સાન્સોવિનો આન્દ્રેઆ

January, 2008

સાન્સોવિનો, આન્દ્રેઆ (જ. આશરે 1467, મૉન્તે સાન સાવિનો, ઇટાલી; અ. 1529, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-શિલ્પી. મૂળ નામ આન્દ્રેઆ કૉન્તુચી; પરંતુ મૂળ અટક ત્યાગી તેમણે જન્મસ્થળ મૉન્તે સાન સાવિનો ઉપરથી ‘સાન્સોવિનો’ અટક અંગીકાર કરી. ચિત્રકાર પોલાઇઉઓલો અને શિલ્પી બર્તોલ્દો હેઠળ તેમણે કલાશિક્ષણ પ્રાપ્ત કર્યું. ફ્લૉરેન્સના રાજા લૉરેન્ઝો દ મેડિચીએ 1491માં સાન્સોવિનોને પોર્ટુગલના રાજા જોઆઓ બીજાના દરબારમાં મોકલી આપ્યા. 1500 સુધી તેઓ ત્યાં રહ્યા પણ તે દરમિયાન તેમણે કરેલા કલાસર્જન વિશે માહિતી નથી. 1501માં તેઓ ઇટાલીમાં ફ્લૉરેન્સ આવી વસ્યા અને 1502માં ફ્લૉરેન્સ બૅપ્ટિસ્ટ્રી માટે તેમણે આરસમાંથી શિલ્પ ‘બૅપ્ટિઝમ’ કંડારવું શરૂ કર્યું; જે અધૂરું રહ્યું. (1568માં શિલ્પી વિન્ચેન્ઝો દાન્તીએ તેને પૂર્ણ કર્યું.)

સાન્સોવિનોએ કંડારેલું શિલ્પ : ‘ક્રાઇસ્ટનું બૅપ્ટિઝમ’

રોમમાં તેમણે સેંટ મારિયા દેલ પોપોલો ખાતે કાર્ડિનલ આસ્કાનિયો સ્ફોર્ઝા અને કાર્ડિનલ જિરોલામો બાસોની કબરો પર શિલ્પો કંડાર્યાં; જેમાં એ બંને મૃતકો ઊંઘી રહ્યા હોય એવાં શિલ્પો પણ સામેલ છે. 1512માં તેમણે રોમમાં સેંટ આર્ગોસ્તિનો ખાતે શિલ્પ ‘વર્જિન ઍન્ડ ચાઇલ્ડ વિથ સેંટ એની’ કંડાર્યું. એ શિલ્પમાં માનવ-આકૃતિઓનાં મુખ પર અત્યંત નજાકતભર્યા હાવભાવ જોવા મળે છે.

અમિતાભ મડિયા