સાન્રેડામ પીટર ઇયાન્ઝૂન

January, 2008

સાન્રેડામ, પીટર ઇયાન્ઝૂન (જ. 9 જૂન 1597, ઍસૅન્ડૅલ્ફટ, નેધર્લેન્ડ્ઝ; અ. ? દફનવિધિ 31 મે 1665, હાર્લેમ, નેધર્લેન્ડ્ઝ) : ચર્ચની અંદરના (interior) સ્થાપત્યને ચિત્રોના વિષય તરીકે પસંદ કરનાર ડચ ચિત્રકાર. આ જાતનાં તેમનાં ચિત્રો ‘ચર્ચ પોર્ટ્રેટ’ તરીકે ઓળખાયાં અને તે આ પ્રકારનાં ચિત્રોના પ્રણેતા ગણાયા. ચર્ચની અંદરના સ્થાપત્યની બારીકી, ઇજનેરી ચોક્સાઈ ઉપરાંત તેમાં પ્રકાશ વડે સર્જાતા વાતાવરણને પણ તેઓ ચિત્રોમાં હૂબહૂ ઉતારી શક્યા છે. હાર્લેમ ખાતે ફ્રાન્ઝ પીટર્સ દે ગ્રૅબર નામના ચિત્રકાર હેઠળ તેમણે ચિત્રકળાની પ્રારંભિક તાલીમ લીધી હતી. પ્રસિદ્ધ ડચ સ્થપતિ જેકોબવાન કામ્પેનનાં સ્થાપત્યકીય રેખાચિત્રોથી સાન્રેડામ પ્રભાવિત થયેલા.

સાન્રેડામનાં શ્રેષ્ઠ ચિત્રોમાં આ ચિત્રો સમાવેશ પામે છે : (1) ‘વ્યૂ ઇન ધ ન્યૂ કૅર્ક ઍટ હાર્લેમ’ (1652), (2) ‘ઇન્ટિરિયર ઑવ્ ધ સાન્તા કુનેરા ચર્ચ ઍટ રહેનેન’ (1655), (3) ‘ઇન્ટિરિયર ઑવ્ ધ ડૉમ્કેર્ક ઉટ્રૅખ્ટ’.

અમિતાભ મડિયા