સાને ગુરુજી (જ. ઈ. સ. 1899, પાલગડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર; અ. 11 જૂન 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસુધારક અને લેખક. આખું નામ પાંડુરંગ સદાશિવ સાને. લાડકું નામ પંઢરી. ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. આર્થિક સ્થિતિ સાધારણ. 1918માં મૅટ્રિક તથા પુણેની તત્કાલીન ન્યૂ પૂના કૉલેજ(હાલનું નામ સર પરશુરામ ભાઉ કૉલેજ)માંથી 1922માં સંસ્કૃત અને મરાઠી વિષયો સાથે બી.એ. અને 1924માં સંસ્કૃત વેદાન્ત અને મરાઠી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી.

સાને ગુરુજી

તેમના ઉપર તેમની માતાનો ઘણો વધારે પ્રભાવ હતો. દરરોજ તેમની માતા બાળકોને સત્યવાદી, પ્રામાણિક અને આજ્ઞાંકિત બનવા, ઈશ્વરથી ડરવા અને બીજાના માટે ભોગ આપવાનો બોધ આપતાં હતાં. તેમણે હિંદુ શાસ્ત્રો, દર્શનશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથો, મહારાષ્ટ્રના સંતોની રચનાઓ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, ટૉલ્સ્ટૉય, કાર્લાઇલ, રસ્કિન અને ઓગણીસમી સદીના જાણીતા અંગ્રેજ લેખકોના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીનાં જીવન અને તત્વજ્ઞાનથી તેઓ પ્રભાવિત થયા હતા અને તેમના ઉપદેશને અનુસરવાનો તેમણે નિર્ધાર કર્યો હતો.

1923માં તેઓ ધુળે જિલ્લામાં આવેલા અમલનેરના તત્વજ્ઞાન મંદિરમાં જોડાયા અને બીજે વર્ષે પ્રતાપ હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા (1924-30). જાહેર જીવનમાં જોડાવા વાસ્તે 1930માં શિક્ષક તરીકેનું તેમણે રાજીનામું આપ્યું.

તેમણે સવિનય કાનૂનભંગની ચળવળ(1930)માં ભાગ લીધો, તેમની ધરપકડ થઈ અને 15 મહિનાની કેદની સજા કરવામાં આવી. 1932-33ના વર્ષમાં તેઓ શરૂઆતમાં ધુળે અને ત્યારબાદ તિરુચિરાપલ્લીની જેલમાં હતા. ત્યાં તેમણે તમિળ ગ્રંથ ‘કુરલ’નો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો. આ ઉપરાંત ‘રામાચા શેલા’ નાટક અને કેટલીક ટૂંકી વાર્તાઓ લખી. 23 માર્ચ, 1931ના રોજ જેલમાંથી મુક્ત થયા. 17 જાન્યુઆરી, 1932ના રોજ ફરી ધરપકડ અને ધુળેની જેલમાં બંદીવાસ. ત્યાં વિનોબા ભાવે સાથે લગભગ એક વર્ષ (1932-33) રહ્યા અને તેમના ‘ગીતા પ્રવચન’નું સાને ગુરુજીએ શ્રુતલેખન કર્યું. ત્યાં ‘શ્યામચી આઈ’ અને બીજી તેમની સાહિત્યિક રચનાઓનો જન્મ થયો. 1934માં વ્યક્તિગત સત્યાગ્રહ માટે ફરી ધરપકડ અને ચાર માસની સજા. ફરી ધુળેના કારાવાસમાં રહ્યા, જ્યાં ટૉલ્સ્ટૉયના ‘વ્હૉટ ઇઝ્ આર્ટ’નો અનુવાદ કર્યો. 1934-35માં ખાનદેશમાં ભૂગર્ભમાં રહ્યા. 1937માં કૉંગ્રેસની ચૂંટણી-ઝુંબેશમાં સક્રિય રહ્યા. ઑગસ્ટ, 1937માં ‘ભારતીય સંસ્કૃતિ’ ગ્રંથ લખ્યો. નાશિક જિલ્લાના ચાંદવડ મુકામે યુવક પરિષદમાં સરકાર વિરુદ્ધ તેજાબી ભાષણ કરવા માટે ઑગસ્ટ 1940માં તેમને બે વર્ષની જેલની સજા થઈ હતી. વચ્ચેના સમયગાળામાં તેઓ સાક્ષરતાના વર્ગો અને હિંદી શિક્ષણના વર્ગો ચલાવવા, ખાદી વેચવી, કાગ્રેસ માટે ફાળો ઉઘરાવવો, આઝાદીની ચળવળમાં ભાગ લેનારનાં કુટુંબો માટે તથા પોલીસના ગોળીબારમાં મરણ પામ્યા હોય તેમનાં કુટુંબોને રાહત પહોંચાડવી વગેરે કામો કરતા હતા. તેમણે જાહેર સમસ્યાઓના સંદર્ભમાં કેટલીક વાર ઉપવાસો કર્યા હતા. 1941માં અમલનેરના કામદારોને સામ્યવાદીઓથી દૂર રહીને કૉંગ્રેસમાં જોડાવા આગ્રહપૂર્વક પ્રેરવા; 1942ની ‘ભારત છોડો’ ચળવળમાં જોડાયા. ફરી ખાનદેશમાં ભૂગર્ભમાં. 1943માં મુંબઈમાં ધરપકડ. પહેલાં યરવડા અને ત્યારબાદ નાશિકના કારાગૃહમાં સ્થળાંતર. 1945માં મુક્ત થયા. 1946માં પંઢરપુરના વિઠોબાનું મંદિર હરિજનો માટે ખુલ્લું મુકાવવા આચાર્યો પર દબાણ કરવા; મે, 1947માં પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં હરિજન પ્રવેશ માટે આમરણ ઉપવાસ. 10 મે 1947ના રોજ હરિજન-પ્રવેશ માન્ય થતાં પારણાં કર્યાં. એક બ્રાહ્મણ યુવક દ્વારા ગાંધીજીની હત્યા કરવાને કારણે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણો વિરુદ્ધ થયેલ લોકઆંદોલન શાંત કરવા, ફેબ્રુઆરી, 1948માં તથા વિદ્યાર્થીઓને રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકતા કૉંગ્રેસ સરકારના હુકમો રદ કરવાની ફરજ પાડવા ડિસેમ્બર, 1949માં તેમણે ઉપવાસ કર્યા હતા. ગંદા વિસ્તારો સ્વચ્છ કરવાની ઝુંબેશ તેમણે 1947માં મુંબઈમાં શરૂ કરી હતી. તેઓ જ્ઞાતિપ્રથા દૂર કરવામાં તથા અસ્પૃશ્યતાનિવારણમાં માનતા હતા. વિદ્યાર્થીઓ રાષ્ટ્રભક્ત બને તે માટે ચારિત્ર્યઘડતરને પૂરતું મહત્વ આપવા સાથે તેઓ રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરતા હતા.

રાજ્યો વચ્ચેની અનાવશ્યક સ્પર્ધા વધારતા પ્રાંતવાદનો તેઓ વિરોધ કરતા હતા. ભારતમાં કોઈ એક કેન્દ્રમાં આંતર ભારતી શાળા સ્થાપવાની યોજના તેમણે ઘડી હતી. તેની શાખાઓ બધાં રાજ્યોમાં સ્થાપવી તેનો હેતુ હતો. બીજા રાજ્યની ભાષા, રિવાજો, પરંપરાઓ, કલાઓ, હસ્તકલાઓ, લોકગીતો, નૃત્યો વગેરેનો અભ્યાસ કરવો અને તે દ્વારા રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરવી એવી તેમની ભાવના હતી.

અમલનેરમાં 1939માં તેમણે ‘કૉંગ્રેસ’ નામનું મરાઠી સાપ્તાહિક શરૂ કર્યું. સરકારે તે બંધ કરાવ્યું. ઈ. સ. 1948માં તેમણે સમાજવાદી વિચારસરણી દ્વારા આર્થિક, સામાજિક અને ધાર્મિક બિરાદરી કેળવવા મુંબઈ તથા પુણેમાં ‘સાધના’ સામયિક શરૂ કર્યું. એવી રીતે તેમણે કાગ્રેસનો અને તે પછી સમાજવાદી વિચારસરણીનો સંદેશો લોકોમાં ફેલાવવા વાસ્તે જાહેર મંચનો વ્યાપક ઉપયોગ કર્યો.

સાને ગુરુજીએ મરાઠી ભાષામાં આશરે 200 પુસ્તકો લખ્યાં છે. તેમાંથી આશરે 150 પ્રગટ થયાં છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય ‘શ્યામ’ અને ‘શ્યામચી આઈ’ છે. તેઓ 1947 સુધી કાગ્રેસના ચુસ્ત અનુયાયી હતા. તે પછી તેઓ કૉંગ્રેસ સમાજવાદી પક્ષમાં જોડાયા. તેઓ અપરિણીત હતા અને તપસ્વી જેવું જીવન જીવતા હતા. રાજકીય અને સામાજિક સેવાને સમર્પિત નિ:સ્વાર્થ જીવન જીવવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે.

જયકુમાર ર. શુક્લ