સાગ

January, 2007

સાગ

દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tectona grandis Linn. F. (સં. દ્વારદારુ, સ્થિરસાર; હિં. સાગૌન, સાગબાન; મ. સાગ, સાયા; બં. શેગુન; ક. જાડી, સાગવાની, ટેગા, ત્યાગડમરા; તે. અદાવીટીકુ, પેડ્ડાટીકુ, ટીકુ; ત. ટેકકુમાર, ટેક્કુ; મલા. થેક્કુ, ટેક્કા; અં. ટીક) છે. ટેક્ટોના પ્રજાતિનું વિતરણ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે અને અન્ય પ્રદેશોમાં પ્રવેશ કરાવાયો છે. તેની બે જાતિઓ ભારતમાં અને એક ફિલિપાઇન્સના દ્વીપોમાં થાય છે. સાગ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલૅંડના પશ્ચિમના ભાગોનાં વનોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતમાં દ્વીપકલ્પીય (peninsular) ભારત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ-ઉત્તર પ્રદેશ અને ઓરિસામાં થાય છે. કેરળ, તામિલનાડુ અને કર્ણાટકનાં વનોમાં ઘણી જગાએ સાગનાં કદાવર વૃક્ષો જોવા મળે છે. તે ગોળાકાર પર્ણમુકુટ અને આવાસ મુજબ વિવિધ કદ ધરાવે છે. અનુકૂળ સ્થળોએ તે વિશાળ કદનું હોય છે અને ઊંચું સ્પષ્ટ નળાકાર મોટા ઘેરાવાવાળું થડ ધરાવે છે. ઉંમર વધતાં પ્રકાંડ ખાંચવાળું બને છે અને તલપ્રદેશે આધારમૂલ (buttressed) જોવા મળે છે. ઉપશાખાઓ ચોરસ અને ઊંડી ખાંચવાળી હોય છે. છાલ રેસાયુક્ત, આછી બદામી કે ભૂખરી, 4 મિમી.18 મિમી. જાડી હોય છે અને તેનું અપશલ્કના (exfoliation) લાંબી પટ્ટીઓમાં થાય છે. પર્ણો સાદાં, સંમુખ, પહોળાં, ઉપવલયી (elliptical) કે પ્રતિઅંડાકાર (obovate), 30 સેમી.60 સેમી. x 20 સેમી. – 30 સેમી., ચર્મિલ, ઉપરની સપાટી ખરબચડી, નીચેની સપાટી તારાકાર, ભૂખરી, ઘનરોમિલ (tomentose) હોય છે અને રાતાં ટપકાં જેવી ગ્રંથિઓ ધરાવે છે; જે કાળી બને છે. પર્ણો ક્રમશ: નાનાં બનતાં જાય છે અને પુષ્પવિન્યાસમાં નિપત્ર (bract) જેવાં બને છે. ઝાડી(coppice)ના પ્રરોહોમાં અને નાના છોડમાં ઘણી વાર પર્ણો વધારે મોટાં હોય છે.

આકૃતિ 1 : સાગનું વૃક્ષ

પુષ્પો નાનાં, સફેદ, મીઠી સુવાસવાળાં, અસંખ્ય, 45 સેમી. – 90 સેમી. લાંબા અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ સખત, કાષ્ઠમય, અનિયમિત-ગોળાકાર, ટોચેથી અણીદાર, 10 મિમી. – 15 મિમી. વ્યાસવાળાં, ચતુષ્કોટરીય અને આછી બદામી કોથળી જેવા વજ્ર (calyx) વડે ઘેરાયેલાં હોય છે. ફળમાં 1-3 બીજ (ભાગ્યે જ 4) હોય છે. બીજ સફેદ આરસ જેવાં, અંડાકાર અને 4 મિમી. – 8 મિમી. લાંબાં હોય છે.

શુષ્ક સંજોગોમાં અને ઋતુઓમાં પર્ણો નવેમ્બરથી જાન્યુઆરીમાં ખરી પડે છે, જ્યારે ભેજવાળાં સ્થળોએ પર્ણો માર્ચ સુધી કે તે પછી પણ ટકે છે. વૃક્ષો ગરમ ઋતુના મોટાભાગનો સમય પર્ણરહિત રહે છે. નવાં પર્ણો એપ્રિલથી જૂન દરમિયાન ઉત્પન્ન થાય છે. ભેજવાળી ઋતુમાં તેઓ ઝડપથી ફૂટે છે. પુષ્પનિર્માણ જૂનથી ઑગસ્ટ કે સપ્ટેમ્બર દરમિયાન થાય છે; પરંતુ, અસાધારણ ભેજવાળી સ્થિતિમાં પર્ણોની જેમ એપ્રિલમાં પુષ્પનિર્માણ થાય છે. ફળ નવેમ્બરથી જાન્યુઆરીમાં પરિપક્વ બને છે અને ક્રમશ: ફળપતન થાય છે. સંગ્રહ માટે અડધી કોથળીમાં ફળ ભરી ઝડપથી ઘસવામાં અને હલાવવામાં આવે છે, જેથી વજ્ર નીકળી જાય. ફળમાંથી વજ્રના અવશેષો દૂર કરવા ઊપણવામાં આવે છે. કાષ્ઠફળો(nuts)ના વજનમાં ખૂબ તફાવત હોય છે. ફળની સંખ્યા 2000-3000/કિગ્રા. જેટલી હોય છે.

સાગ ઝડપથી વિકાસ પામતું (ઘેરાવામાં સરેરાશ વાર્ષિક વધારો 5 cms જેટલો) વૃક્ષ છે. તેની કુદરતી મર્યાદાઓની બહાર; જેમ કે, આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, આંદામાન અને નિકોબાર જેવા વિસ્તારોમાં તેનું વાવેતર કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં સાલને બદલે સાગ ઉગાડવાનું વલણ જણાય છે; કારણ કે સાગનો ઉછેર સાલ કરતાં પ્રમાણમાં સસ્તો છે અને તરુણ સાગની સીધી અને સ્પષ્ટ વૃદ્ધિ વધારાનો લાભ છે, જેથી વહેલાં વિરલનો (thinnings) નફાકારક બને છે.

આકૃતિ 2 : સાગનાં ફળ

ઉદ્ગમક્ષેત્રો (provenances) : વૃદ્ધિની લાક્ષણિકતા, પ્રકાંડ અને પર્ણનાં બાહ્યાકારવિદ્યાકીય (morphological) લક્ષણો અને ઇમારતી કાષ્ઠના ગુણધર્મોને આધારે કેટલાંક ઉદ્ગમસ્થાનો નક્કી કરી શકાય છે. ભારતમાં સાગનાં વનોનાં પાંચ સ્પષ્ટ પારિસ્થિતિક પ્રરૂપો (ecotypes) જોવા મળે છે : અત્યંત શુષ્ક, શુષ્ક, અર્ધશુષ્ક, આર્દ્ર અને અત્યંત આર્દ્ર.

