સાન્ટા ઍના : મધ્ય અમેરિકામાં આવેલા અલ સાલ્વાડોરનું સાન્ટા ઍના વહીવટી વિભાગનું, એ જ નામ ધરાવતું, બીજા ક્રમે આવતું મોટું શહેર. તે અલ સાલ્વાડોરથી 55 કિમી. અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 59´ ઉ. અ. અને 79° 31´ પ. રે..

આબોહવા : અલ સાલ્વાડોર વિષુવવૃત્ત નજીક આવેલું હોવા છતાં પૅસિફિક મહાસાગરના કાંઠે આવેલું હોવાથી અહીંની આબોહવા હૂંફાળી રહે છે. સાન્ટા ઍના કિનારાથી અંતરિયાળમાં આવેલું છે, તેથી રાત્રિઓ પ્રમાણમાં ઠંડી રહે છે. જુલાઈ અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 24° સે. અને 22° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,700 મિમી. જેટલો પડે છે.

કૅથીડ્રલ દ સાન્ટા ઍના, સાન્ટા ઍના

સાન્ટા ઍનાની મહત્વની પેદાશોમાં શેરડી અને કૉફી થાય છે, એ જ રીતે તેની મહત્વની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખાંડનાં કારખાનાંઓ તથા દારૂ, સુતરાઉ કાપડ, પગરખાં અને રાચરચીલું બનાવવાના એકમોનો સમાવેશ થાય છે. તે વિશેષે કરીને કૉફીની નિકાસ માટેનું ઘણું મહત્વનું વાણિજ્ય-વેપારનું મથક છે. અહીં રેલવેની સુવિધા છે તથા તે પાન અમેરિકન ધોરી માર્ગ પર આવેલું છે. આ શહેરમાં રાષ્ટ્રીય થિયેટર તથા કલા-સંસ્થા આવેલાં છે. શહેરની વસ્તી 2,86,000 (2000) જેટલી છે તથા આ વહીવટી વિભાગનું ક્ષેત્રફળ 2023 ચોકિમી. જેટલું છે.

ગિરીશભાઈ પંડ્યા