સાગરા પિરાજી

January, 2008

સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. 1960માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ‘આર્ટ માસ્ટર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો.

પિરાજી સાગરા

આરંભમાં રવિશંકર રાવળની જળરંગી પદ્ધતિમાં ગુજરાતની નારીને આલેખવાનું શરૂ કરનાર સાગરા 1960 પછી ફ્રાન્સિસ ન્યૂટન સૂઝા અને હિમ્મત શાહના પ્રભાવ હેઠળ આવ્યા. સૂઝા અને હિમ્મત શાહની જેમ સાગરાએ પણ બિહામણા ને ભેંકાર ચહેરા આલેખવા શરૂ કર્યા. ચિત્રકાર જેરામ પટેલ સાથે સાગરાએ લાકડાની પાટિયા જેવી સપાટીઓ પર મશાલ વડે, બાળવાની ક્રિયાઓ વડે, અમૂર્ત ભાત પાડીને કલાકૃતિઓનું નિર્માણ પણ શરૂ કર્યું. 1970 પછી ગુજરાતનાં પ્રણાલીગત તોરણો, ધાતુના પટારા તોડીને તે નવી સપાટી પર અમૂર્ત ઢબે ચોંટાડી આધુનિક કલાકૃતિઓ સર્જવા માંડ્યા. આ કલાકૃતિઓ એવાં આધુનિક મ્યુરલ્સ છે, જે જૂની પ્રણાલીગત કલાકૃતિઓ તોડીને સર્જાયાં છે.

1977 પછી સાગરાએ શિલ્પસર્જન પણ કર્યું છે. આ માટે તેઓ નાનકડાં રમકડાં જેવા નમૂના પથ્થરમાંથી કંડારે છે જેમને તેમના કારીગરો પથ્થરોના મોટા ગચિયામાં વિશાળ કદમાં કંડારે છે. સાગરા ખુદ પોતે કદી વિશાળ શિલ્પ કંડારતા નથી.

લાકડાની પૅનલ પર તૈલરંગો સાથે રેતી, સિમેન્ટ, મણકા, છીપલાં ચોંટાડીને પણ સાગરાએ ચિત્રો સર્જ્યાં છે.

1963માં અમદાવાદમાં સેપ્ટ [CEPT  Centre for Environ-mental Planning and Technology] ખાતેની સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચરમાં સાગરા ચિત્રકલાના પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1990માં એ અહીંથી સેવાનિવૃત્ત થયા. હજી પણ તેમનું કલાસર્જન ચાલુ જ છે.

પિરાજી સાગર ચિત્રિત શહેર, ઉદયપુર

પિરાજી સાગરાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો અમદાવાદ, મુંબઈ, દિલ્હી ઉપરાંત વિદેશોમાં પણ યોજાયાં છે. 1983માં સાગરાની કલાકૃતિઓનું સિંહાવલોકી (Retrospective) પ્રદર્શન અમદાવાદમાં યોજાયેલું. રાષ્ટ્રીય લલિત કલા અકાદમીનું રાષ્ટ્રીય સન્માન તેમને મળેલું છે. અમદાવાદના રમણીક ભાવસાર, માનસિંહ છારા, નટવર ભાવસાર, બાળકૃષ્ણ પટેલ, ભંવરસિંહ પંવાર, અમૃત પટેલ, ભાનુ શાહ જેવા ચિત્રકારો સાગરામાંથી પ્રેરણા લેતા રહ્યા છે. 2007માં સાગરાને કેન્દ્ર સરકાર તરફથી ‘કલારત્ન’ ઍવૉર્ડ મળ્યો છે.

અમિતાભ મડિયા