સારણી 1 : સાગનાં વનના પ્રકારો

આબોહવાકીય વિભાગ

સાગનાં વનનો પ્રકાર વાર્ષિક વરસાદ

પુનર્જનન(regeneration)ની સ્થિતિ

1

2 3

4

શુષ્ક વિભાગ (i) અત્યંત શુષ્ક 90 સેમી.થી નીચે ચરાણ (grazing) અને આગને કારણે નૈસર્ગિક પુનર્જનન જવલ્લે જ થાય, સાગની ગુણવત્તા સામાન્યત: નીચલી કક્ષાની, જો કે બાહ્ય સ્વરૂપ સારું.
(ii) શુષ્ક 90 સેમી.થી 130 સેમી. સાગની સામાન્ય ગુણવત્તા ઓછી, પરંતુ સાગ વનમાં વધારે પ્રમાણમાં, 50 %થી માંડી લગભગ શુદ્ધ, કેટલીક વાર ઓછું પ્રમાણ.
સંક્રામી વિભાગ (transitional) (iii) અર્ધ-આર્દ્ર (semimoist) 130 સેમી.થી 165 સેમી. નૈસર્ગિક પુનર્જનન માટેની પરિસ્થિતિ વધારે અનુકૂળ, લક્ષણની દૃષ્ટિએ આ પ્રકારનું વન સંક્રામી હોવાથી અસ્થાયી, આગના પ્રસંગો વધતાં તે સાગના શુષ્ક વનમાં પરિણમે છે. આગ સંરક્ષણનાં વધારે કડક પગલાં લેતાં અનુક્રમણનું વલણ આર્દ્ર પ્રકાર તરફ વળવાનું રહેશે, સાગ 20 % – 60 %.
આર્દ્ર વિભાગ (iv) આર્દ્ર 167 સેમી. – 250 સેમી. આર્દ્ર પ્રકારના સાગના વનમાં આગની આવૃત્તિ (frequency) ઓછી, આ પ્રકારના વનના શુષ્ક છેડા તરફ આવેલી સારા નિતાર-વાળી મૃદા અને અર્ધ-આર્દ્ર પ્રકારની વધારે ભેજવાળી મૃદા નૈસર્ગિક પુનર્જનન માટે ઇષ્ટતમ (optimum) ગણાય છે. નિ:શેષ પાતન (clear felling) પછી ઘણી વાર અસ્તિત્વમાં રહેલ અગ્રિમ વૃદ્ધિ (advance growth) સઘન પાક ઉત્પન્ન કરે છે. વધારે ભારે મૃદામાં અગ્રિમ વૃદ્ધિ જવલ્લે જ થાય છે અને નૈસર્ગિક પુનર્જનન એક સમસ્યા છે. સાગ સામાન્ય રીતે વનના 10 %15 % હોય છે.
(v) અત્યંત આર્દ્ર 250 સેમી.થી વધારે વધારે ભારે વાર્ષિક વરસાદ અને આગની ગેરહાજરીમાં આર્દ્ર પ્રકારના વનના સીમાવર્તી (outlier) વધારે આર્દ્ર વિસ્તારમાં સાગનું અત્યંત આર્દ્ર વન વિકાસ પામે છે. ઇષ્ટતમ કરતાં વધારે ભેજ આગની ગેરહાજરીમાં અર્ધ-સદાહરિત (semi-evergreen) વનસ્પતિ સમૂહનાં ઝાડી-ઝાંખરાં (under-growth)ને પ્રેરે છે, જે બીજના અંકુરણ અને બીજાંકુરના અસ્તિત્વને અવરોધે છે. સાગનું પ્રમાણ 10 % જેટલું.

 

આબોહવાકીય સાગનાં વનનો વાર્ષિક પુનર્જનન(regeneration)ની
વિભાગ પ્રકાર વરસાદ સ્થિતિ
1 2 3 4
શુષ્ક વિભાગ (i) અત્યંત શુષ્ક 90 સેમી.થી નીચે ચરાણ (grazing) અને આગને કારણે નૈસર્ગિક પુનર્જનન જવલ્લે જ થાય, સાગની ગુણવત્તા સામાન્યત: નીચલી કક્ષાની, જો કે બાહ્ય સ્વરૂપ સારું.
(ii) શુષ્ક 90 સેમી.થી 130 સેમી. સાગની સામાન્ય ગુણવત્તા ઓછી, પરંતુ સાગ વનમાં વધારે પ્રમાણમાં, 50 %થી માંડી લગભગ શુદ્ધ, કેટલીક વાર ઓછું પ્રમાણ.
સંક્રામી વિભાગ (transitional) (iii) અર્ધ-આર્દ્ર (semi-moist) 130 સેમી.થી 165 સેમી. નૈસર્ગિક પુનર્જનન માટેની પરિસ્થિતિ વધારે અનુકૂળ, લક્ષણની દૃષ્ટિએ આ પ્રકારનું વન સંક્રામી હોવાથી અસ્થાયી, આગના પ્રસંગો વધતાં તે સાગના શુષ્ક વનમાં પરિણમે છે. આગ-સંરક્ષણનાં વધારે કડક પગલાં લેતાં અનુક્રમણનું વલણ આર્દ્ર પ્રકાર તરફ વળવાનું રહેશે, સાગ 20 % – 60 %.
આર્દ્ર વિભાગ (iv) આર્દ્ર 167 સેમી. – 250 સેમી. આર્દ્ર પ્રકારના સાગના વનમાં આગની આવૃત્તિ (frequency) ઓછી, આ પ્રકારના વનના શુષ્ક છેડા તરફ આવેલી સારા નિતાર-વાળી મૃદા અને અર્ધ-આર્દ્ર પ્રકારની વધારે ભેજવાળી મૃદા નૈસર્ગિક પુનર્જનન માટે ઇષ્ટતમ (optimum) ગણાય છે. નિ:શેષ પાતન (clear felling) પછી ઘણી વાર અસ્તિત્વમાં રહેલ અગ્રિમ વૃદ્ધિ (advance growth) સઘન પાક ઉત્પન્ન કરે છે. વધારે ભારે મૃદામાં અગ્રિમ વૃદ્ધિ જવલ્લે જ થાય છે અને નૈસર્ગિક પુનર્જનન એક સમસ્યા છે. સાગ સામાન્ય રીતે વનના 10 %15 % હોય છે.
(v) અત્યંત આર્દ્ર 250 સેમી.થી વધારે વધારે ભારે વાર્ષિક વરસાદ અને આગની ગેરહાજરીમાં આર્દ્ર પ્રકારના વનના સીમાવર્તી (outlier) વધારે આર્દ્ર વિસ્તારમાં સાગનું અત્યંત આર્દ્ર વન વિકાસ પામે છે. ઇષ્ટતમ કરતાં વધારે ભેજ આગની ગેરહાજરીમાં અર્ધ-સદાહરિત (semi-evergreen) વનસ્પતિ સમૂહનાં ઝાડી-ઝાંખરાં (under-growth)ને પ્રેરે છે, જે બીજના અંકુરણ અને બીજાંકુરના અસ્તિત્વને અવરોધે છે. સાગનું પ્રમાણ 10 % જેટલું.

આબોહવા : પૂરતી ભેજવાળી, ઉષ્ણ (warm) અને ઉષ્ણકટિબંધીય આબોહવામાં સાગ સૌથી સારી રીતે થાય છે અને તેનું સૌથી મોટું કદ પ્રાપ્ત કરે છે. આમ છતાં તે ઉનાળામાં વધારે ગરમ અને શુષ્ક આબોહવા ધરાવતાં શુષ્ક સ્થળોએ પણ થાય છે. પુષ્કળ ભેજવાળા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સદાહરિત જાતિઓ દ્વારા તેનું વિસ્થાપન થાય છે.

સાગ 3-5 માસ શુષ્ક ઋતુવાળા, 125 સેમી.થી 250 સેમી. સામાન્ય વરસાદ ધરાવતા વિસ્તારોમાં ખૂબ સારી રીતે થાય છે; પરંતુ 75 સેમી. વરસાદવાળી જગાઓએ પણ ઊગે છે. જોકે તેવાં સ્થળોએ સાગની વૃદ્ધિ પૂરતી સારી હોતી નથી. તે 500 સેમી. વરસાદવાળા ભારતના પશ્ચિમના દરિયાકિનારાના પ્રદેશમાં થાય છે. આ પ્રદેશોમાં સાગ ભારતીય દ્વીપકલ્પના વધારે શુષ્ક પ્રદેશો કરતાં તુલનામાં વધારે મોટું કદ પ્રાપ્ત કરે છે; આબોહવા વધારે સમધાત હોય છે, છાયાનું મહત્તમ તાપમાન 39° સે. – 44° સે. અને લઘુતમ તાપમાન 13° સે. – 17° સે. હોય છે.

મૃદા : સાગ સહિષ્ણુ (hardy) હોવા છતાં તેની વૃદ્ધિ અને ઇમારતી કાષ્ઠની ગુણવત્તા મૃદાની માત્ર ભૌતિક પ્રકૃતિ પર જ આધારિત નથી, પરંતુ મૃદાની ઊંડાઈ, નિતાર, ભેજનું પ્રમાણ અને ફળદ્રૂપતા પર પણ આધાર રાખે છે. મોટાભાગનાં વન પહાડી પ્રદેશોમાં કે તરંગિત (undulating) ઢાળવાળા વિસ્તારોમાં થાય છે. તે સપાટ, કાંપમય (alluvial) સારા નિતારવાળી ભૂમિ પર પણ થાય છે. જ્યાં મૃદા ઊંડી હોય તેવા પહાડી પ્રદેશના નીચેના ફળદ્રૂપ ઢોળાવમાં તે ખૂબ સારો વિકાસ પામે છે. છીછરી મૃદા અને શુષ્ક પહાડની સાંકડી ધાર પર તેની વૃદ્ધિ કુંઠિત થાય છે.

પ્રયોગોને આધારે એવું માલૂમ પડ્યું છે કે સિલિકા સેસ્ક્વિઑક્સાઇડનો નીચો ગુણોત્તર, નીચો પરિક્ષેપણગુણાંક (dispersion coefficient) અને ખૂબ નીચું કે ખૂબ ઊંચું જલસ્તર (water table) સાગની સારી વૃદ્ધિ માટે પ્રતિકૂળ છે. મૂળતંત્ર ઑક્સિજનની ન્યૂનતા માટે અત્યંત સંવેદી છે. તે જલાક્રાન્તિ (water logging) સામે ટકી શકતું નથી અને તેને સારા પ્રમાણમાં વાયુમિશ્રિત (aerated) મૃદા આવશ્યક છે. સાગનાં વનોની મૃદાનો pH 5.0થી 7.0ની વચ્ચેનો હોય છે. વધારે શુષ્ક સ્થળોએ pH 7.5 સુધી પહોંચે છે. 0.39 %થી વધારે વિનિમયયોગ્ય (exchangeable) કૅલ્શિયમ ધરાવતી મૃદા સાગની વૃદ્ધિ માટે અનુકૂળ છે. 57 મિગ્રા./100 ગ્રા. ફૉસ્ફરસ ધરાવતી મૃદા સાગના સારા નૈસર્ગિક પુનર્જનન માટે જરૂરી છે.

સાગ ફળદ્રૂપ મૃદા પસંદ કરે છે. નાઇટ્રોજનની ન્યૂનતાથી કુંઠિત વૃદ્ધિ, હરિમાહીનતા (chlorosis), અપક્વ વિપત્રણ (defoliation) અને બીજાંકુરોમાં શાખાઓનો અભાવ થાય છે. ફૉસ્ફરસની ન્યૂનતાને લીધે બીજાંકુરોમાં પર્ણકિનારીઓને ઝાળ લાગે છે, હરિમાહીનતા ઉદ્ભવે છે અને અંતે ઉતકક્ષય (necrosis) થાય છે. પર્ણસપાટી કરચલીવાળી બને છે. પ્રરોહની વૃદ્ધિ મર્યાદિત બને છે અને શાખાઓ ઉદ્ભવતી નથી. પોટૅશિયમની ઊણપથી હરિમાહીનતા થાય છે અને પર્ણકિનારીઓને ઝાળ લાગે છે. કુમળાં પર્ણો કરચલીવાળાં બને છે અને પર્ણકિનારી અંદરની તરફ વળી જાય છે. કૅલ્શિયમની ત્રુટિથી તીવ્ર હરિમાહીનતા, પર્ણોનું વિરૂપણ (distortion), અપક્વ વિપત્રણ અને મર્યાદિત શાખાઓ ઉત્પન્ન થાય છે.

સાગના સહચારીઓ (associates) : સાગ સામાન્યત: પર્ણપાતી (deciduous) વનોમાં થાય છે, છતાં કેટલીક વાર સદાહરિત વનોમાં પણ જોવા મળે છે, જે પર્ણપાતીમાંથી સદાહરિત વનનું ક્રમિક અનુક્રમણ દર્શાવે છે. કાંપમય મૃદામાં કેટલીક વાર તેનાં શુદ્ધ વૃંદ (stands) પણ જોવા મળે છે. બધાં જ વનોમાં સાગના જોવા મળતા સહચારીઓ આ પ્રમાણે છે : ખેરબાવળ (Acacia catechu), હલદરવો (Adina cordifolia), ધાવડો (Anogeissus latifolia), ગૂગળ (Boswellia serrata), ચારોળી (Buchanania lanzan), ખાખરો (Butea monosperma), ગરમાળો (Cassia fistula), ભેરિયો (Chloroxylon swietenia), ગરારી (Cleistanthus collinus), સીસમ (Dalbergia latifolia), D. paniculata, ટીમરુ (Diospyros melanoxylon), આમળાં (Emblica officinalis), સેવન (Gmelina arborea), કાક્રિયા (Lagerstroemia parviflora), મવેડી (Lannea coromandelica), મહુડો (Madhuca indica), ધારાકદંબ (Mitragyna parviflora), તણછ (Ougeinia oojeinensis), બીયો (Pterocarpus marsupium), કુસુમ (Schheichera oleosa), મોખો (Schrebera swietenioides), રોહીણ (Soymida febrifuga), બહેડાં (Terminalia bellirica) અને સુરિયા (Xylia xylocarpa). સાગની સાથે જોવા મળતી વાંસની જાતિઓમાં નકોર વાંસ (Dendrocalamus strictus), Ochlandra travancorica, Oxytenanthera ritcheyi અને વાંસ(Bambusa arundinacea)નો સમાવેશ થાય છે. કુંભી (Careya arborea), ધામણ (Greura tilaefolia), અંજન (Hardwickia binata), નાના (Lagerstroemia lanceolata), હૂમ (Miliusa tomentosa), Mimosa spp., ખારસિંગ (Radermachera xylocarpa), મીંઢળ (Randia spp.), શીમળો (Salmalia malabarica = Bombax ceiba), હરડે (Terminalia chebula), સાડરો (T. crenulata), કિંજલ T. paniculata અને Dipterocarpus spp. અન્ય સહચારીઓ છે.

વનસંવર્ધિત (silvicultural) લક્ષણો : સાગ સ્પષ્ટ પ્રકાશાપેક્ષિત (light-demander) છે. તેના યોગ્ય વિકાસ માટે પૂર્ણ પ્રકાશ અને ફરતે પૂરતા પ્રમાણમાં ખુલ્લી જગા જરૂરી છે. સાગની વૃદ્ધિ, શાખન (branching) અને પુષ્પનિર્માણની ક્રિયા સાથે પ્રકાશનો નિશ્ચિતપણે સંબંધ છે. એકલ વૃક્ષ કે કિનારી પર આવેલાં વૃક્ષો વિપુલ પ્રમાણમાં શાખાઓ ધરાવે છે. ગાઢ વનમાં સાગનાં પ્રભાવી અને સહપ્રભાવી વૃક્ષોમાં જ ઉપરના ભાગોમાં જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે, ત્યાં પુષ્પનિર્માણ થાય છે; નીચેના ભાગોમાં પુષ્પનિર્માણ થતું નથી. પ્રકાશના અવરોધથી પુષ્પકલિકાઓનો આરંભ અને ફળવિકાસની ક્રિયા મોડી થાય છે. બીજાંકુરોની વૃદ્ધિ માટે 94 % પ્રકાશની તીવ્રતા જરૂરી છે. તે મૂળના વિકાસની સ્પર્ધાનું સંવેદી છે. સાગ ઊંડા મૂળતંત્રનો વિકાસ કરે છે અને તે વાત-દૃઢ (wind-firm) હોય છે; પરંતુ પવન શાખા-વિકાસને પ્રેરે છે. તેને ઢોર ચરતાં નથી અને કાપણી (cutting), કર્તન (lopping), દહન (burning) અને આગથી થતી ઈજાઓ સામે અન્ય સહચારીઓની તુલનામાં ટકી શકે છે. તેનું ઝાડીવન (coppice) ઝડપથી તૈયાર થાય છે. તેના ઠૂંઠા(pollard)નો વિકાસ પણ ઝડપી હોય છે. સાગ હિમસંવેદી છે. હિમથી તેના બીજાંકુરો અને તરુણ ઝાડીવન-પ્રરોહોને ગંભીર નુકસાન પહોંચે છે. શુષ્કતાથી સાગના તરુણ પાકમાં મૃત્યુપ્રમાણ વધે છે.

નૈસર્ગિક પુનર્જનન : સાગનું કુદરતી રીતે બીજ દ્વારા પ્રજનન થાય છે; પરંતુ નૈસર્ગિક પુનર્જનન આબોહવાકીય અને મૃદીય (edaphic) પરિબળો પર આધાર રાખે છે. લગભગ 20 વર્ષે વૃક્ષ પર ફળાઉ બીજ ઉત્પન્ન થાય છે. ઝાડીવનના પ્રરોહ દ્વારા પરિપક્વ બીજ 10 વર્ષ જેટલા સમયમાં ઉદ્ભવે છે. ત્યારપછી વૃક્ષ દર વર્ષે બીજ ઉત્પન્ન કરે છે.

નૈસર્ગિક પ્રજનન પર અસર કરતાં મુખ્ય પરિબળોમાં (1) બીજનો પ્રસાર, (2) બીજાંકુરણ પર અસર કરતાં પરિબળો અને બીજાંકુરની ઉત્તરજીવિતા (survival) અને વિકાસનો સમાવેશ થાય છે. બીજના સ્થાનાંતર માટેના મુખ્ય વાહક તરીકે પાણી છે અને પૂરની ઋતુમાં ફળો જથ્થાબંધ રીતે કાંપમય સપાટ ભૂમિ પર ઠલવાય છે. પૂરતી ભેજવાળી આબોહવામાં બીજાંકુરણ પર અસર કરતું મુખ્ય પરિબળ તાપમાન છે. તાપમાન અંકુરણની ક્રિયા પ્રેરે છે. ઠંડી અને છાંયાવાળી જગાઓ પર તેનું અંકુરણ મુશ્કેલીથી થાય છે; અથવા ઘણા માસ સુધી સુષુપ્ત રહે છે. બીજાંકુરોની ઉત્તરજીવિતા અને નૈસર્ગિક પ્રજનનના સ્થાપન માટે જવાબદાર પરિબળોમાં પ્રકાશ, મૃદા-વાતન (soil-aeration), મૃદામાં રહેલો ભેજ, અપતૃણ-વૃદ્ધિ, ચરાણ અને આગ છે. આગ જમીન પર પડેલા બીજના બીજાંકુરણને પ્રેરી શકે.

અર્ધ-આર્દ્ર સાગનાં વનોમાં શુષ્ક વનોની તુલનામાં આગના બનાવો ઓછા બને છે, પરંતુ ચરાણ ભારે હોય છે. સામાન્ય રીતે આ પ્રકારનાં ભૂમ્યાવરણ (ground cover) સારાં હોય છે અને નૈસર્ગિક પુનર્જનન પૂરતા પ્રમાણમાં થાય છે. પુનર્જનનની પ્રક્રિયા ધીમી છતાં એકધારી હોય છે. આ વલણ (1) મૃદા પર મિશ્ર વનસ્પતિસમૂહની લાભદાયી અસર, (2) આગસંરક્ષણને કારણે સાગના બીજાંકુરોની ઉત્તરજીવિતા, (3) વાંસની મધ્યમસરની વૃદ્ધિને કારણે અન્ય ઘાસ અને શાકીય વનસ્પતિઓની વૃદ્ધિ થતી અટકે છે, જેના માટે સાગ અસહિષ્ણુ (intolerant) હોય છે, (4) વાંસના મધ્યમ છાંયામાં સાગના બીજાંકુરોનું સ્થાપન, (5) અધ:વિતાનાવરણ(lower canopy level)ને કારણે બીજાંકુરણને શુષ્કતા સામે રક્ષણ, (6) ઢોરો અને આગ દ્વારા સહચારીઓની તુલનામાં સાગના બીજાંકુરોનો નુકસાન સામે વધારે અવરોધ અને (7) જો શિરોપરિ પ્રકાશ ઉપલબ્ધ હોય તો કાપણી પછી સાગના બીજાંકુરોની પુનર્જનનની ક્ષમતાને આભારી છે.

સાગનો ઉછેર સીધેસીધો છે અથવા ધરુવાડિયામાં ઊછરેલા બીજાંકુરોના આરોપણ દ્વારા થઈ શકે છે. બીજાંકુરોનું આરોપણ વધારે પસંદ કરવામાં આવે છે અને આ પદ્ધતિ વધારે પ્રચલિત છે. સખત બીજાવરણને કારણે તેનાં બીજ થોડો સમય સુષુપ્ત રહે છે. એક વર્ષ જૂનાં બીજ દ્વારા તાજાં બીજ કરતાં સારું અંકુરણ થાય છે. શુષ્ક વિસ્તારમાંથી મેળવેલાં બીજ ભેજવાળા વિસ્તારમાંથી મેળવેલાં બીજ કરતાં વધારે દીર્ઘસ્થાયી (persistent) સુષુપ્તતા દર્શાવે છે. વધારે મોટાં બીજ વધારે ટકાવારીમાં અંકુરણ આપે છે.

સખત બીજાવરણને કારણે બીજને પૂર્વ-ચિકિત્સા (pretreatment) આપવામાં આવતાં બીજાંકુરણની ક્રિયા ઝડપી બને છે. પૂર્વ-ચિકિત્સા આપેલાં બીજનું 60 % – 80 % જેટલું બીજાંકુરણ થાય છે. તેની સામાન્ય પદ્ધતિ મુજબ બીજાવરણ નરમ ન બને ત્યાં સુધી બીજને એકાંતરિક રીતે પાણીમાં ભીંજવી સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે. બીજાવરણની સખ્તાઈ પર આધાર રાખીને આ પદ્ધતિ થોડાક દિવસથી માંડી એક માસથી વધારે સમય લે છે.

સ્થાનિક પરિસ્થિતિ મુજબ, બીજ એપ્રિલથી મે દરમિયાન ધરુવાડિયામાં ઉગાડવામાં આવે છે. પ્રમાણિત કદ(12 મી. x 1.2 મી.)ના ક્યારામાં વાવણી માટે જરૂરી બીજનો જથ્થો બીજના ઉદ્ભવ અને સ્થાનિક પરિબળો પર આધાર રાખે છે. કેરળમાં 15 મી. x 1.0 મી.ના ક્યારામાં આશરે 6 કિગ્રા. બીજ (1500-1600 બીજ/કિગ્રા.) વાવવામાં આવતાં 1,000થી 1,500 બીજાંકુરો તૈયાર કરી શકાય છે. મધ્ય પ્રદેશમાં પ્રમાણિત કદના ક્યારામાં 10-12 કિગ્રા. બીજ ઉગાડતાં 800થી 1000 ઠૂંઠાં (stumps) મેળવી શકાય છે. કર્ણાટકના મિશ્ર શુષ્ક પર્ણપાતી વનમાંથી પ્રાપ્ત કરેલાં બીજ (79 કિગ્રા.) પ્રમાણિત કદના ક્યારામાં ઉગાડતાં લગભગ 1,500 બીજાંકુરો ઉદભવે છે. પશ્ચિમ બંગાળમાં 5 કિગ્રા. અને મહારાષ્ટ્રમાં 5-7 કિગ્રા. બીજનો ઉપયોગ પ્રમાણિત કદના ક્યારામાં ઉગાડવા માટે કરવામાં આવે છે.

વધારે ભેજવાળી જગાઓમાં ક્યારાઓ ઊંચા રાખવામાં આવે છે; જ્યારે વધારે શુષ્ક સ્થાનોમાં તેઓ જમીનના સમતલમાં અથવા સહેજ ઊંડા હોય છે. મૃદા ખોદીને ચૂર્ણિત (pulverized) કરવામાં આવે છે અને ભસ્મ (ash) તથા ખાતર સાથે મિશ્ર કરાય છે. સામાન્યત: છૂટી વાવણી કરવામાં આવે છે, પરંતુ કેટલાંક સ્થાનોએ 10 સેમી.ના અંતરે ખરપવામાં આવે છે. વાવણી પછી બીજને 1.0 સેમી.થી 2.5 સેમી. જાડાઈએ મૃદા આવરવામાં આવે છે. ત્યારપછી ઘાસપાતછાદન (mulching) કરવામાં આવે છે. અંકુરણ શરૂ થતાં ઘાસપાતછાદન દૂર કરવામાં આવે છે. ભેજવાળા વિસ્તારમાં પિયત આપવામાં આવતી નથી; જ્યારે શુષ્ક વિસ્તારમાં અંકુરણ અને વૃદ્ધિ ઝડપી કરવા પિયત અપાય છે.

બીજાંકુરની જાડાઈ 1 સેમી.થી 2 સેમી. બને ત્યારે તે ઠૂંઠાં બનાવવા યોગ્ય બને છે. ઠૂંઠાં બનાવતાં પ્રરોહની લંબાઈ 1.5 સેમી. – 5.0 સેમી. અને સોટીમૂળની લંબાઈ 15 સેમી.થી 25 સેમી. જળવાવી જરૂરી છે. પાર્શ્ર્વીય મૂળનું સમાકૃન્તન (trimming) કરવામાં આવે છે. ઊભા બે ભાગમાં ચીરેલાં ઠૂંઠાં સંતોષજનક પરિણામ આપે છે. ક્યારામાં ઠૂંઠાંઓને ઊગવા દેવામાં આવે છે. ઊગેલાં ઠૂંઠાંઓને વરસાદ દરમિયાન રોપવામાં આવે છે. ધરુવાડિયામાં પૉલિથિલિનની કોથળીઓમાં ઠૂંઠાંને ઉગાડવાનું વધારે યોગ્ય છે, જેથી અનુકૂળ આબોહવામાં તેમને સહેલાઈથી વાવી શકાય છે.

અગાઉથી નિ:શેષ પાતન (clear-felling) દ્વારા સ્થાન તૈયાર કરવામાં આવે છે અને ઝાડવાંને બાળી નાખવામાં આવે છે. 1.8 મી. x 1.8 મી.થી 3.7 મી. x 2.7 મી.ની જગા રાખી ખીલા ઠોકવામાં આવે છે, જેથી વાવણીનું સ્થાન નક્કી કરી શકાય. 150 સેમી.ના મધ્યમ વરસાદવાળાં સ્થાનોએ આશરે 2.6 મી. x 2.6 મી.ની જગા રખાય છે. પ્રથમ સારા વરસાદ પછી તરત જ ઠૂંઠાંનું વાવેતર કરવામાં આવે છે. છાણિયું ખાતર, તળાવનો કાંપ (silt) અને ખેતરની માટી 1 : 2 : 4ના પ્રમાણમાં મિશ્ર કરી ખાડાની મૃદા બદલવામાં આવે છે. બીજાંકુરો 15 સેમી.થી 23 સેમી.ની ઊંચાઈએ પહોંચે ત્યારે નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમનું ખાતર આપવામાં આવે છે.

મકાઈ, મરચી, કળથી, અડદ અને રાગી (Eleusine coracana) જેવા પાકોની સાગની વૃદ્ધિ ઉપર કોઈ પ્રતિકૂળ અસર પડતી નથી. આ પાકો સાગની હરોળો વચ્ચે એક કે બે વર્ષ માટે કેટલીક વાર વાવવામાં આવે છે. તેમના દ્વારા અપતૃણનિયંત્રણ થાય છે અને તેઓ વધારાની આવકનો સ્રોત બને છે.

ભારતમાં જોકે સાગનું શુદ્ધ વૃક્ષારોપણ કરવામાં આવે છે, પરંતુ ઓછા કિસ્સાઓમાં તેનું વાંસ, મેહોગની, શીમળો, અરડૂસો, પીળો ચંપો વગેરે સાથે મિશ્ર વૃક્ષારોપણ થાય છે.

સારસંભાળ : બીજાંકુરો અપતૃણોની સામે સ્પર્ધામાં ટકી શકતા નથી. તેથી નિયમિત અપતૃણનાશન (weeding) જરૂરી છે. પ્રથમ વર્ષે ત્રણ વાર, બીજા વર્ષે બે વાર અને ત્રીજા વર્ષે એક વાર અપતૃણનાશન કરવામાં આવે છે. જોકે અપતૃણનાશનની આવૃત્તિ અપતૃણોની ઘનતા (density) પર અવલંબે છે. શરૂઆતની અવસ્થાઓમાં વારંવાર નિર્મલન (clearing) દ્વારા અને પછી અવરોધ ઉત્પન્ન થાય તે પહેલાં વિરલન (thinning) કરવું જોઈએ.

રોગો : Peniophora rhizomorpho-sulphurea નામની ફૂગ દ્વારા મૂળનો સડો થાય છે અને તેથી વૃક્ષ નાશ પામે છે. આ ફૂગ ભૂમિગત તંતુજટા (rhizomorph) ઉત્પન્ન કરે છે અને તેના દ્વારા રોગ ફેલાય છે. Polyporus zonalis મૂળનો અને આધારમૂળનો સડો ઉત્પન્ન કરે છે; જેથી રોગગ્રસ્ત વૃક્ષો પવન દ્વારા પડી જાય છે. ગુજરાત રાજ્યમાં શુષ્ક સાગના ઝાડીવનમાં આશરે 50 % જેટલાં વૃક્ષો P. zonalis અને Fomes lividus દ્વારા અંત:કાષ્ઠ(heartwood)ના સડાને કારણે પોલાં બને છે; જેને અંત:કાષ્ઠનો સડો કહે છે.

Nectria haematococoa દ્વારા પ્રકાંડ પર જલસિક્ત (water soaked) ચાઠાં ઉત્પન્ન થાય છે. તેની સાથે ગુંદર અને ટેનિનનો સ્રાવ થાય છે. ઊભી અને આડી તિરાડો પડે છે અને અંતે રોગિષ્ઠ વનસ્પતિને પશ્ર્ચક્ષય (dieback) થાય છે. Pellicularia salmonicolor (ગુલાબી રોગની ફૂગ) દ્વારા કૅન્કરનો રોગ લાગુ પડે છે. અસરગ્રસ્ત શાખાઓનો કે કેટલીકવાર મુખ્ય પ્રકાંડને ચેપ લાગે તો સમગ્ર વૃક્ષનો નાશ થાય છે. Olivera tectonae (પર્ણ-ગેરુ) અને Uncinula tectonae (ભૂકીછારો) દ્વારા ધરુવાડિયામાં અને વૃક્ષોદ્યાનમાં અપક્વ (premature) વિપત્રણ (defoliation) થાય છે. ઓછું મહત્ત્વ ધરાવતા રોગોમાં પર્ણ-ડાઘ (Cercospora tectonae), ભૂકીછારો (Phyllactiria corylea અને P. gultata) અને બૅક્ટેરિયલ પર્ણ-ડાઘ(Xanthomonas melhusi)નો સમાવેશ થાય છે. સાગના કાષ્ઠ કે શાખાઓ પર ચેપ લગાડતી કેટલીક ફૂગ આ પ્રમાણે છે : Auricalaria polytricha, Chaconia tectonae, Daedatea flavida, Genoderma applanatum, Grammothele effuso-reflexa, Hypomyces haematococcus, Iprex flavus, Lenzites adusta, Phyllostricta tectonae, Polyporus biformis, P. adustus, P. gilvus અને Trametes versatilis.

આવૃતબીજધારી પરોપજીવીઓ (angiospermic parasites) : વાંદો (Dendrophthoe falcata) કુદરતી અને વૃક્ષ-પાકમાં જોવા મળે છે. ચેપગ્રસ્ત શાખાઓનું કર્તન (lopping), વિરલન વખતે ભારે ચેપગ્રસ્ત વૃક્ષોની કાપણી, કૉપરના ક્ષારોનું અંત:ક્ષેપણ, 1 : 1 ડાઇમિથાઇલ 4 : 4 બાઇપાયરીડાયાલિયમનો ઉનાળાની શરૂઆતમાં (જ્યારે વૃક્ષ પર પર્ણો હોતાં નથી) છંટકાવ વગેરે નિયંત્રણપદ્ધતિઓ અજમાવાય છે.

જીવાત : 50 કરતાં વધારે પ્રકારનાં કીટકો સાગ પર આક્રમણ કરે છે. તેઓ વિપત્રકો (defoliators), વેધકો (borers), રસ-ચૂસકો (sap-suckers) અને પુષ્પવિન્યાસ, બીજ અને મૂળનો નાશ કરનારાં છે. બીજાં કેટલાંક કીટકો પીટિકાઓ (galls) બનાવે છે. સાગ-અતિકૃશતા (teak-skeletonization) કરનારાં (Hapalia machaeralis) અને સાગ-વિપત્રક (Hyblaea purea) દ્વારા ઘણી વાર વિનાશ સર્જાય છે. તેમની ઇયળો પર્ણોની મૃદુતકીય (parenchymatous) પેશીઓને ખાઈ જાય છે. સાગના શરૂઆતના વિકાસ દરમિયાન થતું તેમનું આક્રમણ ખૂબ ગંભીર હોય છે, કારણ કે સમગ્ર પર્ણસમૂહનો નાશ થાય છે. ભારે મહામારીમાં કાષ્ઠમાં આશરે 4.5 ઘનમીટર/હેક્ટર ઘટાડો થાય છે. સામાન્ય સ્થિતિમાં આ ઘટાડો 0.7-0.8 ઘનમીટર/હેક્ટર થાય છે. વિયોજન-પટ્ટીઓ (isolation-belts) દ્વારા શુદ્ધ વનના મોટા વિભાગોનું વિભાજન કરવાથી અને ગરમાળો, ધામણ, મરડાશિંગ (Helicteris isora), Rhynchosia cyrospera અને ઊડલ (Sterculia villosa) જેવી વિવિધભક્ષી (polyphagous) પરોપજીવીઓની યજમાન જાતિઓનો પ્રવેશ કરાવવાથી નિયંત્રણ શક્ય છે.

Dihammus cervinus, સાગના કૅન્કરનો કીડો કેટલીક વાર તરુણ વૃક્ષોદ્યાનમાં મહામારી સ્વરૂપે વિકસે છે. Sahyadrassus malabaricus દક્ષિણ ભારતમાં થતું વેધક કીટક છે. Xyleutes ceramica મ્યાનમારની સાગને ગંભીર નુકસાન પહોંચાડતી જીવાત છે, જે ભારતમાં કોઈ મહત્ત્વની સમસ્યા ઊભી કરતી નથી.

ઇમારતી લાકડું (timber) : સાગનું વૃક્ષ ઘણું જ ઉમદા અને કીમતી ઇમારતી લાકડું આપે છે. તેના આકાર-જાળવણી અને ટકાઉપણાના ગુણધર્મો ખાસ નોંધપાત્ર છે. તેની રંગ, રૂપ, ઘાટ-ઘડતર માટેની ક્ષમતા અને આંતરિક રેસાગુંફનની દૃષ્ટિએ બહુ જ ઉત્કૃષ્ટ કક્ષાનું કાષ્ઠ ગણાય છે. તેનું રસકાષ્ઠ (sapwood) સફેદથી આછા પીળાશ પડતા રંગનું હોય છે અને અંત:કાષ્ઠ (heartwood) સોનેરી પીળું હોય છે અને ઘેરા લિસોટાઓ ધરાવે છે. તે સખત, જાડું, બરછટ, અનિયમિત બંધારણ ધરાવતું અને તીવ્ર વાસવાળું હોય છે. તે મધ્યમસરનું વજનદાર (વિશિષ્ટ ઘનતા 0.55થી 0.70, વજન 608થી 688 કિગ્રા./ઘનમીટર) અને મજબૂત હોય છે. કાષ્ઠ વલયછિદ્રી (ring-porous) હોય છે. વસંતકાષ્ઠ (spring-wood) આછા રંગનો મોટો વિસ્તાર ધરાવે છે અને તેનાં છિદ્રો સ્પષ્ટ રીતે જોઈ શકાય તેટલાં મોટાં હોય છે. ગ્રીષ્મકાષ્ઠ (summer-wood) વધારે ઘેરા રંગનું હોય છે અને રેસાઓ ખીચોખીચ ગોઠવાયેલા હોય છે. તેનાં છિદ્રો ઘણાં નાનાં હોય છે. સૌથી મજબૂત કાષ્ઠમાં પ્રતિ સેન્ટિમિટર 25 વૃદ્ધિવલયો (growth rings) આવેલાં હોય છે. સાગનું અંત:કાષ્ઠ સૌથી ટકાઉ કાષ્ઠો પૈકીનું એક છે.

આકૃતિ 3 : સાગના કાષ્ઠનો આડો છેદ

વાયુ-સંશોષણ માટે સાગ આદર્શ કાષ્ઠ ગણાય છે. તેની ખુલ્લી થપ્પીઓ કરી મુક્ત રીતે હવાની અવરજવર થઈ શકે તે રીતે આવરણ હેઠળ રાખવામાં આવે છે. તે ઝડપથી સુકાય છે. તેને નુકસાન અત્યંત ઓછું થાય છે, અથવા બિલકુલ થતું નથી. પાટડા(log)નું સંશોષણ ધીમું થાય છે. વલયન (girdling) સંશોષણનો સમય ઘટાડે છે. પાતન(felling)ના એક વર્ષ પહેલાં વલયન કરવામાં આવે છે, જેથી સંકુચન (shrinkage) અટકાવી શકાય છે. તેનું ક્લિન-સંશોષણ (klin-seasoning) સહેલાઈથી થઈ શકે છે; પરંતુ સપાટીએ થતા ઑક્સિડેશનથી ઉદ્ભવતી રંગહીનતા (discolouration) અટકાવવાની કાળજી રાખવી જરૂરી હોય છે. 2.5 સેમી. જાડા કાષ્ઠપટ્ટ(plank)ને સંશોષણ માટે 13-16 દિવસ લાગે છે, જેમાં ચાર વાર પ્રબાષ્પન જરૂરી હોય છે.

ગ્રેવયાર્ડ કસોટી દર્શાવે છે કે સાગના કાષ્ઠનું સરેરાશ જીવન લગભગ 160 માસ જેટલું હોય છે. તે ઉચ્ચતાપસહ (refractory) હોય છે. ઊધઈ અને બીજા કીટકોના આક્રમણ સામે પ્રતિકાર દર્શાવે છે; કારણ કે કાષ્ઠમાં વિષાળુ ટેક્ટોક્વિનોનની હાજરી હોય છે. શાખાના કરતાં મુખ્ય પ્રકાંડ વધારે ઊધઈરોધી હોય છે. રસકાષ્ઠ નાશવંત (perishable) હોય છે અને ઉંદર, ઊધઈ અને વેધક દ્વારા ઝડપથી નાશ પામે છે. અંત:કાષ્ઠ દરિયાઈ વેધકો માટે મધ્યમ અવરોધક છે.

સાગનું કાષ્ઠ ફૂગ સામે વધારે રોધક હોય છે; જે તેમાં રહેલા નિષ્કર્ષિતો (extractives) અને કાષ્ઠની ઉચ્ચ સ્ફટિકમયતા-(crystallinity)ને આભારી છે. બદામી સડાની ફૂગ કરતાં સફેદ સડાની ફૂગ માટે વધારે રોધક છે. મોટાં વૃક્ષોમાં અંદરનું અંત:કાષ્ઠ બહારના અંત:કાષ્ઠ કરતાં ઓછું રોધક હોય છે, જ્યારે નાનાં વૃક્ષોનું સમગ્ર અંત:કાષ્ઠ એકસરખો અવરોધ દર્શાવે છે. અંત:કાષ્ઠ આલ્કોહૉલ/બેન્ઝિન અને મિથાઇલ આલ્કોહૉલ દ્રાવ્ય ભાગો વધારે પ્રમાણમાં ધરાવે છે, જે વધારે ટકાઉ હોય છે.

ભારતમાં કેરળનું નીલાંબર અને તમિલનાડુના કોઇમ્બતુરનો સાગ તેના યાંત્રિક ગુણધર્મો માટે પ્રમાણભૂત ગણાય છે. મધ્ય પ્રદેશના સાગના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા દક્ષિણ ભારતના પ્રમાણભૂત કાષ્ઠ સાથે ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 95, પાટડાનું સામર્થ્ય 95, પાટડા તરીકેની દુર્નમ્યતા (stiffness) 85, સ્તંભ તરીકેની ઉપયુક્તતા 85, આઘાત-અવરોધક-ક્ષમતા (shock-resisting ability) 95, આકારની જાળવણી 105, અપરૂપણ (shear) 115 અને કઠોરતા (hardness) 95.

તે વાતાવરણીય ભેજમાં થતા ફેરફારો સારી રીતે સહન કરે છે. તેનો સંતુલન અચળાંક (equilibrium constant) નીચો હોય છે અને પાણીનો પ્રવેશ અત્યંત અલ્પ પ્રમાણમાં થાય છે. કાષ્ઠને પાણીમાં ભીંજવવામાં આવે તો પાણી માત્ર સપાટીના ભાગમાં જ પ્રવેશે છે. તે સારું અમ્લરોધી (acid resistant) છે. તે આયર્ન, કૉપર અને ઍલ્યુમિનિયમને ક્ષયિત (corrode) કરતું નથી.

તે સહેલાઈથી વહેરી શકાય છે અને તેના પર ખરાદીકામ સરળતાથી થાય છે. મધ્યમ ગેજની કરવતો ખૂબ અનુકૂળ હોય છે. તેની સપાટી સમતલ કરી સારી રીતે પૉલિશ કરી શકાય છે. સાગનો ઘસારા-અવરોધ (wearing resistence), કૂચુક (caoutchouc) દ્રવ્યના વધારા સાથે વધે છે. આ દ્રવ્ય જેટલું વધારે હોય છે, તેટલી તેની સપાટી લીસી વધુ બને છે. તે થોડુંક બરડ હોવાથી તે ખરાદીકામમાં કાળજી માગી લે છે; કારણ કે તેની ધારોનાં છોડિયાં ઊડી જાય છે.

તેનો વલન(bending)નો ગુણધર્મ ખૂબ ઓછો હોય છે. તેનો વેધન(boring)નો ગુણધર્મ ખૂબ સારો હોય છે અને તેની તુલના ઓક(Quercus rubra)ના કાષ્ઠ સાથે થઈ શકે છે. તે સારી યંત્રકામ (machining)-ગુણવત્તા ધરાવે છે. કોતરકામ માટે તે વધારે યોગ્ય છે.

કાષ્ઠની સપાટીનું રંગકામ ખાસ ઍસિડ-દૃઢીકરણ (acid-hardening) લાખ કે પાતળી પૉલિયુરેથેન લાખ દ્વારા થાય છે. ઍસિડ-દૃઢીકરણ લાખ શ્રેષ્ઠ દેખાવ આપે છે, જ્યારે પૉલિયુરેથેન લાખ ઝડપથી સુકાય છે અને ઘસારા-રોધી છે. રંગકામ પહેલાં સપાટી પરથી નિષ્કર્ષિતોનું સ્વચ્છન જરૂરી છે.

બંધારણ અને ઉપયોગ : કાષ્ઠનું ઓવન-શુષ્ક વજન પ્રમાણે રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : શીત-જલ નિષ્કર્ષ 4.0 %, ઉષ્ણ-જલ નિષ્કર્ષ 5.68 %, પેટ્રોલિયમ-ઈથર નિષ્કર્ષ 3.06 %, આલ્કોહૉલ-બેન્ઝિન (1 : 2) નિષ્કર્ષ 6.59 %, પેન્ટોસન 19.43 %, લિગ્નિન 30.05 %, હોલોસેલ્યુલોઝ 61.11 %, a-સેલ્યુલોઝ 36.31 %, હેમિસેલ્યુલોઝ ‘એ’ 11.37 %, હેમિસેલ્યુલોઝ ‘બી’ 2.97 %, હોલોસૅલ્યુલોઝનો આલ્કોહૉલ દ્રાવ્ય ભાગ 10.46 %, ઍસિટાઇલ દ્રવ્ય 1.66 %, ભસ્મ 1.33 % અને સિલિકા 0.25 %. સેલ્યુલોઝના જલાપઘટન(hydrolysis)માં હાજર શર્કરાઓમાં ઝાયલોઝ, ગ્લુકોઝ, મેનોઝ, ગૅલેક્ટોઝ અને એરેબિનોઝ હોય છે. કાષ્ઠમાંથી સ્ટાર્ચ, ટેનિન કે ઍલ્કેલૉઇડ પ્રાપ્ત થતાં નથી. આ ઉપરાંત, કાષ્ઠના જલવાહક મૃદુતકમાં 4.8 % જેટલું કૂચુક હોય છે.

કાષ્ઠ-નિષ્કર્ષિતોમાં ઍન્થ્રેક્વિનોન, નૅપ્થેલિનનાં સંયોજનો અને ટ્રાઇટર્પેનીય અને હેમિટર્પેનીય સંયોજનો જેવાં ઘણાં કાર્બનિક સંયોજનો ઓળખી કઢાયાં છે. આ ઉપરાંત કાષ્ઠ મુક્ત બાષ્પશીલ ફૅટીઍસિડ જેવા કે ફૉર્મિક, ઍસેટિક, પ્રૉપિયોનિક, બ્યુટિરિક, ક્રોટોનિક અને એક્રિલિક ઍસિડ ધરાવે છે.

મોટાભાગના ઍન્થ્રેક્વિનોન અને લેપેચોલ, ડિઑક્સિલેપેચોલ અને 0-ક્રેસિલ મિથાઇલ ઈથર કાષ્ઠને ઊધઈ-અવરોધકતાનો ગુણધર્મ આપે છે. 4, 5 ડાઇહાઇડ્રૉક્સિ-મિથાઇલ ઍન્થ્રેક્વિનોન ઊધઈ માટે વિષાળુ છે. તે જ પ્રમાણે નિષ્કર્ષિતો પણ ઊધઈ સામે અને Polyporus versicolor સામે કાષ્ઠને અવરોધકતા આપે છે. ડિઑક્સિલેપેચોલ જેવાં રસાયણો ફૂગનાશક (fungicide) તરીકે વર્તે છે. લેપેચોલ જેવા ઘટકો દ્વારા કેટલીક વ્યક્તિઓને ઍલર્જિક ખરજવું અથવા તીવ્ર ખસ (itch) થાય છે. ડિઑક્સિલેપેચોલ પણ ભયંકર છે. b-મિથાઇલ ઍન્થ્રેક્વિનોન DDT માટે યોગવાહી (synergist) તરીકે કાર્ય કરે છે. સાગની પેશીમાં DDTને સંગ્રહવાથી DDTની ક્ષમતા વધે છે.

સાગના કાષ્ઠને સળગાવવાથી ઘેરા બદામી તૈલી-રાળયુક્ત (oleoresinous) પદાર્થ(શુષ્ક કાષ્ઠના 9 %-11.0 %)નો સ્રાવ થાય છે. કાષ્ઠ પોતે જ કીમતી હોવાથી આ નીપજનો કોઈ વ્યાપારિક ઉપયોગ થતો નથી. તેના ગુણધર્મો આ પ્રમાણે છે : રંગ  ઘેરો રાતો, બદામી; ગંધ – આનંદદાયી, બાલ્સમીય; ગલનબિંદુ 62°-70° સે.; વિશિષ્ટ ઘનતા 0.9235-0.9325; વક્રીભવનાંક (n23°) 1.5095-1.5136; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન (specific optical rotation) [a]23°, +2°થી +3.6°; ઍસિડ-મૂલ્ય 2.2થી 4.6; સાબુકરણ-આંક (saponification value, sap. val.) 14.226.7; ઍસીટિલીકરણ પછી સાબુકરણ-આંક 36.5-58.8. તે 2 %-3 % હલકું અને 4.5 %-6.0 % ભારે બાષ્પશીલ તેલ ધરાવે છે.

કાષ્ઠના બાષ્પનિસ્યંદનથી 0.15 % તૈલી નીપજ અને નારંગી રંગનો ઘન પદાર્થ ઉત્પન્ન થાય છે. તૈલી નીપજનો ઔષધીય હેતુઓ માટે અને રંગકામમાં અળસીના તેલની અવેજીમાં ઉપયોગ થાય છે.

ઉપયોગો : જગતની મોંઘી ઇમારતી જાતોમાં સાગ અત્યંત અગ્રિમ સ્થાન ધરાવે છે. તેનું કાષ્ઠ ઇમારતો, રાચરચીલું, પ્લાયવૂડ-ઉદ્યોગ, સંગીતનાં વાદ્યો બનાવવાના ઉદ્યોગ માટે, પુલ, રેલવે-સ્લીપરો અને ડબ્બાઓ, ખેતીનાં ઓજારો, હળ અને ઇજનેરીનાં સાધનો બનાવવા માટે; કોતરકામ અને મૉડેલ માટે; ટેલિગ્રાફ, ટેલિફોન અને વિદ્યુતના થાંભલાઓ માટે તેમજ દરિયાઈ વહાણવટાના ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી છે. રાસાયણિક પ્રક્રિયા સામે તેની સધ્ધરતા જોતાં સાગ પ્રયોગશાળાઓમાં મેજના ઉપરના તખ્તા જડવા માટે ખૂબ જ ઉપયોગી ગણાય છે. તેના વહેરમાંથી સોડિયમ થાયૉસલ્ફેટની મદદથી તાપ-સુઘટ્યતાકરણ (thermo-plasticization) દ્વારા પ્લાસ્ટિકનાં બૉર્ડ બનાવવામાં આવે છે.

કીમતી કાષ્ઠ હોવાને કારણે તેમાંથી માવો બનાવવા માટે વધારાનું કાષ્ઠ પ્રાપ્ત થતું નથી. તેથી કાષ્ઠનો કચરો અને નાનાં કદનાં દ્રવ્યોમાંથી માવો બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ લખવાના-છાપવાના અને વીંટાળવાના કાગળો બનાવવામાં થાય છે.

સાગના કાષ્ઠનું ઉષ્મીયમાન (calorific value) સંપૂર્ણ શુષ્ક રસકાષ્ઠનું 4,989 કૅલરી અને સંપૂર્ણ શુષ્ક અંત:કાષ્ઠનું 5,535 કૅલરી છે. જોકે તેની ઉષ્માશક્તિ સારી હોવા છતાં તેનો બળતણ તરીકે ઉપયોગ થતો નથી, કારણ કે તેની કિંમત ખૂબ ઊંચી હોય છે અને તેનો વધારે સારો ઉપયોગ થવાની શક્યતા છે.

કાષ્ઠમાંથી સરેરાશ 0.31નું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતો કોલસો બને છે. તે વધારે ભસ્મ દ્રવ્ય ધરાવે છે અને તેમાંથી ખૂબ તણખા ઝરે છે, તેથી તેનો ઘરગથ્થુ ઉપયોગ થતો નથી. ઝિંક ક્લોરાઇડ અને ફેરિક ક્લોરાઇડનો સક્રિયક તરીકે ઉપયોગ કરી સાગના વહેરમાંથી સક્રિયક કોલસો બનાવી શકાય છે.

સાગના કાષ્ઠનું ચૂર્ણ Melanorrhoea usitatissima દ્વારા થતા ત્વચાશોથને શાંત પાડવામાં ઉપયોગી છે. તે આંતરિક રીતે લેવામાં આવે તો જઠરમાં થતી દાહની સંવેદનાને મટાડે છે. આંખનાં ફૂલેલાં પોપચાં પર કાષ્ઠની ભસ્મ લગાડવામાં આવે છે.

