સાન્ટિયાગો (2) : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ડોમિનિકન પ્રજાસત્તાકનું સાન્ટો ડોમિન્યો પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 19° 27´ ઉ. અ. અને 70° 42´ પ. રે.ની આજુબાજુનો 2,836 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. શહેરનું આખું નામ સાન્ટિયાગો દ લૉસ કૅબેલેરૉસ છે. તે દેશના ઉત્તર ભાગમાં આવેલી યાક્ ડેલ નૉર્ત નદીને કાંઠે વસેલું છે. શહેરની આજુબાજુના વિસ્તારમાં થતી શેરડી, તમાકુ, કૉફી, કેકાઓ અને ફળો જેવી કૃષિપેદાશોનું તે વિતરણ-કેન્દ્ર બની રહેલું છે. શહેરમાં તૈયાર થતી પેદાશોમાં સિગાર, સિગારેટ, ઢીંગલીઓ અને પોશાકોનો સમાવેશ થાય છે.
ક્રિસ્ટોફર કોલંબસના ભાઈ બાથૉર્લૉમ્યુ કોલંબસની રાહબરી હેઠળ થયેલા અભિયાનની ટુકડીએ 1500માં સાન્ટિયાગો વસાવેલું. અહીં થયેલા 1564 અને 1842ના ભૂકંપોથી તેમજ 1863માં લાગેલી આગથી આ શહેરને પુષ્કળ નુકસાન થયેલું. તેની વસ્તી 1993 મુજબ પ્રાંતની 7,10,803 તથા શહેરની વસ્તી 2000 મુજબ 5,65,900 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા