સાદ, ઝઘલુલ (જ. જુલાઈ 1857, બિયાના; અ. 23 ઑગસ્ટ 1937, કેરો) : ઇજિપ્તના રાજનીતિજ્ઞ પુરુષ અને રાષ્ટ્રીય આંદોલનના મહત્ત્વના નેતા. સાદ ઝઘલુલ પાશા ઇબ્ન ઇબ્રાહીમનો જન્મ ઇજિપ્તની નાઇલ ત્રિકોણ-ભૂમિમાં આવેલા બિયાના(Ibyanah)માં એક સુખી ખેડૂત-કુટુંબમાં થયો હતો. તેમણે કૅરોની અલ-અઝરની મુસ્લિમ યુનિવર્સિટીમાં તેમજ ઇજિપ્તની કાયદાની કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. કારકિર્દીની શરૂઆત તેમણે ધારાશાસ્ત્રી તરીકે કરી અને 1892માં તેઓ અપીલની અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. તેમણે 1895માં ઇજિપ્તના વડાપ્રધાન, મુસ્તફા પાશા ફહમીની પુત્રી સાથે લગ્ન કર્યાં.
1906થી 1910 સુધી તેઓ નવા રચાયેલા શિક્ષણ ખાતાના મંત્રીપદે રહ્યા. આ સમય દરમિયાન તેમણે ઇજિપ્ત પર બ્રિટનના રાજકીય અંકુશનો વિરોધ કરવા હિઝ્બ અલ-ઉમ્મા (લોકપક્ષ) નામના રાષ્ટ્રવાદી પક્ષની સ્થાપના કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 1910માં તેઓ ન્યાયમંત્રી બન્યા; પરંતુ ઇજિપ્તના ખેદીવ અબ્બાસ હિલ્મી-II સાથે મતભેદ થતાં તેમણે 1912માં રાજીનામું આપ્યું.
ઇજિપ્તમાં બ્રિટિશ-તરફી વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ ભોગવનાર તરફ ઉગ્ર રાષ્ટ્રવાદીઓને સહાનુભૂતિ ન હતી. તેથી 1912થી ઝઘલુલના વલણમાં પરિવર્તન આવ્યું. તેઓ 1912થી ઇજિપ્તની મર્યાદિત સત્તા ભોગવતી એકગૃહી ધારાસભામાં ચૂંટાયા અને 1913માં તેના ઉપપ્રમુખ બન્યા. ધારાસભામાં તેઓ બ્રિટિશ નીતિના ઉગ્ર ટીકાકાર રહ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધ (1914) શરૂ થતાં બ્રિટને ઇજિપ્તને રક્ષિત રાજ્ય તરીકે જાહેર કર્યું. ખેદીવને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને ધારાસભાને વિખેરીને લશ્કરી કાયદો જાહેર કરવામાં આવ્યો. યુદ્ધનાં ચાર વર્ષ દરમિયાન ઇજિપ્તની બાહ્ય રાજકીય પ્રવૃત્તિ લગભગ સ્થગિત થયેલી દેખાઈ; પરંતુ યુદ્ધને લીધે ઇજિપ્તનું અર્થતંત્ર ખૂબ નબળું પડ્યું, બેકારી વધી અને ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો. બ્રિટને આ સમય દરમિયાન વ્યક્તિ-સ્વાતંત્ર્ય પર અંકુશ મૂક્યો હોવાથી બુદ્ધિજીવી વર્ગ પણ વધારે અસંતુષ્ટ બન્યો હતો. યુદ્ધ સમાપ્ત થયું (નવેમ્બર, 1918), તે વખતે ઇજિપ્તમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ ઉગ્ર અસંતોષ ફેલાયો હતો. તે માટે બીજું મહત્ત્વનું કારણ એ હતું કે યુદ્ધનાં વર્ષો દરમિયાન ઝઘલુલ સાદ અને બીજા ધારાસભ્યોએ ગુપ્ત રીતે ઇજિપ્તમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા માટેનો પ્રચાર વ્યાપક બનાવ્યો હતો. યુદ્ધસમાપ્તિ પછી થોડા જ દિવસોમાં (13 નવેમ્બર, 1918) ઝઘલુલની આગેવાની હેઠળ વીખરાયેલી ધારાસભાના ત્રણ આગળ પડતા સભ્યોનું બનેલું પ્રતિનિધિમંડળ (વફદ) લોકોના ખરા પ્રતિનિધિ તરીકે બ્રિટિશ હાઈકમિશનરને મળ્યું અને ઇજિપ્તનો રક્ષિત રાજ્ય તરીકેનો દરજ્જો નાબૂદ કરવાની માગણી કરી; જેનો બ્રિટિશ હાઈકમિશનરે અસ્વીકાર કર્યો. પરિણામે વ્યાપક પ્રમાણમાં બ્રિટન વિરોધી આંદોલન શરૂ થયું. માર્ચ, 1919માં ઝઘલુલ અને તેના ત્રણ સાથીઓને કેદ કરીને માલ્ટ ટાપુમાં મોકલવામાં આવ્યા. તેથી ઇજિપ્તમાં હિંસક આંદોલન ફાટી નીકળ્યું. પરિણામે ઝઘલુલને મુક્ત કરવામાં આવ્યા. ઝઘલુલે ઇજિપ્તના પ્રતિનિધિ તરીકે પૅરિસમાં યોજાયેલ સાથી સત્તાઓની શાંતિ પરિષદ સમક્ષ ઇજિપ્તની સ્વતંત્રતાની માગણીનો પ્રસ્તાવ રજૂ કર્યો; પરંતુ તેમાં તેમને સફળતા ન મળી, તેમ છતાં રાષ્ટ્રીય નેતા તરીકે તેમણે ઇજિપ્તમાં લોકચાહના પ્રાપ્ત કરી.
1919ના અંતમાં અને 1920માં સંપૂર્ણ સ્વતંત્રતા માટે બ્રિટિશ પ્રતિનિધિઓ સાથે કૅરો તથા લંડનમાં જે વાટાઘાટો થઈ તેની આગેવાની ઝઘલુલે લીધી હતી; પરંતુ તેમાં તેમને સફળતા ન મળી. તેથી ઝઘલુલે બ્રિટન વિરોધી આંદોલન ચાલુ રાખ્યું. ઝઘલુલને કેદ કરીને સેશાઇલ્સ ટાપુમાં રાખવામાં આવ્યા. છેવટે બ્રિટિશ સરકારને ફેબ્રુઆરી, 1922માં ઇજિપ્તને મર્યાદિત સ્વતંત્રતા આપવાની જાહેરાત કરવી પડી અને ઝઘલુલને મુક્ત કરવામાં આવ્યા. 1922ના નવા બંધારણ હેઠળ ઝઘલુલે ચૂંટણીમાં ભાગ લીધો. તેમના વફદ પક્ષને બહુમતી મળી. જાન્યુઆરી, 1924માં તેમણે વડાપ્રધાન તરીકે સરકારની રચના કરી. પરંતુ તે વર્ષ દરમિયાન ઇજિપ્તના ઉગ્રપંથીઓએ બ્રિટન વિરુદ્ધ હિંસાત્મક પ્રવૃત્તિને વ્યાપક બનાવી અને ઘણા અંગ્રેજ અધિકારીઓનાં ખૂન કરવામાં આવ્યાં. ઝઘલુલ ઉગ્રપંથીઓને અંકુશમાં રાખી ન શક્યા અને નવેમ્બર, 1924માં તેમણે વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું. 1926થી ચૂંટણીમાં પણ વફદ પક્ષને બહુમતી મળી. બ્રિટિશ હાઈકમિશનરે ઝઘલુલ-વિરોધી નેતાઓને વધારે મહત્ત્વ આપ્યું. તેમ છતાં નવી મિશ્ર સરકાર રચવામાં આવી; પરંતુ ઝઘલુલે વડાપ્રધાન થવાને બદલે ધારાસભાનું પ્રમુખપદ સંભાળ્યું.
ખેડૂત-કુટુંબમાં જન્મેલા ઝઘલુલ સાદે ઇજિપ્તમાં રાષ્ટ્રીય જુવાળ સર્જીને લોક-આંદોલનને વધારે વ્યાપક બનાવ્યું, જે ઉમરાવ કુટુંબમાં જન્મેલા બીજા નેતાઓ માટે શક્ય ન હતું.
રજનીકાંત લ. રાવલ