સાન્ટોસ : બ્રાઝિલનું મુખ્ય બંદરી શહેર. ભૌગોલિક સ્થાન : તે 23° 57´ દ. અ. અને 46° 20´ પ. રે. પર આવેલું છે. તે સાઓ પાવલો જેવા મોટા શહેરથી આશરે 40 કિમી.ને અંતરે બ્રાઝિલના અગ્નિ તરફના મહાસાગરના કાંઠે આવેલું છે. સાન્ટોસ નાના ટાપુ પર બાંધવામાં આવેલું છે તથા તેને મુખ્ય ભૂમિ સાથે પુલોથી સાંકળેલું છે. અહીં થતાં લોખંડ અને પોલાદનાં ઉત્પાદન, પેટ્રોલિયમ પેદાશો તેમજ જળવિદ્યુત-ઊર્જાઉત્પાદન દેશની આવકવૃદ્ધિમાં ઉપયોગી બની રહે છે. અહીંના ઘણાખરા લોકો સાઓ પાવલોમાં કામ કરે છે.

16મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ વસાહતીઓએ આજના સાન્ટોસના સ્થળે વસાહતો સ્થાપેલી. સાન્ટોસ ધીમે ધીમે 1586માં નગર બની રહ્યું. 1860ના દાયકામાં સાઓ પાવલો અને સાન્ટોસ વચ્ચે રેલમાર્ગ બંધાયો. રેલમાર્ગની સુવિધાને પરિણામે સાન્ટોસ વેપારનું મથક બની રહ્યું છે.

2000 મુજબ સાન્ટોસની વસ્તી 5,61,800 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા