સાન જુઆન (સાન હુઆન) : નદી (1) : મધ્ય અમેરિકામાં આવેલા નિકારાગુઆ સરોવરમાંથી નીકળતી નદી. ભૌગોલિક સ્થાન : 11° 00´ ઉ. અ. અને 84° 00´ પ. રે.. તે સરોવરના અગ્નિછેડામાંથી સાન કાર્લોસ ખાતે નીકળે છે અને નિકારાગુઆકોસ્ટારિકાની સરહદ પરથી પસાર થઈને સાન જુઆન ડેલ નૉર્ટે ખાતે કૅરિબિયન સમુદ્રને મળે છે.

તેનાં 199 કિમી. જેટલાં લાંબાં, અયનવૃત્તીય જંગલોમાં થઈને પસાર થતાં અગ્નિદિશાકીય પથમાં તેને સાન કાર્લોસ તેમજ સારાક્વિની નદીઓ મળે છે. તેના મુખ પાસે ત્રણ ફાંટા પડે છે : (1) સાન જુઆન, (2) ઉત્તર તરફ જુઆનિલો મેનોર અને (3) દક્ષિણ તરફ રિયો કૉલોરેડો. ટોરો, અલ કૅસ્ટિલો અને માચુકાના અવરોધરૂપ પ્રપાતોથી તે નૌકાસફર માટે ઉપયોગી બની શકતી નથી, તેમ છતાં નાની હોડીઓ દ્વારા તેમાં અવરજવર કરી શકાય છે.

1850 અને 1870ના ગાળા દરમિયાન યુ.એસ.નાં પૂર્વ તરફનાં રાજ્યોમાંથી જ્યારે સ્થળાંતર થયેલું ત્યારે આટલાંટિક મહાસાગરમાંથી આવતી સ્ટીમરોના મુસાફરોને સાન જુઆન ખાતે નાની હોડીઓ મારફતે ફેરબદલી કરવી પડેલી, ત્યાંથી મુસાફરોને સાન જુઆનના ઉપરવાસ તરફ તથા નિકારાગુઆ સરોવરમાંથી પસાર થવું પડેલું. ત્યાંથી વધુ આગળ પૅસિફિકના સાન જુઆન ડેલ સર બંદર પરથી પસાર થયેલા. આ રીતે કૅરિબિયન સમુદ્ર અને પૅસિફિક મહાસાગર વચ્ચે નિકારાગુઆ અને સાન જુઆન નહેરમાર્ગનો ઉપયોગ કરવો પડેલો.

સાન જુઆન (સાન હુઆન) : નદી (2) : યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં વહેતી નદી. ભૌગોલિક સ્થાન : 36° 45´ ઉ. અ. અને 108° 30´ પ. રે.. તે દક્ષિણ કૉલોરાડોના સાન જુઆન પર્વતોમાંથી, ખંડીય વિભાજકના પશ્ચિમ ભાગ પરથી નીકળે છે. ત્યાંથી તે નૈર્ઋત્ય તરફ ફ્લેમિંગ્ટન નજીકથી પસાર થઈને ન્યૂ મેક્સિકોમાં પ્રવેશે છે; અહીંથી વાયવ્ય તરફ ઉટાહમાં અને પશ્ચિમ તરફ રેનબો બ્રિજ નૅશનલ મૉન્યુમેન્ટ નજીક કૉલોરાડો નદીને મળે છે. તે 580 કિમી. જેટલી લાંબી હોવા છતાં નૌકાસફર માટે અનુકૂળ પડતી નથી. ન્યૂ મેક્સિકોના વાયવ્ય ભાગમાં તેને ઍનિમસ, લૉસ પિનોસ, પિયેદ્રા, લા પ્લાટા અને માનકોસ જેવી સહાયક નદીઓ મળે છે. જે વિસ્તારમાં નદીખીણ પહોળી બને છે ત્યાં તેનાં પાણીની સિંચાઈથી ખેતી થાય છે. ન્યૂ મેક્સિકો, ઉટાહ, એરિઝોના અને કૉલોરાડોની સરહદો ભેગી થાય છે, તે વિભાગમાં ‘S’ (એસ) આકારનાં, 300 મીટર ઊંડાઈ સુધીનાં ઘણાં કોતરો રચાયાં છે. અહીં આ કોતરો ‘ગુસેનનેક’ નામથી ઓળખાય છે. અહીંથી આ નદી કૉલોરાડો નદી સુધી સીધા પ્રવાહવાળા કોતરમાં ફેરવાય છે. વાયવ્ય ન્યૂ મેક્સિકોમાં સાન જુઆન પરનો ‘નવાજો’ બંધ કૉલોરાડો નદીના ઉપરવાસના જળસંચય પ્રકલ્પનો એક ભાગ બની રહેલો છે.

