સાન ઍન્ડ્રેસ પર્વતો : રૉકીઝ પર્વતમાળાનો દક્ષિણ તરફના છેડાનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : 33° 00´ ઉ. અ. અને 106° 40´ પ. રે.. ન્યૂ મેક્સિકો રાજ્યના દક્ષિણ ભાગમાંના સોકોરો, સિયેરા અને ડોના ઍના પરગણાંને વીંધીને તે જાય છે તેમજ રિયો ગ્રાન્ડે(નદી)ને સમાંતર દક્ષિણ તરફ 241 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલ છે. તેનું સર્વોચ્ચ શિખર સેલિનાસ 2,755 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતોના ઢોળાવો વનસ્પતિવિહીન વેરાન છે. તેનો કેટલોક ભાગ ‘વ્હાઇટ સૅન્ડ્ઝ મિસાઇલ હારમાળા’ના નામથી ઓળખાય છે; તેમાં આવેલા ટ્રિનિટી સ્થળે 1945ના જુલાઈની 16મી તારીખે દુનિયાનો સર્વપ્રથમ અણુબૉંબ પ્રયોગાત્મક ધોરણે ફોડવામાં આવેલો. આ પર્વતોના પૂર્વ ભાગમાં વ્હાઇટ સૅન્ડ્ઝ નૅશનલ મૉન્યુમેન્ટ આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા