સાન્સોવિનો, જેકોપૉ (જ. 2 જુલાઈ 1486, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 27 માર્ચ 1570, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. મૂળ નામ જેકોપૉ તાતી.

જેકોપૉ સાન્સોવિનો

1502માં વેનિસમાં શિલ્પી આન્દ્રેઆ સાન્સોવિનોનું તેમણે શિષ્યત્વ સ્વીકારી શિલ્પકલા શીખવી શરૂ કરી. ગુરુ પ્રત્યેના આદર-ભક્તિને પ્રતાપે તેમણે તેમની મૂળ અટક ત્યાગીને ગુરુની સાન્સોવિનો અટક ધારણ કરી. 1505માં પ્રાચીન શિલ્પ અને સ્થાપત્યનો અભ્યાસ કરવા માટે જેકોપૉ સાન્સોવિનો જુલિયાનો દા સાન્ગાલો સાથે રોમ ગયા. રોમમાં પોપ જુલિયસ બીજાએ પ્રાચીન શિલ્પના સમારકામની જવાબદારી તેમને સોંપી. ફ્લૉરેન્સ પાછા જઈ તેમણે આરસમાંથી બે શિલ્પ કંડાર્યાં : ‘સટ જેમ્સ, ધ એલ્ડર’ (15111518) તથા મદિરાદેવ ‘બૅકુસ’ (Bachhus) (1514).

1518માં જેકોપૉ સાન્સોવિનો રોમ ગયા. અહીં તેમણે શિલ્પ ‘મેડોના દેલ પાર્તો’ (આશરે 1519) કંડાર્યું. 1527માં રોમધ્વંસ પછી એ વેનિસ ભાગ્યા. અહીં તેમણે વિખ્યાત ચિત્રકાર તિશ્યા (Titian) તથા લેખક પિયેત્રો આરેતિનો સાથે દોસ્તી કરી. વેનિસ નગરના આયોજક સ્થપતિ તરીકે તેમની નિમણૂક થઈ. મૃત્યુપર્યંત આ હોદ્દા પર તેઓ રહ્યા. તેમણે ડિઝાઇન કરેલા પહેલા મકાન કૉર્નર દેલ્લા કા ગ્રાન્ડે નામના મહેલ પર રોમ ખાતેના રેનેસાંસ-સ્થપતિઓ બ્રામાન્તે અને રફાયેલનો પ્રભાવ છે; છતાં સાન્સોવિનોએ વેનિસના પ્રણાલીગત સ્થાપત્યની લઢણો પણ તેમાં ઉમેરી છે. એ પછી તેમણે ઝેકા તથા લાઇબ્રેરી ઑવ્ સેંટ માર્ક – એ મકાનો ડિઝાઇન કર્યાં.

વેનિસમાં 1554માં સાન્સોવિનોએ આરસમાંથી શિલ્પ ‘સેંટ જૉન, ધ બૅપ્ટિસ્ટ’ કંડાર્યું. એ જોતાં જ તેમાંથી યુવાની ઊભરાતી-છલકાતી હોય એવો અનુભવ દર્શકને થાય છે. આરસમાંથી બીજાં બે શિલ્પો પણ તેમણે કંડાર્યાં : રોમન દેવતાઓ માર્સ અને નૅપ્ચ્યૂન (1554-1556). કાંસામાંથી શિલ્પ ઘડવામાં પણ સાન્સોવિનો કુશળ હતા. કાંસામાંથી તેમણે ઘડેલ શિલ્પોમાં તોમાસ્સો રાન્ગોનેનું વ્યક્તિશિલ્પ (1554) શ્રેષ્ઠ છે. આ ઉપરાંત સૅંટ માર્કસ કૅથીડ્રલના દરવાજાઓ ઉપર લગાડવા માટે તેમણે ખ્રિસ્તી ધાર્મિક સાધુઓની આકૃતિઓ કાંસામાંથી ઘડી.

સાન્સોવિનોનાં સ્થાપત્ય અને શિલ્પ એકમેકમાં એ હદે સામંજસ્યપૂર્વક ગૂંથાયેલ જોવાં મળે છે કે બંને એકમેકનાં અંગરૂપ જણાય. સ્થાપત્ય અને શિલ્પના સંયોજનમાં સાન્સોવિનોને મળેલી સફળતાની બરાબરી અન્ય કોઈ રેનેસાંસ-સ્થપતિ કરી શક્યો નથી તેવી વ્યાપક માન્યતા છે.

અમિતાભ મડિયા