સાનિયા મિર્ઝા (જ. 15 નવેમ્બર 1986, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતની મહિલા ટેનિસ-ખેલાડીઓમાં અત્યાર સુધીમાં સર્વોચ્ચ શ્રેષ્ઠતાક્રમ (ranking) હાંસલ કરી શકેલી અગ્રણી ખેલાડી. તેનો જન્મ ભલે મુંબઈમાં થયેલો હોય, પરંતુ તેનો ઉછેર હૈદરાબાદમાં થયો છે. પિતાનું નામ ઇમરાન મિર્ઝા, જેમની પાસેથી તેણે ટેનિસની તાલીમ લીધેલી. માત્ર છ વર્ષની ઉંમરે તેણે ટેનિસ રમવાની શરૂઆત કરેલી અને વર્ષ 2003માં તે વ્યાવસાયિક ખેલાડી (professional player) બનેલી.

વર્ષ 2003-07 દરમિયાનના માત્ર આ વર્ષ દરમિયાનની તેની કારકિર્દી તપાસતાં આશ્ચર્ય પમાડે તે ઝડપથી તેણે ટેનિસની રમતમાં સિદ્ધિઓ મેળવી છે; દા. ત., વર્ષ 2003માં તેણે આફ્રો-એશિયન ટેનિસ-સ્પર્ધાઓમાં ચાર સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા; જેમાં મહિલા-ટેનિસનો એકલ ખિતાબ, મહેશ ભૂપતિ સાથેની ભાગીદારીમાં મિક્સ ડબલ્સનો ખિતાબ, મહિલા ડબલ્સમાં સર્વોચ્ચ વિજેતાનો ખિતાબ અને મહિલાઓની ટીમ-સ્પર્ધાનો સુવર્ણચંદ્રક  આ ચાર સુવર્ણચંદ્રકોનો સમાવેશ થાય છે. તે જ વર્ષે તેણે વિમ્બલ્ડન જુનિયર્સ ડબલ્સની સ્પર્ધામાં એલિસા ક્લોબાનોવાની ભાગીદારીમાં સર્વોચ્ચ સ્થાન અને સુવર્ણચંદ્રક હાંસલ કરેલો. ગ્રાન્ડ સ્લૅમ શ્રેણીમાં ગણાતો આ ઇલકાબ હાંસલ કરનાર તે સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી તથા પ્રથમ ભારતીય મહિલા-ખેલાડી છે. વર્ષ 2004માં હૈદરાબાદ ખાતે રમાયેલ ઓપન ડબલ્સની અંતિમ સ્પર્ધામાં લીઝેલ હ્યુબરની ભાગીદારીમાં તેણે વિજય હાંસલ કરેલો અને તે દ્વારા વિશ્વ ટેનિસ ઍસોસિયેશન (WTA) દ્વારા આયોજિત સ્પર્ધામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર તે નાનામાં નાની ઉંમરની અને સર્વપ્રથમ ભારતીય મહિલા-ખેલાડી બની હતી. વર્ષ 2005માં મહિલા-વર્ગમાં ઑસ્ટ્રેલિયન ઓપન એકલ ખિતાબની સ્પર્ધામાં તે ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી શકી હતી. તે જ વર્ષે (2005) હૈદરાબાદ ખાતે રમાયેલ ઓપન એકલ ટેનિસ-સ્પર્ધામાં અંતિમ પાળી(round)માં યુક્રેનની અલ્યોના બોન્ડારેન્કો નામની સશક્ત મહિલા-ખેલાડીને પરાજય આપી તેણે વિજય હાંસલ કરેલો. તેમ કરીને તેણે વિશ્વ ટેનિસ ઍસોસિયેશન દ્વારા આયોજિત એકલ સ્પર્ધામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ભારતીય મહિલા બની હતી.

