સાન્ટા માર્ટા : કોલંબિયાના ઉત્તર છેડા નજીક આવેલું મૅગ્ડેલેના રાજ્યનું પાટનગર તથા દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 11° 15´ ઉ. અ. અને 74° 13´ પ. રે.. આ બંદરના પીઠપ્રદેશમાં કેળાંની ખેતી મોટા પાયા પર થતી હોવાથી આ શહેર કેળાંની હેરફેર માટે અગત્યનું જહાજી મથક બની રહેલું છે.

વર્ષો પહેલાં આ એક એવું સ્થળ હતું જ્યાંથી સાહસિકો અલ ડોરાડો(એક એવી માન્યતા પ્રવર્તતી હતી કે ત્યાં નજીકમાં સુવર્ણરજનો ભંડાર મળે છે.)ની ખોજ કરવા નીકળી પડતા. સ્પૅનિશ નૌકાયાત્રી અને અભિયંતા રોડ્રિગો દ બૅસ્ટિડસ દ્વારા 1525માં સાન્ટા માર્ટાની સ્થાપના થયેલી. દક્ષિણ અમેરિકાની આ જૂનામાં જૂની ગણાતી કાયમી વસાહત છે. અહીં તેની નજીકમાં જ સાન પેદ્રો અલેજાન્દ્રિનોની સ્થાવર મિલકત આવેલી છે. દક્ષિણ અમેરિકાનો મુક્તિદાતા સાઇમન બોલિવર 1830માં મૃત્યુ પામ્યો તે અગાઉના છેલ્લા દિવસો તેણે અહીં વિતાવેલા. વસ્તી : 3,43,000 (1999).

ગિરીશભાઈ પંડ્યા