સાગર, રામાનંદ

January, 2008

સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું. પિતા દીનાનાથ ચોપરા સાહિત્યસર્જક હતા અને તેથી બાળપણથી જ રામાનંદ પર સાહિત્યસર્જનના સંસ્કાર પડેલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લાહોર ખાતે તથા ઉચ્ચ શિક્ષણ શ્રીનગરની કૉલેજમાં. સંસ્કૃત વિષય સાથે દેશના ભાગલા પૂર્વેની તત્કાલીન પંજાબ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી અને તેમાં સુવર્ણચંદ્રક ઉપરાંત પર્શિયન વિષયમાં સર્વાધિક ગુણ મેળવી ‘મુનશી ફઝલ’ પદવી હાંસલ કરી હતી. દહેજપ્રથાનો વિરોધ કરવાના કારણસર તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભરણપોષણના સાધન તરીકે પટાવાળા, ટ્રક-ક્લીનર, સાબુના વિક્રેતા જેવાં ઘણાં હલકાં કામો કર્યાં. રાત્રીના સમયમાં ભણતર ચાલુ રાખ્યું. 1942માં તેમના પર હૃદયરોગનો હુમલો થયો, જેને લીધે બે-ત્રણ વર્ષ સુધી હૉસ્પિટલમાં સારવાર લેવી પડી. અત્યંત કપરી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં હિંમતપૂર્વક સ્વમાનભેર જીવન જીવ્યા. આ જ સમયમાં ‘ડાયરી ઑવ્ અ ટી.બી. પેશન્ટ’ નામે સર્જનકથા લખી, જે હપતાવાર ‘અદબ-એ-મશરિક’ નામના તત્કાલીન જાણીતા સામયિકમાં ક્રમશ: પ્રકાશિત થઈ. આ તેમની પ્રથમ દીર્ઘ કૃતિ ખૂબ લોકપ્રિય નીવડી. તે જમાનાના હિંદીના અગ્રણી સાહિત્યકાર કિશનચંદરે પણ તેમનાં વખાણ કર્યાં હતાં. તે પૂર્વે શ્રીનગરની પ્રતાપ કૉલેજના વાર્ષિક સામયિકમાં સોળ વર્ષની ઉંમરે ‘પ્રીતમ પ્રતીક્ષા’ શીર્ષક હેઠળની વાર્તા પ્રકાશિત થઈ હતી, જેનો સાહિત્યિક દરજ્જો એટલો બધો ઉચ્ચ કક્ષાનો હતો કે મૅગેઝિનના તંત્રીના મનમાં એક સોળ વર્ષનો યુવાન આવી કૃતિ લખી શકે કે કેમ તે અંગે શંકા ઉત્પન્ન થઈ, જે વ્યક્ત કરવા માટે તંત્રીએ છાપેલા લેખને અંતે તેના સંદર્ભમાં એક પાદટીપ પ્રકાશિત કરી હતી.

રામાનંદ સાગર

ભણતર પૂરું થયા બાદ તેઓ શરૂઆતમાં ‘દૈનિક પ્રતાપ’માં અને ત્યારબાદ ‘દૈનિક મિલાપ’માં જોડાયા હતા (1936-42). સાથોસાથ તે અરસામાં 32 જેટલી વાર્તાઓ અને બે નાટ્યકૃતિઓનું સર્જન કર્યું હતું, જે તે જમાનામાં સામયિકોમાં યથાસમય ‘રામાનંદ ચોપરા’, ‘રામાનંદ બેદી’, ‘રામાનંદ કાશ્મીરી’, ‘રામાનંદ સાગર’ જેવાં તખલ્લુસોથી પ્રસિદ્ધ થઈ હતી. 1943-49ના ગાળામાં તેમની જે કૃતિઓ પ્રકાશિત થઈ તેમાં ‘જવારભાટા’ (1943), ‘આઈને’ (1944) તથા ‘જબ પહેલે રોજ બરફ ગીરી’ (1944), ‘મેરા હમદમ મેરા દોસ્ત’ (1945) અને ‘ફૂલ ઔર કાંટે’ (1949) વાર્તાઓ તથા ‘ગૌરા’ નાટ્યકૃતિ(1948)નો મુખ્યત્વે સમાવેશ થયો હતો. 1948-51ના ગાળામાં તેમની ‘ગૌરા’ નાટ્યકૃતિના ઘણા પ્રયોગો રંગમંચ પર રજૂ થયા હતા. વિખ્યાત અભિનેતા-નિર્દેશક-નિર્માતા પૃથ્વીરાજ કપૂરે આ નાટ્યકૃતિના પ્રયોગો પૃથ્વી થિયેટર્સના નેજા હેઠળ ‘કલાકાર’ શીર્ષક હેઠળ રંગમંચ પર રજૂ કર્યા હતા (1949-51). આ રીતે 1933-48નો પંદર વર્ષનો ગાળો રામાનંદે સાહિત્યસર્જનમાં વિતાવ્યો હતો અને હિંદી તથા ઉર્દૂ ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યસર્જકોમાં રામાનંદ સાગરની ગણના થવા લાગી હતી.

1947માં દેશના ભાગલા પડ્યા ત્યારે રામાનંદના વતનનો પ્રદેશ પાકિસ્તાનનો ભાગ બન્યો, જેને લીધે તેમને તેમના પરિવાર સાથે ભારતમાં હિજરત કરવી પડી. તેઓ ભારત આવ્યા ત્યારે તેમની પાસે માત્ર પાંચ આના જેટલી રકમ અને તેમનાં લખાણોની હસ્તપ્રતો ધરાવતો એક પટારો હતાં. તે વખતની અત્યંત કપરી પરિસ્થિતિમાં પણ તેમણે તેમની સાહિત્યસર્જનની પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 1948માં તેમની નવલકથા ‘ઔર ઇન્સાન મર ગયા’ પ્રકાશિત થઈ, જે અત્યંત લોકપ્રિય બનેલી. ઉપર્યુક્ત નવલકથા દેશના ભાગલા વખતે ભારતીય ઉપખંડમાં સર્જાયેલા અત્યંત અમાનુષ અને કમકમાટી ઉપજાવે તેવા બનાવો પર આધારિત છે. હિંદી તથા ઉર્દૂ સાહિત્યવિશ્વમાં એક વિચક્ષણ કૃતિ તરીકે તેણે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દેશવિદેશની અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. તેનો અંગ્રેજી ભાષામાં થયેલ અનુવાદ ‘ઍન્ડ હ્યુમૅનિટી ડાઇડ’ શીર્ષક હેઠળ 198788ના અરસામાં પ્રકાશિત થયો છે.

રામાનંદ સાગરની રૂપેરી પડદા પરની પ્રદીર્ઘ કારકિર્દીની શરૂઆત 1936માં ‘રેડર્સ ઑવ્ ધ રેલરોડ’ નામની એક મૂક ફિલ્મ દ્વારા થઈ હતી. 1940-41ના અરસામાં પુણે ખાતેના શાલિમાર સ્ટુડિયોએ તેમને ‘કોયલ’ નામની પ્રાયોજિત ફિલ્મમાં નાયકની ભૂમિકા માટે તથા તેમની જ ‘કૃષ્ણ’ ફિલ્મમાં અભિમન્યુના પાત્ર માટે પસંદગી કરી હતી. ‘કૃષ્ણ’ ચલચિત્ર અધૂરું જ રહી ગયું હતું. 1942-43ના અરસામાં વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક મેહબૂબ ખાન તથા હિંદીના લેખક કૃષ્ણચંદરે તેમને મુંબઈ આવીને વસવાટ કરવાનું આમંત્રણ પાઠવ્યું; પરંતુ તેઓ છેક 1947માં તેના પર અમલ કરી શક્યા હતા. વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા રાજકપૂરે રામાનંદને આર. કે. ફિલ્મના નેજા હેઠળની ‘બરસાત’ (1949-50) ફિલ્મની કથા અને પટકથા લખવાનું આમંત્રણ પાઠવ્યું, જે તેમણે સ્વીકાર્યું. આ ફિલ્મ રૂપેરી પડદા પર અપાર ચાહના મેળવી શકી, જેને લીધે રામાનંદ સાગર પણ ફિલ્મક્ષેત્રે પ્રસ્થાપિત થયા. 1951માં રામાનંદ સાગરે પોતાની સ્વતંત્ર નિર્માણસંસ્થા ‘સાગર આર્ટ્સની સ્થાપના કરી, જેના નેજા હેઠળ તેમણે 1951-85ના ગાળામાં આશરે 50 ચલચિત્રો નિર્માણ કર્યાં જેમાં નોંધપાત્ર હતાં : ‘મહેમાન’ (1953), ‘બાજુબંધ’ (1954), ‘પૈગામ’ (1957), ‘ઘૂંઘટ’ (1958), ‘ઝિંદગી’ (1964), ‘આરઝૂ’ (1965), ‘આંખે’ (1968), ‘ગીત’ (1970), ‘લલકાર’ (1972), ‘જલતે બદન’ (1973), ‘હમ રાહી’ (1974), ‘રામભરોસે’ (1977), ‘પ્રેમબંધન’ (1978), ‘ચરસ’ (1979), ‘હમ તેરે આશિક હૈ’ (1980), ‘પ્યારા દુશ્મન’ (1981), ‘ભાગવત’ (1982), ‘રોમાન્સ’ (1983) અને ‘સલમા’ (1985). આ હિંદી ચલચિત્રો ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’ પણ આપી. તેમના દ્વારા નિર્મિત છ ચલચિત્રોએ રૂપેરી પડદા પર રજત જયંતી અને ‘આંખે’ ચલચિત્રે સુવર્ણ જયંતી ઊજવી હતી. તેમના દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત ત્રણ ફિલ્મોને ફિલ્મ ફેર ઍવૉર્ડ એનાયત થયા હતા : આ ઍવૉર્ડ સર્વોત્તમ દિગ્દર્શન માટે ‘પૈગામ’(1957)ને, સર્વોત્તમ કથા માટે ‘બહુબેટી’-(1964)ને તથા સર્વોત્કૃષ્ટ સંવાદલેખન માટે ‘આંખે’(1968)ને મળ્યા હતા.

