સાત પગલાં આકાશમાં (1984)

January, 2008

સાત પગલાં આકાશમાં (1984) : કુન્દનિકા કાપડિયાકૃત અતિપ્રસિદ્ધ અને દિલ્હી સાહિત્ય અકાદમીના 1985ના પુરસ્કારથી સન્માનિત ગુજરાતી નવલકથા. 1982ના જુલાઈથી શરૂ થઈ 40 અઠવાડિયાં સુધી આ નવલકથા ધારાવાહી રૂપે ‘જન્મભૂમિ-પ્રવાસી’ની રવિવારીય આવૃત્તિમાં પ્રગટ થઈ હતી. મોટાભાગની સત્ય ઘટનાઓ પર આધારિત આ સામાજિક નવલકથાએ ત્યારથી જ સાહિત્ય અને સમાજમાં સારી એવી હલચલ મચાવી દીધી હતી. આ નવલકથાનાં સ્ત્રીપાત્રોએ, ખાસ કરીને નાયિકા વસુધાએ નારીવાદી વલણો પ્રભાવક રીતે વ્યક્ત કર્યાં છે. ગુજરાતી સાહિત્યમાં નારીવાદી વલણોનો આરંભ કુન્દનિકાબહેનથી થયો તેમ મનાય છે. વસુધાના ગૃહસ્થજીવન નિમિત્તે સ્ત્રીના ગૌરવ, પુરુષના આધિપત્ય, પુરુષ દ્વારા થતું સ્ત્રીનું સૂક્ષ્મ શોષણ, આર્થિક સ્વતંત્રતા, વ્યક્તિત્વવિકાસ, પિતૃપ્રધાનતા – આવી આવી બાબતે સ્ત્રીને થતી સંવેદનાઓ અને તેની થતી ઉપેક્ષા, સ્ત્રીને ‘વ્યક્તિ’ ન ગણતાં માત્ર ‘વસ્તુ’ ગણી તેની સાથે થતો વ્યવહાર વગેરે દૃષ્ટિબિંદુઓથી આ નવલકથા સર્જાઈ છે. સમાજમાં સ્ત્રીઓ માટે કેવી માન્યતાઓ છે અને કેવી હોવી જોઈએ એ દર્શાવતાં અનેક સ્ત્રીપાત્રો અહીં છે. ‘કારાગારથી કૈલાસ સુધી’ શીર્ષક ધરાવતી સુદીર્ઘ પ્રસ્તાવના અને 412 પૃષ્ઠમાં પથરાયેલી આ નવલકથા અંગે તેનાં લેખિકા માટે વિવિધ પ્રકારના અભિપ્રાયો-પ્રતિભાવો વ્યક્ત થતા રહ્યા છે.

વસુધા પરણીને સાસરે આવે છે. તેનું વ્યક્તિત્વ વિશિષ્ટ છે. એક વાર તેણે પોતાની જાતને મનોમન એક વચન આપેલું, ‘આજે ભલે હું લગ્ન કરું, સંસાર વસાવું, પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઇચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ…. હું મારું પોતાનું એક ગીત રચીશ અને હું પોતે તે ગાઈશ.’ નવલકથામાં પછી એવી ઘટનાઓ બને છે કે વસુધા પતિ વ્યોમેશ, પુત્રો-પુત્રવધૂઓ વગેરેને છોડી, જ્યાં દરેકના વ્યક્તિત્વને સ્વતંત્ર રીતે ખીલવાની મોકળાશ રહે તેવા આનંદગ્રામમાં જાય છે, રહે છે. નવલકથાને અંતે વધુ ઉમદા કાર્ય કરવા, મિત્રો સાથે હિમાલય તરફ પ્રયાણ કરે છે. આમ પોતાને આપેલા વચનનું તે પાલન કરે છે. આ છે નવલકથાનો મુખ્ય કથાદોર. વસુધા સિવાયનાં સ્ત્રીપાત્રોનાં જીવનની ઘટનાઓ, તેમનાં વિચારોકાર્યો – આ બધાંમાં, સત્ય ઘટનાઓનો આધાર લીધો હોઈ, લેખિકાની તે સાથે ઊંડી નિસબત હોઈ તેમની રજૂઆત કરતી ભાષામાં હૃદયસ્પર્શિતા અને સચોટતા આવી છે. એક અર્થમાં આ નવલકથા સામાજિક વિદ્રોહની નવલકથા છે. આમ છતાં અહીં એવાં પાત્રો પણ છે જે નવસર્જનની પીઠિકા બાંધે છે; જેમ કે, ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, આદિત્ય, અગ્નિવેશ વગેરે.

