સાન્ટા ફે (1) : આર્જેન્ટિનાની મધ્યમાં પૂર્વભાગમાં આવેલો પ્રાંત, તથા તે જ નામ ધરાવતું શહેર, વાણિજ્યમથક અને નૌકામથક. ભૌગોલિક સ્થાન : 31° 38´ દ. અ. અને 60° 42´ પ. રે.. તે પારાના નદીના પશ્ચિમ કાંઠે સલાડો તેમજ સલાડિલો ડુલ્કા નદીના સંગમ પર વસેલું છે. તે સાન્ટા ફે પ્રાંતનું પાટનગર પણ છે. આજના પરાગ્વેમાં આવેલા ઍસન્સિયોનના વસાહતીઓએ 1573માં આ સ્થળ વસાવેલું. વસ્તી : પ્રાંત : 30,40,786 (1999); વિસ્તાર : 1,33,007 ચોકિમી.; શહેર : 4,06,388 (1991).

સાન્ટા ફે બજારનું એક દૃશ્ય, ન્યૂ મેક્સિકો

સાન્ટા ફે (2) : નૈર્ઋત્ય યુ.એસ.માં આવેલા ન્યૂ મેક્સિકો રાજ્યનું પાટનગર અને મુખ્ય પ્રવાસીમથક. ભૌગોલિક સ્થાન : 35° 41´ ઉ. અ. અને 105° 56´ પ. રે.. આ શહેરનાં જૂનાં, ઈંટોથી ચણેલાં ઘર તથા સાંકડી ગલીઓ પ્રવાસીઓને અહીંની મુલાકાત લેવા પ્રેરે છે. તે રાજ્યનાં અન્ય પાટનગરો પૈકી લાંબો વખત સરકારી કામકાજનું મથક બની રહેલું. ન્યૂ મેક્સિકોની સ્પૅનિશ વસાહતના પાટનગર તરીકે તે 1609 કે 1610માં વસાવવામાં આવેલું. તે સમુદ્રસપાટીથી આશરે 2100 મીટરની ઊંચાઈ પર આવેલું છે. એ રીતે તે રાષ્ટ્રનું વધુમાં વધુ ઊંચાઈએ આવેલું પાટનગર છે. અહીંના લોકો રાજ્યની અને શહેરી સરકારી એજન્સીઓમાં તેમજ પ્રવાસન-ઉદ્યોગમાં કામ કરે છે. વસ્તી : 66,522 (1996).

ગિરીશભાઈ પંડ્યા

જાહનવી ભટ્ટ