સાન જુઆન (સાન હુઆન) : શહેર : પ્યૂર્ટો રિકો(યુ.એસ.)નું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 18° 27´ ઉ. અ. અને 66° 00´ પ. રે.. તે મહા ઍન્ટિલ્સ ટાપુસમૂહના પૂર્વ ભાગમાં આવેલા પ્યૂર્ટો રિકો ટાપુના ઈશાન કાંઠે આવેલું મુખ્ય બંદર પણ છે. શહેરનો જૂનો ભાગ પ્યૂર્ટો રિકોના ઉત્તર કિનારાથી નજીકના એક ટાપુ પર જોવા મળે છે. નવા આવાસી વિસ્તારો મુખ્ય ટાપુ પર આવેલા છે. ચાર પુલ અને તેના પરથી પસાર થતા સડકમાર્ગો આ બધા વિભાગોને સાંકળે છે.

અહીંની આબોહવા ઉનાળામાં ગરમ અને શિયાળામાં હૂંફાળી, સૂર્યતાપવાળી રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 25° સે. અને 28° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,246 મિમી. જેટલો પડે છે.

સાન હુઆન બંદરનું એક વિહંગ-દૃશ્ય

વેપાર, ઉત્પાદન અને વહીવટ સાન જુઆનની મુખ્ય પ્રવૃત્તિઓ છે. શહેરના જૂના ભાગની આજુબાજુ આવેલા કેટલાક સ્પૅનિશ કિલ્લા 250 વર્ષ કે તેથી પણ જૂના છે. 19.53 હેક્ટર વિસ્તાર રોકતી સાન જુઆન નૅશનલ હિસ્ટૉરિક સાઇટમાં આવી કિલ્લેબંધીવાળી ઇમારતો જોવા મળે છે. અહીંના અખાતના મુખભાગ ખાતેની ભેખડ ઉપર જોવા મળતો ‘મોરો કૅસલ’ 1539માં બંધાવો શરૂ થયેલો અને અઢારમી સદીના અંત ભાગમાં પૂરો થયેલો. અખાત પર આવેલું અહીંનું બારું વેસ્ટ ઇન્ડિઝમાં સારામાં સારું ગણાય છે.

પ્યૂર્ટો રિકો અને કૅરિબિયન પરનું ‘સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ સ્ટડીઝ’ તથા પ્યૂર્ટો રિકોનું યુનિવર્સિટી કૅમ્પસ સાન જુઆન ખાતે આવેલાં છે. સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીનું તેમજ કૉન્ઝર્વેટરી ઑવ્ મ્યુઝિક સંસ્થાનું મૂળ સ્થળ પણ અહીં નજીકમાં જ છે.

1521માં થૉન્સ દ લિયોનના અનુયાયીઓએ સાન જુઆન સ્થાપેલું ત્યારે સ્પૅનિશ પ્રાંતીય સરકારના વહીવટ મથક તરીકે સાન જુઆન શહેરે સેવાઓ આપેલી. 1999 મુજબ સાન જુઆનની વસ્તી 4,39,604 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા