સાગરા, ઈશ્વર

January, 2008

સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું.

ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર

કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન અને હૂંફ સાંપડ્યાં.

ભારતીય-હિન્દુ પ્રણાલિકાનાં પ્રતીકોને  અવનવી રીતે પ્રયોજીને ઈશ્વર આધુનિક ચિત્ર સર્જે છે. બિહામણા-ડરામણા દેખાતા લાંબી રૂક્ષ દાઢી ધારણ કરનારા સાધુબાવા, રાજસ્થાનની ખડતલ મહિલાઓ યોનિપાત્રમાં ખોડાયેલ વિશાળ ટટ્ટાર લિંગ, ફેણ ફેલાવેલ નાગ, મંદિરના થાંભલા, પંખાળો સૂરજ, અડીખમ આખલા, પાટલા ઘો, હથેળી અને પગના પંજાની છાપ જેવી આકૃતિઓનાં સંયોજનોથી તેઓ ઍબ્સર્ડ પ્રકારનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા છે. આ સ્વપ્નિલ ચિત્રો પરાવાસ્તવવાદ અને અભિવ્યક્તિવાદની સીમાઓને સ્પર્શતાં જણાય છે. તેમણે આ પ્રકારનાં પ્રતીકોના આલેખન વડે ધાતુ અને પથ્થરમાંથી શિલ્પો પણ કંડાર્યાં છે. કેન્દ્રની રાષ્ટ્રીય લલિતકલા અકાદમીએ રાષ્ટ્રીય ખિતાબ વડે તેમનું સન્માન કર્યું છે.

અમિતાભ મડિયા