલાં આંતરિક જળાશયો વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે. તે સાન ડિયેગો પરગણાનું વડું વહીવટી મથક પણ છે.
શહેરની નરમ આબોહવાને કારણે તે રજાઓ ગાળવા આવનારા સહેલાણીઓનું પ્રિય મથક બની રહેલું છે. અહીંનાં ઉનાળા-શિયાળાનાં તાપમાન અનુક્રમે 21° સે.થી 22° સે. અને 13° સે.થી 14° સે. જેટલાં રહે છે. અહીંનાં મોટાભાગનાં સુખસગવડો ધરાવતાં આવાસી વિસ્તારો તથા વિહારધામો પૅસિફિક મહાસાગર કાંઠાની નજીક આવેલાં છે, તેમાં લા જોલ્લા, મિશન બીચ, ઓશન બીચ અને પૅસિફિક બીચનો સમાવેશ થાય છે.
સાન ડિયેગો અખાતનું બારું
વસ્તી : 2000ની વસ્તીગણતરી મુજબ શહેરની વસ્તી 12,77,200 જેટલી છે. અહીંના આશરે 90 % લોકો યુ.એસ.માં જ જન્મેલા નાગરિકો છે. હિસ્પાનિકસ તરીકે ઓળખાતા મૅક્સિન અમેરિકનો શહેરી વસ્તી પૈકી માત્ર 15 % જેટલા જ છે. અશ્વેતોની સંખ્યા આશરે 6 % જેટલી છે. સાન ડિયેગોની કુલ વસ્તીમાં બ્રિટિશ, કૅનેડિયન, ચીની, જર્મન, ઇટાલિયન, જાપાની અને પોર્ટુગીઝ વંશજો પણ છે. હિસ્પાનિક લોકો શહેરના દક્ષિણ વિભાગમાં, અશ્વેતો પૂર્વ અને અગ્નિવિભાગમાં તથા મોટાભાગના પોર્ટુગીઝ લોકો પૉઇન્ટ લોમા વિસ્તારમાં રહે છે. ઓછી આવકવાળા લોકો માટે ઓછી કિંમતવાળાં મકાનોની તંગી વરતાય છે. ઘણા અશ્વેતો, મેક્સિકન અમેરિકનો અને લશ્કરી સેવા કરતા લોકો ગીચ વિસ્તારમાં રહે છે.
સાન ડિયેગોનું અર્થતંત્ર લશ્કરી સેવાકાર્યો પર નભે છે. સાન ડિયેગો પરગણામાં સરકારી એજન્સીઓ 25 % જેટલા કામદારોને નોકરી આપે છે. તે પૈકીના ઘણાખરા નૌકાસૈન્ય-મથક ખાતે કામ કરે છે. શહેરમાં 2,000થી વધુ ઉત્પાદક એકમો કાર્યરત છે. તેમાં પરગણાના 15 % લોકો રોકાયેલા છે. અહીંનો સૌથી મહત્વનો ઉદ્યોગ અવકાશી યાનો (space ship), લશ્કરી વિમાનો અને વ્યાપારી વિમાનો બનાવવાનો છે. ઉત્પાદન-ક્ષેત્રે કામ કરતા કુલ કારીગરો પૈકી 25 % લોકો આ ક્ષેત્રમાં રોકાયેલા છે. મહત્ત્વના ગણી શકાય એવા અન્ય ઉદ્યોગોમાં વીજાણુ-સાધનો, સમુદ્રસંશોધન-ક્ષેત્રનાં સાધનો તથા પ્રક્રમિત મીઠું બનાવવાના અને જહાજ-બાંધકામના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
દર વર્ષે 2.9 કરોડ લોકો અહીં પ્રવાસે આવતા રહે છે. પ્રાણીસંગ્રહાલય, ઓલ્ડ ટાઉન, મિશન સાન ડિયેગો દ અલ્કલ અને નજીકના તિજુના (મૅક્સિકો) અહીંનાં આકર્ષણ-સ્થળો છે.
ગિરીશભાઈ પંડ્યા