સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ

January, 2008

સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ : પૃથ્વીના પોપડામાં જોવા મળતા મહત્વના સ્તરભંગો પૈકીનો એક સ્તરભંગ. યુ.એસ.ના પશ્ચિમ કાંઠે કૅલિફૉર્નિયામાંથી તે પસાર થાય છે. વાયવ્ય કૅલિફૉર્નિયાના કાંઠા નજીકથી રાજ્યની અગ્નિ-સરહદ સુધી 1,210 કિમી.થી પણ વધુ લંબાઈમાં, નજરે જોવા મળતી ફાટ રૂપે તે વિસ્તરેલો છે. સાન ફ્રાન્સિસ્કોની નજીકમાં થઈને તે દરિયા તરફ પસાર થાય છે. તે ક્ષૈતિજ ખસેડ કરતા સ્તરભંગો પૈકી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ સ્તરભંગ મધ્ય મહાસાગરીય ડુંગરધાર સાથે કોણીય સંબંધ ધરાવે છે. આ સ્તરભંગની એક બાજુ પૅસિફિક ભૂતકતી અને બીજી બાજુ ઉત્તર અમેરિકી ભૂતકતી અન્યોન્ય સંપર્કમાં રહેલી છે. અહીં જ્યારે પણ ભૂકંપ થાય છે ત્યારે તેનો ખસેડ વાયવ્ય-અગ્નિકોણી ફાટરેખીય સ્તરનિર્દેશન દિશામાં થાય છે. ભૂતકતી સંચલનના સિદ્ધાંત અનુસાર, આ પથ પર બંને તકતીઓ અન્યોન્ય ખસે છે. આ નબળા ગણાતા ભૂભાગના પેટાળમાંનાં સંચિત પ્રતિબળો તેમની સહનક્ષમતાની હદ વટાવી જાય ત્યારે તે ઊર્જા રૂપે બહાર નીકળે છે, જેના પરિણામે ભૂકંપ સર્જાય છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોય ત્યાં સુધી નુકસાન થતું નથી, પરંતુ તીવ્રતા વધુ હોય ત્યારે તારાજી સર્જે છે.

આકૃતિ 1 : સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ – તે કૅલિફૉર્નિયા રાજ્યના ઉત્તર-દક્ષિણ

લંબાયેલા મોટાભાગને આવરી લે છે; ભૂતકતીઓ અથડાય ત્યારે ભૂકંપ થાય છે.

છેલ્લાં 1.5 કરોડ વર્ષથી આ સ્તરભંગે પૅસિફિક ભૂતકતી અને ઉત્તર અમેરિકી ભૂતકતી વચ્ચે એક સીમા તરીકે વર્તીને સરકવાની ક્રિયા કર્યા કરી છે. આ સમયગાળા દરમિયાન પૅસિફિક ભૂતકતીના વિભાગવાળો કૅલિફૉર્નિયાનો કંઠારપટ ઉત્તર અમેરિકી ભૂતકતીના સંદર્ભમાં આશરે વાયવ્ય દિશા તરફ 300 કિમી. જેટલા અંતર માટે સરક્યો છે. આ સ્તરભંગ પર સરકવાની વર્તમાન પરિસ્થિતિ વાર્ષિક 5થી 6 સેમી. જેટલી રહી છે.

1906 અને 1989માં અહીં ભીષણ ભૂકંપ થયા છે. 1906માં થયેલા ભૂકંપની આગોતરી આંશિક જાણ થવાથી સાન ફ્રાન્સિસ્કો શહેરને નુકસાન તો પહોંચેલું, પરંતુ જાનહાનિનું પ્રમાણ ઓછું રહેલું. 1989ના ભૂકંપ વખતે આ શહેરને વધુ તારાજી વેઠવી પડેલી. આ ઉપરાંત અહીંની ખંડીય કિનારીઓ (continental margins) પર બીજા સહાયકારી ક્ષૈતિજ સ્તરભંગો પણ ઉદભવેલા છે.

સાન ફ્રાન્સિસ્કોની બાર્ટ (બે એરિયા રૅપિડ ટ્રાન્ઝિટ) સિસ્ટમે આ સ્તરભંગ વિભાગને વીંધતું એક આડું બોગદું તૈયાર કર્યું છે, તેના પર તેમજ નજીકમાં છૂટીછવાઈ વસાહતો પણ આવેલી છે.

આકૃતિ 2 : સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગની સામસામી ધારે સ્પષ્ટ સપાટી-ફાટ દેખાય છે.

આ ફાટ યુ.એસ. કૅલિફૉર્નિયામાં સાન લુઈ ઑલિસ્પો અને બેકર્સફિલ્ડ વચ્ચે વિસ્તરેલી છે.

આ ભૂતકતીઓની સરકવાની ગતિ તેમની સીમા પરના ખડકોમાં પ્રતિબળ(stress)ની અસર ઊભી કરે છે. સંચિત થયેલાં પ્રતિબળો વર્ષો પછી ઊર્જા રૂપે મુક્ત થાય ત્યારે ભૂકંપ થાય છે. આ ભૂતકતીઓની સરકવાની ક્રિયા ચાલુ રહેતી હોવાથી અહીં ક્યારે, કેટલી તીવ્રતાનો ભૂકંપ થશે તે કહેવું મુશ્કેલ છે. 1857, 1906 અને 1989માં અહીં મોટા ભૂકંપો થયેલા છે; એટલે ભવિષ્યમાં આંતરે આંતરે અહીં મોટા ભૂકંપો આવવાની શક્યતાને નકારી શકાય નહિ.

ગિરીશભાઈ પંડ્યા