દક્ષિણ ભારતના ચલચિત્રનિર્માતા એસ. એસ. વાસનનાં ‘ઇન્સાનિયત’ (1955), ‘રાજતિલક’ (1958) અને ‘પૈગામ’ (1959) – આ ત્રણ ચલચિત્રો સાથે રામાનંદ સાગર પટકથા-સંવાદના લેખક તરીકે તથા ‘ઘૂંઘટ’ (1958) અને ‘ઝિંદગી’ (1964)  આ બે ચલચિત્રો સાથે દિગ્દર્શકની રૂએ સંકળાયેલા હતા.

રામાનંદ સાગરની સર્જકતા દૂરદર્શન પર સળંગ 71 હપતામાં પ્રદર્શિત થયેલી દૃશ્ય-શ્રાવ્ય શ્રેણી ‘રામાયણ’ દ્વારા સોળે કળાએ પ્રગટી હતી (1986-88). સમગ્ર ભારતમાં જાતપાતના કે ધર્મના ભેદભાવ વિના અને કેટલાક કિસ્સાઓમાં તો વિદેશમાં નિવાસ કરતા કરોડો લોકોએ આ શ્રેણી નિયમિત નિહાળી હતી, જાણે કે આ શ્રેણી જોવાના ‘વ્યસન’ને તેઓ અધીન થઈ ન ગયા હોય ! જે સમયે આ શ્રેણી દૂરદર્શનના નાના પડદા પર પ્રદર્શિત થતી હતી તે સમયે દેશનો અન્ય સમગ્ર વ્યવહાર થંભી જતો હતો; એટલું જ નહિ, પરંતુ લગ્નમાં હસ્તમેળાપનો સમય આગળ-પાછળ ગોઠવાતો, ખ્રિસ્તી દેવળોમાં પ્રાર્થનાના સમયમાં ફેરફાર કરવામાં આવતો, જાહેર સભાઓ કે પરિષદોના સ્થળે પણ આ શ્રેણીના પ્રદર્શનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવતી ! એક પ્રમાણભૂત મોજણી મુજબ ભારતની કુલ વસ્તીના 78 % લોકોએ આ શ્રેણી નિયમિત રીતે નિહાળી હતી અને વર્ષ 2003 સુધી તેના પ્રેક્ષકોની કુલ સંખ્યા લગભગ 65 કરોડનો આંકડો વટાવી ગઈ હતી. અન્ય દૂરદર્શન શ્રેણીઓની તુલનામાં આ શ્રેણીએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માત્ર બી. આર. ચોપરા દ્વારા નિર્મિત ‘મહાભારત’ શ્રેણીએ ‘રામાયણ’ શ્રેણી સાથે સશક્ત હરીફાઈ કરી હતી.

‘રામાયણ’ શ્રેણી ઉપરાંત રામાનંદ સાગરે બીજી જે દૂરદર્શન-શ્રેણીઓનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું તેમાં ‘શ્રીકૃષ્ણ’, ‘જય ગંગામૈયા’, ‘જય મહાલક્ષ્મી’, ‘વિક્રમ વેતાળ’, ‘દાદા-દાદી કી કહાનિયાં’, ‘અલીફ-લયલા’, ‘ગુરુકુલ’, ‘આંખે’ અને તેમના અવસાનને કારણે અધૂરી રહી ગયેલી ‘સાંઈબાબા’નો સમાવેશ થાય છે.

વર્ષ 1979માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ-મહોત્સવમાં ભાગ લેવા માટે મોકલવાની ભારતીય ફિલ્મોની પસંદગી સમિતિના રામાનંદ સાગર ચૅરપર્સન હતા. વર્ષ 1982-83 માટે ફિલ્મ પ્રોડ્યુસર્સ ગિલ્ડના પ્રમુખપદે તથા ઑલ ઇન્ડિયા ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલના ઉપપ્રમુખપદે તેમની વરણી થઈ હતી. 1982માં પુણે વિદ્યાપીઠના સેનેટના સભ્યપદે તેઓ ચૂંટાયા હતા.

તેમની શકવર્તી કારકિર્દી ધ્યાનમાં લઈ તેમને વર્ષ 1978માં ‘ઉદ્યોગપત્ર’ તથા ‘તામ્રપત્ર’ એનાયત થયાં હતાં. વળી વર્ષ 2001માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’થી નવાજ્યા હતા. ભારતની એક યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટની માનદ પદવી પણ અર્પણ કરી હતી.

1945-47 દરમિયાન રામાનંદ સાગરે આઝાદીની ઝુંબેશમાં સક્રિય ભાગ લીધો હતો. આ હકીકત પણ નોંધપાત્ર છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે