સાન કાર્લોસ (1) : દક્ષિણ-પૂર્વ નિકારાગુઆના રિયો સાન જુઆન વિભાગનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 11° 15´ ઉ. અ. અને 84° 45´ પ. રે.. તે નિકારાગુઆ સરોવરના અગ્નિખૂણાના છેડા પર આવેલું છે. અહીંની આબોહવા અયનવૃત્તીય છે. મેથી જાન્યુઆરી સુધી હવામાન ભેજવાળું રહે છે. વર્ષભર તાપમાનની સરેરાશ 21° સે. જેટલી એકધારી રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 976 મિમી. જેટલો પડે છે.

વસાહતી કાળગાળામાં થતા રહેલા ચાંચિયાઓના હુમલાઓ દરમિયાન સાન કાર્લોસ પરના કિલ્લાએ વ્યૂહાત્મક સ્થળ તરીકે ભાગ ભજવેલો. 1948માં આગને કારણે તે મોટા પાયા પર નુકસાનનો ભોગ બનેલું હોવા છતાં આજે પણ તે બંદર તરીકે તેમજ વેપારી મથક તરીકે ઉપયોગમાં લેવાય છે. નજીકમાં પશુસંવર્ધન-પ્રવૃત્તિ તથા લાકડાં ભેગાં કરવાનું કામ ચાલે છે. લૉસ ચિલીસ, કોસ્ટારિકા તથા અન્ય સ્થળોએથી અહીં રસ્તાઓ દ્વારા પહોંચી શકાય છે; સરોવર તેમજ નદીના નૌકા-વ્યવહાર મારફતે પણ અહીં પહોંચી શકાય છે. નિકારાગુઆના આટલાંટિક વિભાગના રિયો સાન જુઆનની 1995 મુજબ વસ્તી(70,143)ની છે, જેમાંની મોટાભાગની પાટનગર સાન કાર્લોસની છે.

ગિરીશભાઈ પંડ્યા