સાતતાળી : પીછો કરવાની – પીછો પકડવાની બાળકોની ભારતીય રમત. સાતતાળી ફક્ત એક જ રમત નથી; પરંતુ પીછો કરવાની રમતોનો સમૂહ છે. સાતતાળીની રમતોમાં ખાસ કરીને પીછો પકડવાની પ્રવૃત્તિ હોય છે. એક અથવા તેથી વધારે જણ બાકીનાઓમાંથી એક અથવા વધારે જણની પાછળ પકડવા માટે અથવા તો કોરડાથી મારવા માટે દોડે છે. આવી પીછો પકડવાની ક્રિયાને જુદી જુદી રમતોમાં નિયમોની જુદી જુદી ભૂમિકામાં મૂકવાથી નવીન પ્રકારની રમત જેટલો આનંદ રમનારાઓ માણી શકે છે.
આ રમતો માટે સંખ્યાના પ્રમાણમાં મેદાન બહુ મોટું હોય તો રમતની મઝા મારી જાય છે. આ માટે રમત મુજબ મેદાનની હદ અગાઉથી નક્કી કરી લેવી જરૂરી છે.
મોટાભાગની સાતતાળીની રમતોમાં એક જણને માથે દાવ રહે છે અને તે દોડનારાઓને નિયમ મુજબ પકડવા દોડે છે. આવી રમતોમાં રમતની શરૂઆતમાં દાવ આપનાર છોકરો મેદાનની વચ્ચે ઊભો રહે છે અને બાકી રમનાર પૈકી એક જણ દાવ આપનારને સાત તાળીઓ આપે છે. સાત તાળીઓ પૂરી થતાં રમત શરૂ થાય છે. દાવ આપનાર તાળી આપનારને તરત જ કદાચ પકડી ન શકે. દાવ આપનાર જે છોકરાને પકડી પાડે તેના માથે દાવ આવે છે. ફરીથી સાત તાળીઓ આપીને રમતની શરૂઆત કરવામાં આવે છે.
મોટા છોકરાઓ માટે દરેક વખતે સાત તાળીઓથી દાવની કરાતી શરૂઆત રમતના સાતત્યને ખલેલ પહોંચાડતી હોવાને કારણે સાત તાળીઓથી રમત શરૂ કરવાની પદ્ધતિ કાઢી નાંખીને કોઈ એક જગા નક્કી કરેલ હોય ત્યાં અડકીને રમત શરૂ કરવાની ગોઠવણ કરવામાં આવે છે. સામાન્ય રીતે નવો દાવ આપનાર જૂના દાવ આપનારને તરત જ કદાચ પકડી ન શકે કારણ કે તે તદ્દન નજીક હોય છે. ઉપરાંત તે થાકી ગયેલો હોય છે.
સાતતાળીની રમતોને જૂથમાં ગોઠવવામાં આવે છે. પકડવા જનાર તથા રમનાર બધા જ એકસરખી રીતે દોડે છે.
સાતતાળીની રમતોમાં ખાસ સાધન, ખાસ પૂર્વ તાલીમ તથા બાળકોની નક્કી સંખ્યાની જરૂર પડતી ન હોવાથી કોઈ પણ પ્રસંગે તથા કોઈ પણ સંજોગોમાં આ રમતો બાળકો પૂરા ઉત્સાહથી રમી શકે છે. સંજોગવશાત્ રમત દરમિયાન કોઈ રમનાર બાળકો રમતમાંથી બેસી જાય અથવા નવા ઉમેરાય તોપણ રમતને સહેજ પણ ખલેલ અથવા અડચણ પહોંચતી નથી.
હર્ષદભાઈ પટેલ