સાન્યાલ, પ્રબોધકુમાર (જ. 1905, કોલકાતા; અ. 1983) : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસલેખક. સાન્યાલે મહાકાળી પાથશાળા અને સ્કૉટિશ ચર્ચ-સ્કૂલમાં શાળાનું શિક્ષણ લીધું તો કૉલેજશિક્ષણ કોલકાતાની જ સિટી કૉલેજમાં. અસહકારની ચળવળમાં સ્વયંસેવક. માછલીઓનો ધંધો, પોસ્ટ-ઑફિસમાં ક્લાર્ક, પ્રેસ અને મિલિટરીની ઑફિસ – એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કર્યું. સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય કાર્યકર (1928-30); ‘કલ્લોલ’, ‘ઉપાસના’ અને ‘સ્વદેશ’ જેવાં સાહિત્યિક સામયિકોમાં (1937થી 1941) સહસંપાદક તરીકે રહ્યા પછી પૂરા સમય માટે લેખનકાર્ય. દેશ-વિદેશના એક મહાયાત્રી અને પહાડો માટે અનન્ય પ્રીતિ અને આકર્ષણ. અર્ધસદીના સર્જનકાળ દરમિયાન 70 જેટલાં પુસ્તકો પ્રકાશિત. તેમની પહેલી વાર્તા ‘માર્જના’ (1923) ‘કલ્લોલ’માં પ્રકટ થઈ અને રેખાચિત્રો આલેખતું ‘યાયાવર’ પુસ્તક 1927માં. એ સમયે ગામડાંમાંથી આવેલા યુવાસર્જકોએ ગામડાં વિશે તેમજ ઝૂંપડપટ્ટીના લોકો વિશે લખવાનું શરૂ કરેલું; આ નવી રીતિનાં લખાણોને પ્રકટ કરવા ‘કલ્લોલ’ (1923) અને પછી ‘કાલિકલમ’ (1927) – એ બે સામયિકો શરૂ થયાં, જે બંનેની સાથે પ્રબોધકુમારનો ગાઢ સંબંધ રહ્યો હતો. વાર્તાઓના સંગ્રહ ‘નિશિપદ્મ’(1931)ની ઘણી વાર્તાઓ આ સામયિકોમાં પ્રકટ થતી હતી; ‘કલ્લોલ’માં ‘યાયાવર’નાં રેખાચિત્રો પ્રકટ થયેલાં. ‘કાજલ લતા’ (1931), ‘કલરવ’ (1932), ‘પ્રિય બાંધવી’ (1933) નવલકથાઓના પ્રકાશનથી તેઓ એક સર્જક તરીકે સ્થાપિત થયા. પ્રવાસવર્ણનની કૃતિ ‘મહાપ્રસ્થાનેર પથે’ (1933)એ તેમને એક સક્ષમ સર્જકનો યશ અપાવ્યો. આના પરથી હિંદીમાં પ્રસિદ્ધ થયેલી ફિલ્મ ‘યાત્રિક’ બનાવવામાં આવી હતી. તેમની ‘પ્રિય બાંધવી’ નવલે એ ક્ષેત્રમાં એ સમયે એક નવું ખેડાણ કર્યું યુવાન સ્ત્રી-પુરુષનું યુગલ સાથે રહે-ફરે, પણ લગ્નબંધનનો સ્વીકાર નહિ. લોકપ્રિય પાત્રો તરીકે આ પાત્રોને પ્રતિષ્ઠા મળેલી. ‘હસુબાનુ’ (1952) નવલકથા ભારતના વિભાજન-સમયની હિંસક ઘટનાઓના આધારે રચાયેલી ગંભીર કૃતિ છે, જેમાં નાયિકાના કોમી એખલાસ માટેના પ્રયત્નો દુ:ખપૂર્ણ રીતે નિષ્ફળ જાય છે. ‘નદ ઓ નદી’ (1938) અને ‘આંકાબાંકા’ (1939)માં લગભગ ‘પ્રિય બાંધવી’ની રીતિએ જ કથાની સંરચના થઈ છે. ‘મને મને’ (1941), ‘જલ કલ્લોલ’ (1945), ‘તુચ્છ’ (1953) જેવા પત્રસંગ્રહો ને સંસ્મરણગ્રંથ તેમણે આપ્યા છે. ‘વનસ્પતિર બૈઠકે’ (1971) તેમના સમગ્ર જીવનની ઘટનાઓને સમાવિષ્ટ કરતી પ્રસિદ્ધ આત્મકથા છે. ‘મહાપ્રસ્થાનેર પથે’ની જેમ ‘દેવતાત્મા હિમાલય’ (1955), ‘ઉત્તર હિમાલય ચરિત’ (1965), ‘રશિયાર ડાયરી’ (1962), ‘દક્ષિણ ભારતેર આંગિને’ વગેરે તેમના પ્રવાસવૃત્તાંતો છે. જવાહરલાલ નહેરુએ ‘દેવતાત્મા હિમાલય’ની પ્રસ્તાવનામાં સાન્યાલની પહાડો સાથેની ગાઢ મિત્રતાને બિરદાવી નોંધ્યું હતું કે અન્ય ભાવકો પણ આ વાંચીને યુગોથી પ્રભાવક-પ્રેરક રહેલા હિમાલયના પહાડોથી અભિભૂત થઈ તેના સૌન્દર્યને અને ભવ્યતાને પામી શકે છે. સાન્યાલ પ્રકૃતિના ભાવુક છતાં તટસ્થ નિરીક્ષક હતા અને એની માધુરી તેમણે પોતાના પ્રવાસવૃત્તાંતોમાં સમુચિતપણે પ્રગટ કરી છે.
અનિલા દલાલ