કાષ્ઠની પતરીઓના નિસ્યંદનથી પ્રાપ્ત થતા તૈલી નીપજનો ખરજવા અને દાદરમાં ઉપયોગ થાય છે. તેલને Derris oblongaનાં કચરેલાં બીજ સાથે મિશ્ર કરી તૈયાર કરેલો મલમ ખસ ઉપર લગાડવામાં આવે છે.

પર્ણો : પર્ણો લગભગ 6 % ટેનિન ધરાવે છે. તેઓ પીળો કે રાતો રંગ ધરાવે છે અને રેશમને પીળા કે સેતૂરી લીલા (olive) રંગથી કે સંબંધિત છાયા(shade)થી રંગવા માટેની ભલામણ કરવામાં આવે છે. પક્વ શુષ્ક પર્ણોનું ઍસિટોન વડે શીત નિષ્કર્ષણ કરતાં ક્વિનોનૉઇડ રંજકકણોનું મિશ્રણ ઉત્પન્ન થાય છે; જેમાંથી ઘેરો રાતો ઍન્થ્રેક્વિનોન, એટલે કે ટૅક્ટોલીફ ક્વિનોન(C19H14O6; 1, 4, 5, 8 ટેટ્રાહાઇડ્રૉક્સિ-2 આઇસોપેન્ટા-ડાઇઇનાઇલ ઍન્થ્રેક્વિનોન)ને અલગ કરવામાં આવે છે.

વ્યાપારિક ધોરણે, પાણીથી ભીંજવેલાં પર્ણોને 0.25 % સોડિયમ કાર્બોનેટના દ્રાવણ સાથે ગરમ કરી રંગનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. રંગનું સૌથી વધારે ઉત્પાદન મે-ઑગસ્ટ માસ દરમિયાન એકત્રિત કરેલાં પર્ણો દ્વારા થાય છે. રંગનો ઉપયોગ ઊન અને રેશમને કાયમી રંગ આપવા માટે થાય છે. સૂતર માટે રંગબંધક (mordant) જરૂરી છે. ઊન અને રેશમ પણ રંગબંધકના ઉપયોગથી વધારે સારો રંગ અને સ્થાયી છાયા આપે છે. પર્ણોના જલીય નિષ્કર્ષ વડે અને રંગબંધક વિના ઊન અને રેશમને કૅલેડોનિયન બદામી રંગ, 5 % FeSO4 કે CuSO4 સાથે ભૂખરો અથવા સ્લેટ જેવો રંગ, 5 % K2Cr2O7 કે સ્ટેનસ ક્લોરાઇડ સાથે પીળાશ પડતો આછો ગુલાબી રંગ અને 0.25 % સોડિયમ કાર્બોનેટ સાથે આછો જાંબલી (lilac) રંગ આપે છે. સૂતર માટે ટેનિક ઍસિડ કે ટેનિનોલ કે થાયૉટન એમ. એસ. જેવા રંગબંધકોનો ઉપયોગ કરવામાં આવે છે. પર્ણો સ્થાનિક ઔષધ તરીકે વપરાય છે. પર્ણોનો નિષ્કર્ષ Mycobacterium tuberculosisનો સંપૂર્ણ અવરોધ કરે છે.

બીજ અને પુષ્પો : મીંજ 44.5 % મેદીય તેલ ઉત્પન્ન કરે છે. તેના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : લોવીબૉન્ડ રંગ (0.6 સેમી. કોષ), 26.0 રાતો + 4.0 પીળો; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન,  1.4692; ઍસિડ-મૂલ્ય 1.6; સાબુકરણ-આંક 289.7 અને અસાબુનીકૃત દ્રવ્ય 0.8 %. બીજના બાષ્પનિસ્યંદનથી સફેદ ઊનરૂપ (flocculent) દ્રવ્ય અત્યંત અલ્પ જથ્થામાં ઉત્પન્ન થાય છે. તેલ વાળની વૃદ્ધિ પ્રેરે છે, તે ખૂજલી(scabies)માં પણ ઉપયોગી છે. પુષ્પો પિત્તપ્રકોપ (biliousness), શ્વસનીશોથ (bronchitis) અને મૂત્રોત્સર્જનમાં ઉપયોગી હોવાનું મનાય છે. બીજનો નિષ્કર્ષ આંખોની તકલીફોમાં મલમ સ્વરૂપે લગાડવામાં આવે છે. પુષ્પો અને બીજ બંને મૂત્રલ (diuretic) ગણાય છે.

છાલ : છાલનું (ઓવન-શુષ્ક આધારે) એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ટેનિન 7.14 %, શીત-જલમાં દ્રાવ્ય પદાર્થો 19.81 %, ઉષ્ણ-જલમાં દ્રાવ્ય પદાર્થો 20.75 %, પેટ્રોલિયમ-ઈથર-નિષ્કર્ષ 2.11 %, આલ્કોહૉલ-બેન્ઝિન (1 : 2) નિષ્કર્ષ 15.74 %, ક્લોરાઇટ-હોલોસેલ્યુલોઝ 55.57 % અને ભસ્મ 14.0 %. છાલમાં બેટ્યુલિનિક ઍસિડ હોય છે. છાલ સ્તંભક (astringent) છે અને શ્વસનીશોથમાં ઉપયોગી છે. મૂળની છાલમાંથી પીળાશ પડતો બદામી રંગ પ્રાપ્ત થાય છે.

આયુર્વેદ અનુસાર સાગનું વૃક્ષ સ્વાદે તૂરું, ગુણમાં હલકું, રુક્ષ, શીતળ, ગર્ભપ્રદ તથા સ્થિરતા લાવનાર, કટુ વિપાકી, શીતવીર્ય, કફ-પિત્તશામક અને વાયુ, પિત્ત, હરસ, રક્તપિત્ત (રક્તસ્રાવ), ઝાડા અને કોઢનો નાશ કરનાર છે. તેનાં ફળ તૂરાં, કડવાં, વિશદ, લઘુ, રુક્ષ, વાયુ કોપાવનાર અને પ્રમેહ, કફ તથા પિત્તનો નાશ કરનારાં છે. તેની છાલ  મધુર, રુક્ષ અને તૂરી તથા કફનાશક, પિત્તશામક, રક્તસ્તંભક, મૂત્રસ્તંભક અને કૃમિઘ્ન છે. પર્ણનો રસ – રક્તસ્તંભક, સોજો મટાડનાર, દાહશામક તથા કુષ્ઠઘ્ન છે. તેનો સાર – શોથહર, પીડાનાશક, વિષ તથા દાહનાશક છે. બીજ – વાતશામક અને મૂત્રજનન છે. બીજનું તેલ – ચળ મટાડનારું અને વાળ માટે હિતકર (કેશ્ય) છે.

ઔષધિપ્રયોગો : (1) પથરી અને પેશાબ ન ઊતરવો – સાગનાં બે બીજને પાણીમાં કે ચોખાના ધોવરામણ સાથે ઘસી કે તેનું ચૂર્ણ કરી, સાકર નાખી રોજ બે વાર પાવામાં આવે છે. બીજનો ઘસારો ડૂંટી પર લગાવાય છે. (2) સર્પદંશમાં દર્દીને સાગનાં મૂળ વારંવાર ઘસીને પિવડાવાય છે તથા વચ્ચે ચોખ્ખું ઘી પણ ખૂબ પિવડાવવામાં આવે છે. (3) સ્ત્રીના કોઠાના રતવા (ગરમી) પર સાગનાં તાજાં પાનનો રસ કાઢી, ગરમ કરી, ઘટ્ટ કરી યોનિમાં લેપ કરવામાં આવે છે કે સૂકા પાનની ભસ્મ ઘીમાં કાલવીને લગાવવામાં આવે છે. (4) વીર્યધાતુની ગરમી ઉપર સાગના બીજનું ચૂર્ણ 2-3 ગ્રા. જેટલું જીરાના ચૂર્ણ તથા સાકર સાથે મેળવી ઘી કે દૂધમાં રોજ અપાય છે. (5) હાથીપગું – રાફડો તથા મેદો રોગ – સાગની છાલનો ઉકાળો કરી તેમાં તાજું ગોમૂત્ર કે ગોમૂત્રનો અર્ક ઉમેરીને રોજ સવાર-સાંજ અપાય છે. (6) શીળસ – સાગનાં પાન પાણીમાં ઉકાળીને તેનાથી રોજ સ્નાન કરાવાય છે. (7) સર્પવિષથી થતા રક્તસ્રાવમાં સાગના કુમળા અંકુર 70 ગ્રા. જેટલા લઈ પાણીમાં વાટી દર્દીને દર કલાકે પાવાથી ગુણ થાય છે.

બળદેવભાઈ પટેલ

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવપ્રસાદ પનારા