સાત દેશોનું જૂથ : વિશ્વના સાત અગ્રણી ઔદ્યોગિક દેશોનો સમૂહ. આ સમૂહમાંના સાત દેશોમાં અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાંસ, ઇંગ્લૅન્ડ, ઇટાલી અને કૅનેડાનો સમાવેશ થાય છે. 1975થી વિશ્વના અગ્રણી ઔદ્યોગિક દેશોની સરકારોના વડા વર્ષમાં એક વાર એકઠા થાય છે અને આર્થિક તેમજ રાજકીય બાબતોની ચર્ચા કરે છે. તેની વાર્ષિક શિખર-બેઠકોમાં યુરોપિયન કમિશનના પ્રમુખ હાજર રહે છે. 1991થી રશિયા પણ તેમાં હાજર રહે છે અને 1997થી તે ઔપચારિક રીતે એમાં સામેલ થયું હતું. ત્યારથી આ સમૂહ આઠ દેશોના જૂથ તરીકે ઓળખાય છે.
મૂળ સાત દેશો વિશ્વના ત્રણ પંચમાંશ એકંદર ઘરેળુ ઉત્પાદન(Gross Domestic Product)ની પેદાશ કરે છે. તે પછી વિશ્વની બદલાતી આર્થિક વ્યવસ્થાને કારણે બીજા દેશો પણ તેમાં સામેલ થયા છે, એથી તેની કુલ સભ્યસંખ્યા આઠથી વધી ગઈ છે.
રક્ષા વ્યાસ