આ કૃતિએ સ્ત્રી-સંદર્ભે સમાજને સાચી રીતે વિચાર કરવાની દિશા બતાવી છે – એ તેનું જમા પાસું છે. લગ્ન એટલે શું ? – એ એક મહત્ત્વના પ્રશ્ર્નની અહીં સ્ત્રી અને સમાજ એમ બે દૃષ્ટિએ વાત મૂકી છે. સ્ત્રી-પુરુષના સંબંધોથી ઊઠતા નારીમનના પ્રશ્ર્નો-વેદનાઓની વાત કરતાં લેખિકા ક્યારેક આત્યંતિક વલણ દાખવે છે. વસુધાના નિમિત્તે નારીવાદી વાત રજૂ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. જોકે, વર્જિનિયા વુલ્ફની નારીવાદી વિચારણા વસુધા કરતાં અન્ય કેટલાંક સ્ત્રીપાત્રો વધુ ચરિતાર્થ કરે છે. આમ છતાં જેમ ‘ડૉલ્સ હાઉસ’ની નૉરા તેમ વસુધાનું ‘ઘર છોડવું’  એ એક ઘટના નારીજગત અને સમાજ માટે વિચારણીય બાબત બની રહે છે. સ્ત્રીને માનવસહજ હક્ક મળે, તેનું સન્માન થાય, તેની શક્તિનું ગૌરવ થાય તે અંગે આ નવલકથામાંથી સબળ સમર્થન મળે છે. સમાજમાં સ્ત્રીઓ વિશે જે કેટલીક માન્યતાઓ સદીઓથી ચાલતી રહી છે તેમને તોડીને, આ કૃતિ નિમિત્તે, સ્ત્રીને એના અસલી-સાચા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન થયો છે. અહીં સામાજિક વાસ્તવિકતાની સાથે નારીચિત્તની વાસ્તવિકતા રજૂ થઈ છે. સ્ત્રીના વ્યક્તિત્વના સ્થાપનની આ ગૌરવગાથા છે. વસુધાના નિમિત્તે ‘સ્ત્રી પણ એક માણસ છે.’ તે સિદ્ધ કરવામાં લેખિકા સફળ થયાં છે. સ્ત્રી અંગેના સામાજિક પરિવર્તનમાં આ નવલકથાનો વૈચારિક ફાળો નોંધપાત્ર છે.

આ નવલકથા એક સુશ્ર્લિષ્ટ કલાકૃતિ હોવા બાબત ઠીક ઠીક વિવાદ પ્રવર્તે છે. આ નવલકથાનો ઉત્તરાર્ધ તેના પૂર્વાર્ધની તુલનામાં કંઈક શિથિલ હોવાનું કેટલાક વિવેચકોનું મંતવ્ય છે.

આમ છતાં, એક નારી દ્વારા લખાયેલી, નારીચિત્તનાં સંવેદનોને વાચા આપતી અને એ રીતે નારીપ્રધાન ઠરેલી આ નવલકથા ગુજરાતી નવલકથાસાહિત્યમાં ઉલ્લેખનીય છે જ. ગુજરાતીમાં કોઈ એક પુસ્તકને છ પારિતોષિક મળ્યાં હોય એવું કદાચ પહેલી વાર આ પુસ્તકની બાબતમાં બન્યું છે. તેનો ભારતની કેટલીક ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.

શ્રદ્ધા ત્રિવેદી