સાન્ટિયાગો દ ક્યૂબા

January, 2008

સાન્ટિયાગો ક્યૂબા : ક્યૂબાના અગ્નિકાંઠા પરની સિયેરા મેસ્ટ્રાની તળેટીમાં આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : તે 20° 05´ ઉ. અ. અને 75° 55´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,343 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે હવાનાથી અગ્નિદિશામાં 740 કિમી.ને અંતરે આવેલું છે.

આ સ્થળ ક્યૂબાના ખાણઉદ્યોગના મથક તરીકે તથા લોખંડ, મૅંગેનીઝ, ખાંડ, કૉફી અને તમાકુના વેપારના જહાજી મથક તરીકે ઉપયોગમાં લેવાય છે.

આ સ્થળની ઓળખના એક પ્રતીક તરીકે મોટો કૅસલ છે, જે બ્રિટિશ અને ફ્રેન્ચ ચાંચિયાઓથી રક્ષણ મેળવવા બાંધવામાં આવેલો. 1898માં સ્પૅનિશ-અમેરિકન લડાઈ દરમિયાન યુ.એસ. ટુકડીએ સાન્ટિયાગો બારા નજીક સ્પૅનિશ ટુકડીના મોટાભાગના સૈનિકોનો નાશ કરેલો. 1998 મુજબ તેની વસ્તી 10,27,900 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા