સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી.
બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અને કેટલાંક સીમાચિહ્નરૂપ ચિત્રો બનાવનાર દેવકી બોઝના આ ચિત્રમાં આચરણની શુદ્ધિ અને અશુદ્ધિ તથા નૈતિકતા અને અનૈતિકતા સંજોગોનો શિકાર બનેલા માણસ માટે કેવાં અર્થહીન બની રહે છે તે નિરૂપાયું છે. અંતે તો આચરણથી અત્યંત શુદ્ધ સ્ત્રી જ એક માની લીધેલી અશુદ્ધ સ્ત્રીની પીડા સમજી શકે છે. પરંપરાગત બ્રાહ્મણ પરિવારની એક સંતાનહીન વિધવા પોતાના ગામમાં માન અને આબરૂભેર રહે છે. એક વાર તે ગંગાસાગરની જાત્રાએ જાય છે ત્યારે એક હોડીમાં તેણે કેટલીક વેશ્યાઓ સાથે મુસાફરી કરવી પડે છે. એ સ્ત્રીઓ પૈકી એક યુવતીની ઉચ્છૃંખલતા તેને ક્ષુબ્ધ કરી દે છે. તેના બ્રાહ્મણ મસ્તિષ્કમાં પવિત્રતા અને અશુદ્ધતાનો સંઘર્ષ શરૂ થઈ જાય છે. તે પોતાના આવા વિચારોમાં ખોવાયેલી હોય છે ત્યાં જ એક મોટી હોડી સાથે તેમની હોડી ટકરાઈને ઊંધી વળી જાય છે. બ્રાહ્મણ વિધવા તથા વેશ્યા યુવતી એક જ લાકડાના પાટિયાને સહારે પોતાનો જીવ બચાવે છે. બાકી તમામ ડૂબી જાય છે. હવે વેશ્યા યુવતી બતાશીનો બ્રાહ્મણ વિધવા સિવાય કોઈ સહારો નથી રહેતો. બ્રાહ્મણ સ્ત્રી તો બતાશીને પોતાની સાથે રાખવાના વિચારે જ ખળભળી ઊઠે છે. તે બતાશીને પોલીસને સોંપી દેવાનો નિર્ણય કરે છે, પણ ધીમે ધીમે બંને વચ્ચે લાગણીના તાર બંધાય છે. બ્રાહ્મણ સ્ત્રી તેને પોતાના મૃત પતિના નામનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે, પણ ત્યાં સુધીમાં ન્યુમોનિયાનો શિકાર બની ચૂકેલી બતાશી પોતાના આ ચરમ સુખની ક્ષણે જ હંમેશ માટે આંખો મીંચી જાય છે. આ ચિત્રને 1958માં શ્રેષ્ઠ ચિત્રનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું હતું.
હરસુખ થાનકી