સાણાની ગુફાઓ

January, 2008

સાણાની ગુફાઓ : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકામાં વાંકિયા નામના ગામ પાસે આવેલી સાણાની ટેકરીઓમાંની ગુફાઓ. ત્યાં જૂનાગઢ અને તળાજાની ગુફાઓ જોડે સામ્ય ધરાવતી આશરે 62 શૈલ-ઉત્કીર્ણ ગુફાઓનો વિશાળ સમૂહ આવેલો છે. સાણાની ગુફાઓ કયા સંપ્રદાય માટે હતી તે હાલ માત્ર અટકળનો વિષય છે.

તળાજાના એભલ મંડપ જેવી અહીં પણ એભલ મંડપ નામની ગુફા છે. 23 × 20 મીટરના વિસ્તારની તથા 5.7 મીટર ઊંચાઈ ધરાવે છે. તેના અગ્રભાગે છ સ્તંભ હતા, અંદરના ભાગે એક પણ સ્તંભ ન હતો.

આશરે 30 મીટરની ઊંચાઈએ ભીમચોરી નામની ગુફા આવેલી છે. તેના અગ્રભાગે ઓસરી પણ છે. ચાર અષ્ટકોણ સ્તંભોના શીર્ષ તથા કુંભી કળશાકાર છે, જ્યારે શીર્ષતલ તથા જગતીનાં ફલક સમચોરસ છે.

ભીમચોરીની બાજુમાં 10 × 6 મીટરના વિસ્તારમાં આવેલી ચૈત્ય ગુફા 5 મીટર ઊંચી છે. તેની પછીત અર્ધવૃત્તાકાર છે. અનલંકૃત ચૈત્ય અવશિષ્ટ છે, પરંતુ તેનું તોરણ નાશ પામ્યું છે. તેને ફરતો પ્રદક્ષિણા-માર્ગ નથી.

આ ગુફાઓ ઈ.સ.ના આરંભના સમયની હોવાનો સંભવ છે.

જયકુમાર ર. શુક્લ