સાણંદ : ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલું નગર. જિલ્લાના સાત તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક તથા ભૂતપૂર્વ કોઠના દેશી રાજ્યની રાજધાનીનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 22° 59´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ 791 ચોકિમી. જેટલું છે, તાલુકામાં સાણંદ શહેર અને 67 ગામો આવેલાં છે.
તાલુકાની કુલ વસ્તી 1,93,244 (2001) છે, તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ તથા 85 % ગ્રામીણ અને 15 % શહેરી વસ્તી છે. અક્ષરજ્ઞાન ધરાવતા લોકોની સંખ્યા 50 % જેટલી છે. તાલુકાના લોકો વેપાર, ઉદ્યોગ, ખેતી, પશુપાલન તથા અન્ય પ્રવૃત્તિઓ(નોકરી, મજૂરી, ખાણકામ, બાંધકામ વગેરે)માં રોકાયેલા છે. સાણંદની આજુબાજુના વિસ્તારમાં ડાંગર, તમાકુ અને કપાસનું વાવેતર મોટા પાયા પર થાય છે. ખેતીની પેદાશો સાણંદના બજારમાં આવે છે. તે તાલુકામથક હોવાથી ગ્રામવિસ્તારના લોકો માટે ખરીદ-વેચાણનું કેન્દ્ર છે.
સાણંદ તાલુકાનો વિસ્તાર દરિયાથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ રહે છે. ઉનાળા-શિયાળા દરમિયાન અનુક્રમે મે અને જાન્યુઆરીનાં સરેરાશ મહત્તમ-લઘુતમ દૈનિક તાપમાન 41°થી 44° સે. અને 26° સે. તથા 30° સે. અને 15° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 700 મિમી. આસપાસનું રહે છે. વરસાદી દિવસોની સંખ્યા 32 જેટલી રહે છે. શહેર નજીક ત્રણ તળાવો છે, તે પૈકી ભદ્રેટી સૌથી મોટું છે.
શહેર : સાણંદ શહેર અમદાવાદથી 24 કિમી.ને અંતરે આવેલું છે. જૂનું શહેર અહીંના હજારીમાતાના મંદિર પાસે હતું. દંતકથા પ્રમાણે વિરાટ રાજાની ગાયોને કૌરવો વાળી જતા હતા ત્યારે અર્જુને કૌરવોને ગોધાવી પાસે હરાવીને ગોધન પાછું લાવી આપેલું. આ દંતકથા શહેરની પ્રાચીનતાનો ઉલ્લેખ કરે છે. વળી તરસી ગાયોને અર્જુને ભૂમિમાં બાણ મારીને પાણી મેળવી આપી તૃપ્ત કરી હતી. બાણગંગા નામથી ઓળખાતું આ સ્થળ સાણંદથી 16 કિમી. દૂર આવેલું છે.
ગુજરાતના સલ્તનતકાળ દરમિયાન 1572ના અરસામાં આ ગામની સનદ રાજ્યની સેવા કરનારને અપાઈ હતી. તે સનદ ઉપરથી ‘સાણંદ’ નામ પડેલું હોવાનો એક મત છે. અર્જુનને કૌરવો સાથેની લડાઈમાં જીત મેળવ્યાનો આનંદ થયો હતો. તેથી ‘સાણંદ’ (સાનંદ – આનંદ સહ) નામ પડ્યું હોવાનો તર્ક પણ પ્રવર્તે છે.
આઝાદી મળ્યા પછી સાણંદનો ઔદ્યોગિક વિકાસ થયો છે. અહીં તમાકુની ખળીઓ છે, સિમેન્ટની પાઇપોનું કારખાનું આવેલું છે, બીડી-ઉદ્યોગ, માટીકામ, લુહારીકામ, સુથારીકામ જેવા પરંપરાગત ગૃહઉદ્યોગો ચાલે છે. તદુપરાંત દવાઓ બનાવવાના એકમો તથા દૂધમંડળી પણ સ્થપાયાં છે.
સાણંદ વિરમગામ-મુંબઈ બ્રૉડગેજ રેલમાર્ગનું મથક છે. રાજ્ય ધોરી માર્ગ 8 દ્વારા તે અમદાવાદ, વિરમગામ, ધોળકા, ધંધૂકા, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે સાથે વેપાર અર્થે જોડાયેલું છે. વેપારીઓ, ઉદ્યોગકારો, ખેડૂતોની સુવિધાઓ જાળવવા અહીં વાણિજ્ય અને સહકારી બૅંકો તથા પોસ્ટની ધિરાણ યોજનાઓ તથા બચતખાતાં માટેની અનુકૂળતાઓ છે.
શહેરમાં બાલવાડી, બાલમંદિર, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તથા તાલુકાપુસ્તકાલય, હરિજનો માટેનું ઠક્કરબાપા છાત્રાલય, વિચરતી જાતિઓ માટે નિવાસી આશ્રમશાળા વગેરે જેવી સગવડો ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં સરકારી દવાખાનું, પશુદવાખાનું, પેટા આરોગ્ય-કેન્દ્ર, તાર-ટપાલ-ટેલિફોન કાર્યાલયો, વારિગૃહ, સિનેમાગૃહ, વીજળીની સુવિધા તથા સરકારી ખાતાંઓની કચેરીઓ છે.
ધાર્મિક સ્થળો પૈકી હજારીમાતાનું 500 વર્ષથી વધુ પ્રાચીન મંદિર શહેરના બહારના ભાગમાં આવેલું છે. શંકર-પાર્વતીનું શંકરવાડી તરીકે ઓળખાતું શિવમંદિર, સિદ્ધનાથ મહાદેવ, અંબાજી માતાનું મંદિર, સો વર્ષથી વધુ જૂનું રણછોડરાયનું મંદિર, 500 વર્ષથી વધુ જૂનું રામજીમંદિર, સ્વામીનારાયણનું મંદિર તથા ઈ. સ. 1459ના અરસાનું જૈનોના તીર્થંકર પાર્શ્ર્વનાથનું મંદિર અહીં આવેલું છે.
સાણંદના રાજવી, શાસ્ત્રીય સંગીતના જાણકાર અને વિવિધ રાગોના સર્જક, સંસ્કૃત ભાષાના વિદ્વાન શ્રી જયવંતસિંહજી રણમલસિંહજી વાઘેલા(1905-1980)ને કારણે આ નગર ભારતમાં વધુ જાણીતું બન્યું છે.
સાણંદની વસ્તી અંદાજે 30,000 (2001) જેટલી છે. સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે. શહેરનો વહીવટ નગરપંચાયત દ્વારા થાય છે.
શિવપ્રસાદ રાજગોર