સાન્ટિયાગો (1) : ચિલીનું પાટનગર, દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું મહાનગર, વ્યાપારિક મથક અને ઔદ્યોગિક કેન્દ્ર. તે આશરે 33° 27´ દ. અ. તથા 70° 38´ પ. રે. પર આવેલું છે. 1541માં વસાવવામાં આવેલા આ નગરની પાર્શ્ર્વભૂમિમાં ઍન્ડિઝનાં હિમાચ્છાદિત શિખરો આવેલાં છે, જે તેના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. તે સમુદ્રસપાટીથી આશરે 520 મી.ની ઊંચાઈએ દેશના ગીચ વસ્તીવાળા અને આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ એવા મધ્યસ્થ ખીણપ્રદેશમાં આકર્ષક સ્થાન પર વસેલું છે. અહીંનું વાર્ષિક સરેરાશ તાપમાન 14.7° સે. તેમજ વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ 363 મિમી. જેટલું છે. આ નગર ભૂમધ્ય સમુદ્ર પ્રકારની આબોહવા ધરાવતા પ્રદેશમાં આવેલું છે.

સાન્ટિયાગો ‘મધ્યસ્થ મુખ્ય રેલમાર્ગ’ તથા ‘પાન અમેરિકન ધોરીમાર્ગ’ દ્વારા દેશનાં અગત્યનાં નગરો અને બંદરો સાથે સંકળાયેલું છે એટલું જ નહિ, પણ આંતરિક તથા આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો દ્વારા તે દેશના બીજા ભાગો તથા દુનિયાના અન્ય દેશો સાથે સંપર્ક ધરાવે છે. આ નગરમાં ખાદ્યપ્રક્રમણ, કાપડ, તૈયાર કપડાં, ચામડાની ચીજવસ્તુઓ, રસાયણો વગેરેને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ વિશેષ પ્રમાણમાં થતી જોવા મળે છે. આ મહાનગર અનેક ગગનચુંબી સંકુલો તથા ફ્લૅટો ધરાવે છે; આમ છતાં, તેની આશરે 25 % વસ્તી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે. આજે તેની વસ્તી લગભગ 60,37,000 (2000) જેટલી છે.

­­

સાન્ટિયાગો, ચિલીનું પાટનગર અને સૌથી મોટું શહેર

બિજલ શં. પરમાર