સાન્ચેઝ કોયેલો આલોન્સો

January, 2008

સાન્ચેઝ કોયેલો આલોન્સો (જ. 1531-32, બેનિફાયો, સ્પેન; અ. 8 ઑગસ્ટ, 1588, મૅડ્રિડ) : સ્પેનમાં વ્યક્તિચિત્રણાની પરંપરાનો આરંભકર્તા અને સ્પેનના રાજા ફિલિપ બીજાના પ્રીતિપાત્ર દરબારી ચિત્રકાર.

સાન્ચેઝ કોયેલો આલોન્સો

તેમનું બાળપણ પોર્ટુગલમાં વીત્યું હતું. પોર્ટુગલના રાજા જૉન ત્રીજાએ સાન્ચેઝને ચિત્રકાર ઍન્થૉની મોર હેઠળ કલા-અભ્યાસ માટે ફ્લૅન્ડર્સ મોકલી આપ્યા.

1550માં પોર્ટુગલ પાછા ફરીને તેઓ રાજા જૉન ત્રીજાના દરબારી વ્યક્તિચિત્રકાર તરીકે નિમાયા. જૉન ત્રીજાના મૃત્યુ પછી એમને પોર્ટુગલના રાજા ફિલિપ બીજાએ દરબારી ચિત્રકાર તરીકે નિમણૂક આપી.

વ્યક્તિચિત્રોનાં મૂળ મૉડલને સ્વાભાવિક અને ગૌરવપૂર્ણ અદા બક્ષવા માટે તેઓ જાણીતા થયા. રાજા ફિલિપ બીજાના અને કુંવરી ઇન્ફન્તા ઇસાબેલ કલારા યુજિનિયાનાં વ્યક્તિચિત્રો તેમની શ્રેષ્ઠ કૃતિઓ ગણાય છે.

અમિતાભ મડિયા