સાખી : દોહા કે અન્ય માત્રિક છંદનાં બે ચરણ ધરાવતો, ભજનના આરંભમાં કે કથાત્મક દીર્ઘ વા મધ્યમ કદની સમૂહગેય રચનામાં વિલંબિત લયમાં ગવાતો ઢાળ.
‘સાખી’ શબ્દના મૂળમાં સંસ્કૃત ‘સાક્ષી’ શબ્દ છે. જ્યારે કોઈ વાતને સત્ય અને શ્રદ્ધેય ઠરાવવાની થાય ત્યારે તેમાં મુખ્ય બે પક્ષમાંથી એકેયના પક્ષમાં ન ગણાય એવા તટસ્થ ત્રીજા પક્ષની સાક્ષી લેવામાં આવે છે. સાહિત્યની મુખ્યત્વે પદ્યાત્મક હોય એવી રચનામાં પણ આ રીતે કોઈ ભાવ કે વિચારનું દૃઢીકરણ કરવા માટે કર્તા પોતાની રચનામાં પોતાનું અથવા અન્યનું રચેલું પદ મૂકે છે ત્યારે તે બે ચરણના દુહાના કુળના સ્વતંત્ર ને ઉપયોગી લટકણિયા જેવા પદને પણ ‘સાક્ષી’ એટલે કે ‘સાખી’ કહેવામાં આવે છે.
પ્રાચીન તેમજ મધ્યકાળમાં મોટી કે મધ્યમ કદની, સંસ્કૃત કે ગુજરાતીમાં લખાયેલી પદ્યકૃતિઓમાં, પદ્યકથા આદિમાં પણ પોતે સ્થાપેલા કોઈ મત કે વ્યક્ત કરેલા વિચારને અનુમોદન આપવા માટે ‘ઉક્તમ્ ચ’ અથવા ‘કહેવાયું છે કે’ લખીને દૃષ્ટાંતરૂપ પદ્ય ટાંકવામાં આવતાં હતાં. આવાં દૃષ્ટાંતરૂપ ને મૂળ વાતને અનુમોદન આપી પુષ્ટ કરતા પદ્યને ‘સાક્ષી-શ્ર્લોક’ કહેવામાં આવે છે. કર્તાને બદલે ક્યારેક હસ્તપ્રત ઉતારનારા વિદગ્ધ લહિયાઓ પણ, મૂળ કૃતિપાઠમાં આવા સાક્ષી-શ્ર્લોક ઉમેરતા હતા.
સાખી, સંતવાણી-ભજનનો પણ એક પ્રકાર મનાય છે અને તે તાલબદ્ધ ભજન ગવાય તેના આરંભે પૂર્વરંગ રૂપે ગવાય છે. ભજનની બેઠકમાં શરૂઆતમાં જ્ઞાન, ભક્તિ કે વૈરાગ્યની સાખીઓ ગાવામાં આવે છે. ભજનની વાણી દ્વારા જે કહેવાનું અને અનુભવવાનું હોય છે તેની પૂર્વભૂમિકા આવી સાખીઓ બાંધે છે અને આધ્યાત્મિક વિશ્વનું વાતાવરણ રચી આપે છે તેમજ ગાનાર-સાંભળનારને વિશિષ્ટ મનોભાવમાં લાવવામાં સહાયક બને છે. ગુજરાતની સંતવાણીમાં આરંભે કબીરની તથા અન્યની સાખીઓ ગાવામાં આવે છે. ક્યારેક ઉર્દૂ મિશ્રિત હિંદી ભાષામાં સૂફી મનોદશા અને મસ્તી પણ વ્યક્ત થાય છે. આ સંદર્ભે ગવાતી સાખીઓમાં તત્ત્વબોધ હોય, અગમ-આગમ કે અવળવાણી પણ હોય, આત્મા અને પરમાત્માના સંબંધની વાત હોય તેમજ વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ, શ્રવણ, મનન, નિદિધ્યાસનનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવ્યું હોય છે. આવી સાખી જ મર્મને સ્પર્શી ગાનાર-સાંભળનારને ઢંઢોળે છે અને આધ્યાત્મિક ભાવાનુભૂતિમાં લાવી મૂકે છે. સાખીનું સ્થાન સંતવાણીમાં આમ નાટકના પૂર્વરંગ જેવું – નાંદી જેવું છે. આવી સાખીમાં મુખ્યત્વે દોહાનો ઉપયોગ થાય છે.
એક બીજી પરંપરા નવરાત્રિ જેવા પર્વ નિમિત્તે ગરબા-ગરબીની પદ્ધતિએ ‘હૂંડી’, ‘મામેરું’ જેવી દીર્ઘ કે મધ્યમ કદની રચનાઓ ગાવાની છે. આવી રચનામાં સમૂહગાન અને નૃત્ય દ્રુતવેગી અને જોમવાળાં હોય છે. આવી રચના સતત દ્રુત ગતિએ ગવાય તો થાક લાગે અને એકધારો ઢાળ સતત ગવાતાં કંટાળાજનક પણ બને. આવું ન થાય એ માટે આવી રચનાઓમાં પણ વચ્ચે-વચ્ચે સાખી આવે છે, જે વર્તુળાકારે ઊભાં રહીને કેવળ ઝીલવાની હોય છે અને મૂળ ગવાતા ઢાળ કરતાં જુદા જ ઢાળમાં હોય છે તથા મૂળ દ્રુત લયના બદલે વિલંબિત લયમાં હોય છે. આથી સાખી આવે ત્યારે દ્રુતગતિના ગરબામાં વચ્ચે થાક ખાઈ શકાય છે અને એના ગાનનો ઢાળ મૂળ કૃતિના મુખ્ય ઢાળ કરતાં જુદો અને લય વિલંબિત હોવાથી એકધારાપણું પણ તૂટે છે. આવી સાખી પૂરી થાય છે ત્યારે વળી એનો અંતભાગ ગવાતી રચનાની ટેક સાથે જોડાઈ જાય છે અને વેગ તથા જુસ્સાથી ગરબો ચગે છે. કથામાં સામાન્ય રીતે ભાવાલેખન દુહામાં અને વાર્તાને જોડતી કડી જેવો વર્ણનાત્મક ભાગ ચોપાઈમાં હોય છે. આ ક્રમ ગવાતી રચનામાં બદલાય છે અને તેમાં કડીરૂપ વર્ણનાત્મક અંશ સાખીના દુહામાં નિરૂપવામાં આવે છે.
ભવાયા-તરગાળા અને અન્ય મનોરંજન કરનારા વ્યાવસાયિકો દ્વારા પ્રેમની મસ્તી અને અવૈધ પ્રેમના ઉપહાસની કેટલીક રચનાઓ ગવાય છે જેને ‘નેડો’ કે ‘સનેડો’ કહેવામાં આવે છે. આવી રચનાઓમાં પણ મસ્તી અને ઉપહાસની કથામાં વચ્ચે સાખી ગવાય છે. એ પણ મૂળ ગવાતા ઢાળથી જુદી અને વિલંબિત લય ધરાવે છે. એમાં પણ સાખીનો અંતભાગ જ્યારે મૂળ ગીતના મુખડા સાથે જોડાય છે ત્યારે ઢાળ અને ગતિ બંને બદલાય છે, જે રસની જમાવટ કરે છે.
સાખીનો ઉપયોગ ગુજરાતી રંગભૂમિનાં નાટકોનાં ગીતોમાં પણ, બેતબાજીની જેમ થતો હતો.
આમ, સાખી વિવિધ સંદર્ભે ગવાય છે પરંતુ બધે જ એનું ગાન અમુક નિશ્ચિત ઢાળમાં, વિલંબિત લયમાં જ થાય છે. શાસ્ત્રીય સંગીતમાં જેમ આરંભે આલાપ લેવાય તે લયમાં હોય, પરંતુ નિશ્ચિત માત્રિક સંખ્યાના આવર્તનવાળા તાલમાં નથી હોતા, તેવું જ સાખીમાં છે. વળી, ગુજરાતના મોટાભાગના પ્રાદેશિક ગાનમાં એનો ઢાળ પણ સુનિશ્ચિત અને સરખો હોય છે. આ દૃષ્ટિએ સાખી જેમ દુહામાંથી જન્મેલો માત્રિક છંદપ્રકાર છે, સંતવાણી-ભજનનાં પૂર્વાંગે ગવાતું એક સ્વરૂપ form છે તેમ ગાનસંદર્ભે અનિબદ્ધ લયાત્મક વિલંબિત ગાનનો પ્રકાર પણ છે.
આ સાખીની યોજનાનો લાભ પ્રશિષ્ટ કવિઓએ પણ લીધો છે અને ન્હાનાલાલ જેવા કવિઓ સાખી માટે અક્ષરમેળ છંદોનોયે વિનિયોગ કરતા હોય એવાં ઉદાહરણો છે. સાખી ગુજરાતી પિંગળનું એક લાક્ષણિક અંગ છે જ.
હસુ યાજ્ઞિક