સાનિયા મિર્ઝા

વર્ષ 2005માં દુબઈ ટેનિસ ચૅમ્પિયનશિપની સ્પર્ધાઓના બીજા રાઉન્ડમાં તે વર્ષની યુ.એસ. ઓપન ચૅમ્પિયન સ્વેત્લાના કુઝનેત્સોવાને પરાજિત કરી તેણે એક અસાધારણ અને અકલ્પિત સિદ્ધિ હાંસલ કરી હતી અને તે દ્વારા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે જ વર્ષે (2005) ઍકુરા ક્લાસિક (Acura Classic) સ્પર્ધામાં બીજા રાઉન્ડમાં વૈશ્વિક સ્તરે આઠમો શ્રેષ્ઠતાક્રમ ધરાવનાર નાદિયા પેટ્રોવાને પરાજય આપી તે દ્વારા સાનિયાએ સર્વપ્રથમ વાર વૈશ્વિક સ્તર પર પ્રથમ 50 સર્વોચ્ચ મહિલા ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તે જ વર્ષે ન્યૂયૉર્ક ખાતે વિશ્વ ટેનિસ ઍસોસિયેશનની નિશ્રામાં રમાયેલી ફૉરેસ્ટ હિલ્સ વુમેન્સ ટેનિસ ક્લાસિક સ્પર્ધામાં અંતિમ ચરણ (final) સુધી સાનિયા પહોંચી શકી હતી. વર્ષ 2005માં જ મહિલા વર્ગની યુ.એસ. ઓપન સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડમાં ફ્રાન્સની મેરિયન બાર્ડોલીને પરાજય આપી તેણે ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો; જ્યાં સર્વોચ્ચ શ્રેષ્ઠતા પ્રાપ્ત મારિયા શારાપોવાના હાથે તે પરાજિત થઈ હતી. ફરી, વર્ષ 2005માં જ જાપાનમાં રમાતી ઓપન ટેનિસ-સ્પર્ધામાં મહિલા એકલ સ્પર્ધા અને મહિલા ડબલ્સ સ્પર્ધા  આ બંનેમાં તે ઉપાંત્ય (semi-final) સ્પર્ધા સુધી પહોંચી હતી અને વિશ્વસ્તરે શ્રેષ્ઠતાક્રમમાં તેણે 114મો ક્રમ હાંસલ કર્યો હતો. વર્ષ 2006માં કતાર ખાતે રમાયેલ એશિયાઈ રમતોત્સવમાં મહિલા એકલ સ્પર્ધામાં તેણે રજતચંદ્રક અને મિક્સ ડબલ્સમાં સુવર્ણચંદ્રક હાંસલ કર્યા હતા. તે જ વર્ષે (2006) બૅંગાલુરુ ખાતે રમાયેલ ઓપન ટેનિસ-સ્પર્ધામાં મહિલા ડબલ્સમાં લીઝેલ હ્યુબરની ભાગીદારીમાં અંતિમ વિજય હાંસલ કરેલો. તે જ વર્ષે (2006) કોલકાતા ખાતે રમાયેલ સનફીસ્ટ ઓપન એકલ સ્પર્ધામાં તે ઉપાંત્ય રાઉન્ડ સુધી પહોંચી શકી હતી જ્યારે મહિલા ડબલ્સમાં લીઝેલ હ્યુબરની ભાગીદારીમાં તેણે અંતિમ વિજય હાંસલ કરી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. વર્ષ 2006માં કતારના દોહા ખાતે યોજાયેલ પંદરમી એશિયન ગૅમ્સ ટીમ ટેનિસ-સ્પર્ધાઓમાં તેણે ભારત માટે મહિલા ડબલ્સમાં રજતચંદ્રક હાંસલ કર્યો હતો, જેમાં તેની ભાગીદાર હતી ભારતીય ખેલાડી શિખા ઑબેરાય. ઉપરાંત, તે જ સ્પર્ધાની એકલ હરીફાઈમાં પણ તેણે રજતચંદ્રક હાંસલ કર્યો હતો તથા મિક્સ ડબલ્સની સ્પર્ધામાં લિયેન્ડર પેસ સાથે રમીને તેમણે જાપાનની બેલડીને પરાજય આપી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

અત્યાર સુધીની તેની સમગ્ર કારકિર્દી (1992-2007) દરમિયાન તેણે એકલ સ્પર્ધાઓમાં ઑક્ટોબર, 2005માં સર્વોચ્ચ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી; જેમાં તેણે વૈશ્વિક સ્તરે 31મો ક્રમ તથા ડબલ્સ મુકાબલાઓમાં નવેમ્બર 2006માં 24મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેની સરખામણીમાં જુલાઈ, 2007માં તેને આ બંનેમાં 38મો ક્રમ આપવામાં આવ્યો છે.

સાનિયા મિર્ઝાને કલે કોર્ટ પર રમવાનું બહુ ફાવતું નથી અને કદાચ એટલા માટે જ તે ફ્રેન્ચ ઓપનમાં કોઈ પણ પ્રકારના મહિલા-મુકાબલાઓમાં વિશેષ રસ લેતી નથી. વર્ષ 2007ના જૂન માસમાં તે બીજા જ રાઉન્ડમાં પરાજિત થઈ હતી.

ટેનિસ રમતી વેળાએ તે જે પ્રકારનાં વસ્ત્રો પહેરે છે તે બાબતને લઈને કટ્ટરવાદી મુસ્લિમ મુલ્લાઓએ નવેમ્બર, 2005માં વિવાદ સર્જ્યો હતો. તે વર્ષે કોઈ એક અનામીક ઇસ્લામી પંડિતે એક ફતવો બહાર પાડીને સાનિયાને એમ કહીને ચેતવણી આપી હતી કે તેનો પોશાક ઇસ્લામની આજ્ઞાઓ સાથે બંધબેસતો નથી. હૈદરાબાદના ઉલેમા બોર્ડના મુખ્ય આશ્રયદાતા સૈયદ યૂસુફ બિને આ ફતવાના સંદર્ભમાં સહેજ વિસ્તારથી સાનિયાની ટીકા કરી હતી અને કટ્ટરવાદી મુસ્લિમોએ ઉપર્યુક્ત ટીકાને સમર્થન આપ્યું હતું; એટલું જ નહિ, પરંતુ સાનિયા જે જે સ્થળે એવો પોશાક પરિધાન કરીને ટેનિસ રમશે તે તે સ્થળે વિક્ષેપ ઊભા કરવાની ધમકી પણ તેમણે ઉચ્ચારી હતી; પરંતુ સાનિયા પર આજ દિન સુધી તેની કોઈ અસર થઈ નથી.

સાનિયા હૈદરાબાદ ખાતેની ઓસ્માનિયા યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે, જ્યાં તેની સામે કોઈ પ્રતિકૂળ વાતાવરણ કે સંજોગો અત્યાર સુધી (જુલાઈ, 2007) ઊભા થયેલા નથી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે