સાનૂ, એમ. કે. (જ. 27 ઑક્ટોબર 1928, અલ્લેપ્થેય, કેરળ) : મલયાળી લેખક. તેમણે મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી મહારાજની કૉલેજ, એર્નાકુલમ્માં મલયાળમના પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેઓ અઠવાડિક ‘કુમકુમ’ના સંપાદક; કેરળ પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના પ્રમુખ; કેરળ સાહિત્ય અકાદમી, ત્રિસ્સુરના પ્રમુખ તથા 1987-1991 દરમિયાન એર્નાકુલમના ધારાસભ્ય રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં 19 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાટ્ટુમ વેલિચવુમ’ (1960), ‘રાજવીડી’ (1965), ‘અવધરણમ્’ (1984), ‘અનુભૂતિયુદે નિરંગલ’ (1985) વિવેચનગ્રંથો; ‘નારાયણ ગુરુ સ્વામી’ (1976), ‘સહોદરન આયપ્પા’ (1980), ‘ચંગમપુળા ક્રિશ્ન પિલ્લાઈ’ (1989), ‘મૃત્યુંજયમ્ કાવ્યજીવિતમ્’ (1996) ચરિત્રગ્રંથો; ‘અમેરિકન સાહિત્યમ્’ (1966), ‘વિશ્ચાસાતિલેકકૂ વીન્ડમ્’ (1958) બંને અનૂદિત કૃતિઓ છે. ‘તળવરાયિલે સંધ્યા’નાં 93 વ્યક્તિચિત્રો ધરાવતા 2 ગ્રંથો ઉલ્લેખનીય છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; વયલાર ઍવૉર્ડ; તથા સાહિત્યપ્રવર્તક કો-ઑપરેટિવ સોસાયટી, કોટ્ટયન ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા