સાન કાર્લોસ (2) : વેનેઝુએલાના વાયવ્ય ભાગમાં આવેલા કૉજિડેસ (Cojedes) રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 9° 40´ ઉ. અ. અને 68° 35´ પ. રે.. તે મધ્યના ઉચ્ચપ્રદેશની તળેટી ખાતેના લાનોસ મેદાની વિસ્તાર નજીક તિરગુઆ નદીકાંઠે આવેલું છે. તેની સ્થાપના 1678માં કૅપુચિનના ધર્મપ્રસારકો દ્વારા કરવામાં આવેલી. કૉજિડેસ અને પોર્ટુગીઝનાં રાજ્યો અલગ પડ્યાં તે અગાઉ સાન કાર્લોસ ફાલ્કન રાજ્યનું પાટનગર રહેલું. આજે તે વેપારી મથક અને કૃષિબજાર-કેન્દ્ર તરીકે મહત્વ ધરાવે છે. અહીંના પીઠપ્રદેશમાં મકાઈ, શેરડી અને ડાંગરની ખેતી થાય છે તેમજ પશુસંવર્ધન-પ્રવૃત્તિ ચાલે છે.
અહીંથી 90 કિમી.ને અંતરે પશ્ચિમી-નૈર્ઋત્યમાં આવેલા પોર્ટુગીઝ રાજ્યના અકારીગુઆ સાથે તથા 96 કિમી.ને અંતરે ઈશાન તરફ આવેલા કૅરાબોબો રાજ્યના પાટનગર વૅલેન્શિયા સાથે તે ધોરી માર્ગ દ્વારા જોડાયેલું છે. કૉજિડેસ રાજ્યની કુલ વસ્તી 2,27,000 (1995) પૈકી મોટાભાગની સાન કાર્લોસની છે. વસ્તીની ગીચતા દર ચોકિમી.-દીઠ 15 વ્યક્તિની છે.
ગિરીશભાઈ પંડ્યા